
કેન્દ્રએ આપ્યો જડબાતોડ જવાબ નેધરલૅન્ડ્સે ભારતમાં લઘુમતીઓના અધિકારો પર તરાપનો મુદ્દો ઉઠાવ્યો ભારતે સ્પષ્ટ કર્યું છે કે બંધારણ તરફથી દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાની સંપૂર્ણ આઝાદી મળેલી છે ભારતે દેશમાં મીડિયાની આઝાદી અને લઘુમતીઓના અધિકારો નબળા પડવાના તમામ વિદેશી આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે એક જીવંત લોકશાહી દેશ છે, જ્યાં બંધારણ તરફથી દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાની એટલે કે અભિવ્યક્તિની સંપૂર્ણ આઝાદી મળેલી છે.
આ મહત્ત્વનું નિવેદન વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે આપ્યું છે. નેધરલૅન્ડ્સના પીએમ રૉબ જેટેન દ્વારા ભારતમાં આઝાદી ઘટવા અંગે કરાયેલી કથિત ટિપ્પણી પર તેમણે આ વળતો જવાબ આપ્યો હતો. પીએમ મોદીના બે દિવસીય નેધરલૅન્ડ્સ પ્રવાસ દરમિયાન રાજધાની એમ્સ્ટર્ડમ ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આવા સવાલો માત્ર અધૂરી સમજને કારણે જ ઊભા થાય છે. ભારત ૧.૪ અબજ લોકોની વસ્તી ધરાવતું વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્ર છે અને આ પાંચ હજાર વર્ષ જૂની ભવ્ય સભ્યતા ધરાવતા દેશમાં ડગલે ને પગલે વિવિધતા વણાયેલી છે.
આરોપોનો જવાબ આપતાં સિબી જ્યોર્જે ભારતની ભવ્ય વિવિધતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ભારત તરફ જુઓ, તે કેટલું સુંદર છે. દુનિયામાં એવો કોઈ બીજાે દેશ નથી જ્યાં આટલા બધા ધર્મોનો જન્મ થયો હોય. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શિખ ધર્મ – આ તમામ ધર્મો ભારતમાં જન્મ્યા અને આજે પણ અહીં સમાન રીતે ખીલી રહ્યા છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વિશ્વના તમામ મોટા ધર્મોને ભારતમાં આશ્રય મળ્યો અને તેઓ અહીં સતત આગળ વધતા રહ્યા છે. ભારત કદાચ દુનિયાના એવા જૂજ દેશોમાંનો એક છે જ્યાં યહૂદી સમુદાયને ક્યારેય કોઈ પણ પ્રકારના ઉત્પીડન કે અત્યાચારનો સામનો કરવો પડ્યો નથી. આ જ ભારતની અસલી સુંદરતા છે.
ભારતમાં લઘુમતી ધર્મોના ઇતિહાસ અંગે વાત કરતા રાજદ્વારીએ જણાવ્યું કે, ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવિત થવાના તુરંત બાદ ભારતમાં આવી ગયો હતો અને આજે પણ અહીં ખૂબ જ સારી રીતે ફલીભૂત થઈ રહ્યો છે. આજે ભારતમાં ૩ કરોડથી વધુ ખ્રિસ્તીઓ વસે છે.
ખ્રિસ્તી ધર્મ યુરોપ પહોંચ્યો તે પહેલા ભારતમાં આવી ચૂક્યો હતો. ઇસ્લામ પણ પયગંબર મોહમ્મદના સમયમાં જ ભારતમાં આવી ગયો હતો અને અહીં સદીઓથી ફલતો-ફૂલતો રહ્યો છે.





