આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી અત્યંત મહત્વપૂર્ણ વાત કરતા જણાવ્યું હતું કે, નીટના પેપર લીકના કારણે દિલ્હીના જંતર મંતર ખાતે લાખોની સંખ્યામાં GenZ યુવાનો એકઠા થયા હતા. ત્યારબાદ ભાજપ સરકાર દ્વારા તેમના પર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો. યુવાનો, મહિલાઓ, માતા, બહેન, દીકરીઓ જાણે આતંકવાદી હોય એ પ્રમાણે ભાજપની પોલીસે તેમના પર અત્યાચાર કર્યો. ઘણા યુવાનોના મને ફોન આવ્યા, જેઓ કહી રહ્યા હતા કે “તેઓ પણ આંદોલનમાં જવા માંગે છે પરંતુ અમે જઈ શકતા નથી.” અમે સમજી શકીએ છીએ કે તમામ લોકોની લાગણીઓ છે અને એના કારણે ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મને હાલ એક વિચાર આવે છે કે આપણે એક પાર્ટી તરીકે નહીં પરંતુ માનવતાની દ્રષ્ટિએ આપણે કંઈ કરવું જોઈએ, હાલ આપણે બધા લોકો જંતર મંતર પર જઈ શકતા નથી અને યુવાનો વિચારી રહ્યા છે કે “દિલ્હીના જંતર મંતર પર ઘણા લોકો એમના માટે આંદોલન કરી રહ્યા છે તો હવે તેઓ શું કરી શકે છે?” તો હું ગુજરાતના તમામ યુવાનો અને ખાસ કરીને GenZ યુવક યુવતીઓને કહેવા માંગું છું કે જ્યારે 23 જુલાઈના રોજ તમે સ્કૂલ કે કોલેજ જાઓ ત્યારે જંતર મંતર પર જે લોકો પર લાકડીઓ વરસાવવામાં આવી છે, તે આંદોલનકારીઓ સમર્થનમાં કાળા કપડા પહેરીને અથવા તો કાળી પટ્ટી ધારણ કરીને કોલેજ જાવ, એવી હું અપીલ કરું છું. જેથી કરીને જે લાખો યુવક યુવતીઓએ પોલીસની લાકડીઓ ખાધી છે અને હાલ તેઓ આંદોલનમાં બેઠા છે એ લોકોને આપણે એવો સંદેશો આપી શકીએ કે ગુજરાતના GenZ યુવક યુવતીઓ પણ તેમની સાથે છે. માટે મારી વિનંતી છે કે 23 તારીખે આપ કોલેજ જાવ ત્યારે કાળા કપડા કે કાળી પટ્ટી ધારણ કરીને જાવ.





