
કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે.ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી.પંજાબમાંથી એક રાજ્યસભા બેઠક માટેની પેટાચૂંટણી ૨૪ ઓક્ટો. યોજાશે : એએપીએ ઉમેદવારની જાહેરાત કરી.આમ આદમી પાર્ટીએ પંજાબમાંથી રાજ્યસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ વખતે અરવિંદ કેજરીવાલને નહીં, પરંતુ ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી છે. પંજાબમાંથી એક રાજ્યસભા બેઠક માટેની પેટાચૂંટણી ૨૪ ઓક્ટોબરે યોજાશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિએ સર્વાનુમતે રાજિન્દર ગુપ્તાના નામાંકનને મંજૂરી આપી હતી. ગુપ્તા પંજાબ આયોજન બોર્ડના ઉપાધ્યક્ષ હતા, પરંતુ તેમણે એક દિવસ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
રાજિન્દર ગુપ્તાને ૨૦૨૨માં પંજાબ પ્લાનિંગ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતાં. સાંસદ સંજીવ અરોડા લુધિયાણા વેસ્ટ પેટાચૂંટણીમાં જીત્યા બાદ રાજ્યસભાની પંજાબની બેઠક ખાલી થઈ હતી. જ્યારે તેમને લુધિયાણા વેસ્ટમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, ત્યારે વિપક્ષોને અપેક્ષા હતી કે, અરવિંદ કેજરીવાલ રાજ્યસભા જશે. પરંતુ હવે તેમણે પોતે ઉમેદવારી નોંધાવાના બદલે ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાનું નામ જાહેર કર્યું છે.
કેજરીવાલે કહ્યું હતું કે તેઓ નહીં લડે. પંજાબમાં સાત રાજ્યસભા બેઠકો છે, જેમાંથી છ બેઠકો આમ આદમી પાર્ટીના સાંસદો પાસે છે. હરભજન સિંહ, સંત બલબીર સિંહ, અશોક કુમાર મિત્તલ, સંદીપ પાઠક અને વિક્રમજીત સિંહ સાહની પંજાબમાંથી રાજ્યસભા સાંસદ છે. રાજ્યસભામાં ગુપ્તાનો પ્રવેશ નિશ્ચિત છે, કારણ કે આમ આદમી પાર્ટી પાસે ૧૧૭ બેઠકની વિધાનસભામાં ૯૩ ધારાસભ્યો છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે માત્ર ૬૦ મતની જરૂર છે. તેથી, ગુપ્તાની જીત નિશ્ચિત છે.
ગુપ્તાએ અકાલી દળમાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે અકાલી દળ અને ભાજપ સરકાર દરમિયાન અનેક મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. તેમની કંપની ટ્રાઇડેન્ટનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૫,૦૦૦ કરોડથી વધુ છે. કંપની કોટન પેપર, બેડશીટ અને ટુવાલ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા રાજિન્દર ગુપ્તા પાસે કોઈ વ્યવસાયિક પૃષ્ઠભૂમિ નહોતી.
નવમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે એક ફેક્ટરીમાં નોકરી કરી હતી. ઘણા વર્ષો નાની-મોટી નોકરી કર્યા બાદ તેમણે ૧૯૮૫માં ૬.૫ કરોડના રોકાણનું મોટુ જાેખમ લીધું અભિષેક ઇન્ડસ્ટ્રીઝ નામથી ખાતર ફેક્ટરી સ્થાપી હતી. આ કંપની પાછળથી ટ્રાઇડેન્ટ તરીકે પ્રચલિત અને વિકસિત થઈ. ફોર્બ્સ અનુસાર, તેઓ ૧.૩ અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. આ ઉપરાંત, તેમની કંપનીના ઉત્પાદનોની ૧૫૦થી વધુ દેશોમાં નિકાસ થાય છે.




