કેરળમાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. કેરળના અલપ્પુઝામાં કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સાથે હાઇ સ્પીડ કાર અથડાતાં આ અકસ્માત થયો હતો. ઘટના સમયે કારમાં 7 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 5 વિદ્યાર્થીઓના મોત થયા છે. અન્ય બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈમરજન્સી યુનિટે મૃતદેહોને બહાર કાઢવા માટે કારના ક્ષતિગ્રસ્ત ભાગોને કાપવા પડ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો વંદનમ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા. પાંચ વિદ્યાર્થીઓમાંથી ત્રણનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બેનું હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત થયું હતું. અન્ય બે ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે અલપ્પુઝા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોની ઓળખ મોહમ્મદ, મુહાસીન, ઈબ્રાહિમ, દેવાનંદ અને શ્રીદીપ તરીકે થઈ છે.
સ્થાનિક લોકોના હવાલાથી જણાવ્યું કે કાર પહેલા વાહનને ઓવરટેક કરી રહી હતી, ત્યારબાદ તેણે બ્રેક લગાવી અને સ્લીપ થઈ અને સરકારી બસ સાથે અથડાઈ. પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. ગુરુવાયુરથી કયામકુલમ જઈ રહેલી સરકારી બસમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.