મહારાષ્ટ્રમાં મુંબઈના દરિયાકાંઠે નૌકાદળના જહાજે પ્રવાસી બોટને ટક્કર મારવાની ઘટનાના એક દિવસ પછી, બે મુસાફરો હજુ પણ ગુમ છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં 113 માંથી 13 લોકોએ જીવ ગુમાવ્યા. સાથે જ 98 લોકોને બચાવી લેવાયા છે. પોલીસે જણાવ્યું કે ગુમ થયેલા બે લોકોની ઓળખ 43 વર્ષીય હંસરાજ ભાટી અને સાત વર્ષીય જોહાન મોહમ્મદ નિસાર અહેમદ પઠાણ તરીકે કરવામાં આવી છે. નેવી અને કોસ્ટ ગાર્ડ ફોર્સની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કેવી રીતે થયો અકસ્માત?
મહારાષ્ટ્રમાં મુંબઈના દરિયાકાંઠે બુધવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં, નૌકાદળનું જહાજ બોટ સાથે અથડાતા 13 લોકોના મોત થયા હતા જ્યારે 101 લોકોનો બચાવ થયો હતો. નૌકાદળના જણાવ્યા અનુસાર નૌકાદળનું જહાજ એન્જિન પરીક્ષણ માટે જઈ રહ્યું હતું, પરંતુ સાંજે 4 વાગ્યે તેણે નિયંત્રણ ગુમાવ્યું અને કારંજા પાસે નીલકમલ નામની બોટ સાથે અથડાઈ. આ બોટ મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયાથી લોકપ્રિય પર્યટન સ્થળ ‘એલિફન્ટા’ ટાપુ પર લઈ જઈ રહી હતી.
નેવી, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસે તરત જ શોધ અને બચાવના પ્રયાસો શરૂ કર્યા. બચાવ કામગીરીમાં નેવીના ચાર હેલિકોપ્ટર, નેવીની 11 બોટ, કોસ્ટ ગાર્ડની એક બોટ અને મરીન પોલીસની ત્રણ બોટ સામેલ હતી. નેવી અને અન્ય જહાજોની મદદથી, બચી ગયેલા લોકોને નજીકની જેટી પર ખસેડવામાં આવ્યા હતા અને પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે
મૃતકોમાં સાત પુરૂષ, ચાર મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. બે ગંભીર રીતે ઘાયલ નૌકાદળના જવાનોને નેવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીએમ ફડણવીસે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
દક્ષિણ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ નૌકાદળની બોટના ડ્રાઈવર અને દુર્ઘટના માટે જવાબદાર અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મુંબઈના સાકીનાકાના રહેવાસી નાથારામ ચૌધરી (22)ની ફરિયાદ પર FIR નોંધવામાં આવી હતી.