સુપ્રીમ કોર્ટમાં CBSE ની પોલિસી વિરુદ્ધ અરજી ધોરણ ૯ના વિદ્યાર્થીઓ પર ૩ ભાષાઓ ન થોપો બંગાળમાં વિકલ્પો હોવા છતાં શિક્ષકો નથી આ નીતિ ૨૦૩૦માં લાગુ થવાની હતી, પરંતુ વહેલા લાગુ થતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે
સુપ્રીમ કોર્ટમાં CBSEની ધોરણ-૯ની ત્રણ ભાષા નીતિ સામે અરજીઓ પર સુનાવણી થઈ. અરજદારોના વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરી. તેમણે જણાવ્યું કે, ઘણી શાળાઓમાં પસંદ કરેલી ભાષાના શિક્ષકો કે પુસ્તકો નથી. બંગાળમાં વિકલ્પો હોવા છતાં શિક્ષકો નથી. આ નીતિ ૨૦૩૦માં લાગુ થવાની હતી, પરંતુ વહેલા લાગુ થતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. CJI એ આવતીકાલે સુનાવણીનું આશ્વાસન આપ્યું.
સીબીએસઈના ધોરણ-૯ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષા નીતિ ફરજિયાત કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતા વાળી પીઠ સમક્ષ અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે આ મામલે ઝડપથી સુનાવણી કરવાની માંગ કરી હતી. વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસ બુધવારે સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી હટાવી દેવાયો હતો. તેમણે કહ્યું કે આ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવી ભાષા ભણવા મજબૂર છે જેના માટે તેમની શાળાઓમાં પૂરતી વ્યવસ્થા નથી.
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે કોર્ટને જણાવ્યું હતું કે, ઘણા બાળકોને તે ભાષા નથી ભણાવવામાં આવી રહી જે તેમણે પસંદ કરી હતી. બાળકો માટે પુસ્તકો અને શિક્ષકો પણ ઉપલબ્ધ નથી. આ વ્યવસ્થા ધોરણ ૫-૮ અને ધોરણ ૮-૧૦ માટે છે. વિદ્યાર્થીઓ કોઈપણ શિક્ષક કે પુસ્તકો વિના ક્લાસરૂમમાં બેસી રહ્યા છે.
તેમણે પશ્ચિમ બંગાળનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોલકાતામાં હિન્દી, બંગાળી અને સંસ્કૃતના વિકલ્પો છે, પરંતુ તેમની પાસે સંસ્કૃત કે હિન્દીના શિક્ષકો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે આ ફોર્મ્યુલા ૨૦૩૦ માં લાગુ થવાનો હતો, જે હેઠળ ભાષા પસંદગી માટે ૨૨ ભાષાઓનો વિકલ્પ આપવો જરૂરી છે,
પરંતુ મોટાભાગની શાળાઓમાં આ વિકલ્પો નથી. આના પર જસ્ટિસ બાગચીએ કહ્યું કે, ભાષા પસંદ કરવાનો વિકલ્પ ધોરણ ૬માં હોવો જાેઈએ અને તે વિકલ્પો પણ એવા હોવા જાેઈએ જે ખરેખર શક્ય હોય.
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે કહ્યું, ‘કોર્ટને અમારી વિનંતી છે કે ધોરણ ૯ માટે જે થ્રી લેંગ્વેજ પોલિસીનું ફરજિયાતપણું છે તેને હટાવી દેવામાં આવે, કારણ કે ધોરણ ૯માં આવતા બાળકો પર બોર્ડનું વધારાનું દબાણ હોય છે.‘ હાલમાં CJI એ આશ્વાસન આપ્યું છે કે આવતીકાલે આ મામલાને સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવી શકે છે.





