
ઈંધણ ખર્ચમાં પણ ઘટાડો થશે ભારતીય રેલની પ્રથમ LNG ટ્રેનનું અમદાવાદથી સફળ સંચાલન લિક્વિફાઇડ નેચરલ ગેસના ડ્યુઅલ ફ્યુઅલથી એન્જિનમાંથી નીકળતા પ્રદૂષકોમાં નોંધપાત્ર ઘટાડો થશે, તેવું નિષ્ણાતોનું માનવું છે
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો સાબરમતી ખાતે ભારતીય રેલવેની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) –ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું શરૂ કરવામાં આવી છે. જેનું પ્રથમ સંચાલન સફળ રહ્યું છે. ત્યારે લિક્વિફાઇડ નેચરલ ગેસના ડ્યુઅલ ફ્યુઅલથી એન્જિનમાંથી નીકળતા પ્રદૂષકોમાં નોંધપાત્ર ઘટાડો થશે, તેવું નિષ્ણાતોનું માનવું છે.
આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ રેલવે ડિવિઝનના ડી. આર. એમ. વેદપ્રકાશે જણાવ્યું હતું કે, ભારતીય રેલની પ્રથમ LNG ટ્રેનનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (DEMU)ની ડ્રાઇવિંગ પાવર કાર (DPC) માં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) આધારિત ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલી સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે.આ યોજનાના અંતર્ગત ૧૪૦૦ એચપીની બે DEMU DPC ને ડીઝલ+એલએનજી ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલીમાં પરિવર્તિત કરવામાં આવી છે, જેમાં લગભગ ૪૦ ટકા સુધી ડીઝલના સ્થાને એલએનજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બંને પરિવર્તિત DPC પર ૨૦૦૦ કિલોમીટરથી વધુનું સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે અને હાલમાં કોઈપણ સમસ્યા વિના નિયમિત યાત્રી સેવામાં સંચાલિત થઈ રહી છે.
લિક્વિફાઇડ નેચરલ ગેસના ડ્યુઅલ ફ્યુઅલથી એન્જિનમાંથી નીકળતા પ્રદૂષકોમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઑક્સાઇડ, પાર્ટિક્યુલેટ મેટર (PM)માં ઘટાડો થશે સાથે જ ઈંધણ ખર્ચમાં પણ ઘટાડો થશે. કારણ કે એલએનજી એ ડીઝલની તુલનામાં સસ્તું છે. જેથી ડીઝલના સ્થાને આંશિક રીતે એલએનજીના ઉપયોગથી પરિચાલન ખર્ચમાં નોંધપાત્ર બચત થાય છે.
પરીક્ષણ આંકડાઓના આધારે એક DPC માંથી લગભગ રૂ. ૧૧.૯ લાખ પ્રતિ વર્ષ બચત તથા અને એક ૮-કોચ ડ્ઢઈસ્ેં રેક (૨ DPC)માંથી લગભગ ૨૩.૯ લાખ પ્રતિ વર્ષ બચત શક્ય છે. DPC માં અંદાજે ૨૨૦૦ લીટર ક્ષમતા ધરાવતી એલએનજી ટેંક સ્થાપિત કરવામાં આવી છે. એક વખત સંપૂર્ણ ભરાવાથી ૨૨૨ કિલોમીટરના દૈનિક સંચાલન માટે પર્યાપ્ત એલએનજી ઉપલબ્ધ થાય છે, જેના કારણે વારંવાર ઈંધણ ભરવાની જરૂરિયાત ઓછી રહે છે.




