
સાયબર ક્રાઈમમાં સતત ચિંતાજનક વધારો નોંધાયો સરકાર લોકોને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરે, પીડિતોને વળતર આપે: સુપ્રીમ
લોકોમાં જાગૃતિ લાવવા ટીવી અને રેડિયો પર આ ગુનેગારોની કાર્યપદ્ધતિના રેકોર્ડિંગ્સ પ્રસારિત કરો દેશમાં ઈન્ટરનેટ અને મોબાઈલના વધતાં વ્યાપની સાથે સાથે જ સાયબર ક્રાઈમમાં સતત ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. આ બાબતની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે સરકારને નીત-નવી પદ્ધતિથી લોકોને સકંજામાં લેતાં સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવા તથા તેનો ભોગ બની પોતાની પરસેવાની કમાણી ગુમાવી ચૂકેલાં લોકોને વળતર આપવા તથા તેમનું રક્ષણ કરવાના ઉપાયો હાથ ધરવા જણાવ્યું હતું. મ્યૂલ બેન્ક એકાઉન્ટ્સ ખોલી તેને સાયબર અપરાધીઓને વેચી દેતાં પરમજીત ખર્બ નામના એક આરોપીની જામીન અરજી મંજૂર કરતી વખતે જસ્ટિસ બી.વી. નાગરત્ના તથા ઉજ્જલ ભૂયાનની બેન્ચે જણાવ્યું હતું કે, આવા અપરાધોનો ભોગ બની પોતાની બચતની મહામૂલી રકમ ગુમાવી દેનારા પીડીતો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને વળતર આપવા અને તેમનું રક્ષણ કરવા માટે સરકાર અને પોલીસે યોગ્ય પગલાં લેવા જાેઈએ. સાયબર અપરાધીઓ ઓનલાઈન કૌભાંડનો ભોગ બનેલાં લોકો પાસેથી પડાવી લેવાયેલાં નાણાં જમાં કરવા માટે મ્યૂલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે.
સુપ્રીમ કોર્ટે સાયબર અપરાધોના વધતાં બનાવો અંગે ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્રને ર્નિદેશ આપ્યો હતો કે, લોકોમાં, ખાસ કરીને વૃદ્ધો અને એકલી રહેતી મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે ટીવી અને રેડિયો પર આ ગુનેગારોની કાર્યપદ્ધતિના રેકોર્ડિંગ્સ પ્રસારિત કરવામાં આવે. બેન્ચે જણાવ્યું હતું કે લોકોએ પોતાની મહેનતની કમાણીના કરોડો રૂપિયા આવા અપરાધોના કારણે ગુમાવ્યાં છે, તેથી તેમને સાયબર સુરક્ષા અને કાનૂની જાગૃતિનું શિક્ષણ આપવું અનિવાર્ય છે. એડિશનલ સોલિસિટર જનરલ સંજય જૈને આ મામલે સરકારની ‘સંચાર સાથી’ એપનો ઉલ્લેખ કર્યાે હતો, જેના દ્વારા સાયબર ક્રાઈમ કે મોબાઈલ ચોરીની જાણ કરી શકાય છે.




