(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા)સુરત
ભારતીયોની મુખ્ય બંધારણીય સંસ્થા એટલે કે લોકસભા. જ્યાં આજના સમયે જોવા મળશે બેશરમ અને શક્તિશાળી નેતાઓ જેઓએ પોતાને જવાબદારી હેઠળ લાવી શકે તેવી તમામ સંસ્થાઓ પર કબજો જમાવી દીધા પછી, આ બેશરમ તાનાશાહો (સરમુખત્યારો) જાહેર માં ગુનાઓ અને ભૂલો કરે છે. (પેલેટ ગન કોણે ચલાવી એનો કોઈ જવાબ નહીં). કારણ કે સક્ષમ દેખાવુ અને સજા પામ્યા વિના છટકી જવું એ પોતેજ તેની નિર્ભયતા (દંડના ભય વગર કામ કરવાની ક્ષમતા) નું પ્રદર્શન છે.
આનું મુખ્ય કારણ છે બહુમતી. આ બહુમતી મેળવવા શાસકો આકાશ પાતાળ એક કરીને પણ બહુમતી પૂરવાર કરે છે. પછી ભલે શાસક પક્ષ ની ઓછી સંખ્યા માં વધારો કરવા માટે અન્ય રાજ્યોના અન્ય પક્ષો માંથી ચૂંટાયેલા ઉમેદવારો ને પોતાના પક્ષ માં લાવવા શામ-દામ-દંડ અને ભેદની જે પણ રીત રસમ અપનાવવી પડે ને પોતાની બહુમતી એક કરવાનો જે આ ખેલ છેલ્લા બાર વર્ષથી ચાલી રહ્યો છે એને કારણે આ દેશ માં હવે જાણે કે માત્ર એક જ પાર્ટી સર્વે સર્વા બની રહી હોય એવો માહોલ ઉભો કરવાના પ્રતાપે ‘આયા-રામ, ગયા-રામો’ ના ભાવ ઊંચા ગયા છે. જે સીધા માને તો સીધી વાત અને આના-કાની કરે તો સીધી જેલ. આ રીત રસમ ને કારણે દેશના કરોડો મતદારો એ પોતાના જે ઉમેદવાર ની પ્રતિષ્ઠા, એની પાર્ટી, એણે કરેલા કામો ને આધારે કરેલું મતદાન અને જે પાર્ટીમાંથી એ જીત્યા હોય એની જોડે છેડો ફાડીને જયારે શાસક પક્ષ માં આવા લોકો બેશરમીપૂર્વક જોડાઈ જાય છે ત્યારે તેઓએ પ્રજા (મતદારો) ના વિશ્વાસઘાત સિવાય બીજું કશું જ કર્યું નથી.
આપણે કદાચ આપણી જ આંખો સામે આવા અનૈતિકતાના, બેઈમાનીના અને ભ્રષ્ટાચારીઓના નમૂના, જેવા અમાનવીયકરણ ની સ્થિતિઓનું નિર્માણ થતું જોઈ રહ્યા હોય ત્યારે માથું શરમથી ઝૂકી જતું હોય છે. પરંતુ સત્તાલાલસુઓને આનાથી કોઈ ફર્ક પડતો નથી. અને આવી સ્થિતિઓ કે જેમાં પૂરતી સત્તા ધરાવતા લોકો સંપૂર્ણપણે બેશરમ બની જાય છે.ભારતીય સાર્વજનિક જીવન માં બેશરમી એ સંસ્થાકીય, સાર્વજનિક અને રાજકીય નૈતિકતાના પાયા પર કરવામાં આવતું એક ગણતરીપૂર્વકનું અને વ્યુહાત્મક ઓપરેશન છે.
સંસદ માં સત્તા ટકાવવા માટે બેશરમ થઇ ને કોઈ તાર્કિક દલીલ નહીં, કોઈ ન્યાયિક ટીકા નહીં, કે કોઈ નૈતિક માંગ નહીં, અને ટીકા સાંભળવામાં આવે તે પહેલાં જ તેને નિષ્ફળ બનાવી દેવામાં આવે છે. ટીકાકારને જવાબ આપવાને બદલે તેને અમાન્ય ઠેરવવામાં આવે છે, તેને “દેશવિરોધી”, “હિન્દુવિરોધી”, “અર્બન નક્સલ” કે “પાકિસ્તાન સમર્થક” કરી દેવામાં આવે છે.
સને ૨૦૧૪ થી જાહેર અને રાજકીય જીવનમાં બેશરમી સતત વધી રહી છે. અને તેને તબક્કાવાર સામાન્ય બનાવી દેવામાં આવી છે; જ્યારે આ બધું જોતા અને ચિઠ્ઠી નાંખી મેયરો કે મુખ્ય મંત્રીઓ બનાવી સત્તા ટકાવાતી હોય ત્યારે લોકશાહી દેશમાં કરોડો, અબજોનો ખર્ચો કરી પ્રજાના પરસેવાના પૈસાનું પણ પાણી કરવાની શું જરૂર જ છે?
અરે! ચૂંટણી નામની આ બલાને જ “તિલાંજલિ” આપી એક હથ્થુ શાસન ચલાવો બધી જ સંસ્થાઓ પર તમારો કબજો છે. આમ ચૂંટણીની પ્રથા જ કાઢી નાંખો ને?





