
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતીય રાજકારણને જાણે કે ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું હોય એમ ખુલ્લે આમ સિધ્ધાંતોનું ચીરહરણ કરીને બેશરમી રીતે કરાવાતો અથવા કરાતો પક્ષ પલટો લોકશાહી માટે શરમજનક જ નહીં પરંતુ જાહેર જીવનમાં પડેલી વ્યક્તિના ચારિત્ર્યનું પણ પ્રતિબિંબ પાડે છે. આવા બેશરમી રીતે કરાતો કે કરાવાતો પક્ષ પલટો જોતા વરસો પહેલાંની એક ફિલ્મની યાદ આવી જાય છે. જે ફિલ્મનું નામ હતું “દુલ્હા બિકતા હૈ” અને એનું શીર્ષક ગીત પણ હતું કે દુલ્હા બીકતા હૈ બોલો ખરીદોગે” આ ગીત દહેજ પ્રથા પર આકરો કટાક્ષ કરી દહેજના દૂષણ સામે અવાજ ઉઠાવ્યો હતો.
હવે આ ગીતમાં કંઈક અલગ કરીને એનું નામ “નેતા બિકતા હૈ બોલો ખરીદોગે” કરવાની જરૂર છે. કારણ કે આપણે ત્યાં એટલી હદે નેતાઓ બિકાઉ થઈ ગયા છે અને એમાંય છેલ્લા દસેક વર્ષથી દેશભરમાં દરેક પક્ષના ધારાસભ્યો,સાંસદો જે રીતે પાટલી બદલી રહ્યા છે, વેચાઈ રહ્યા છે, ખરીદાઈ રહ્યા છે તે જોઈને સતત આઘાત લાગી રહ્યો છે. અને આ રીતે આ પક્ષમાંથી બીજા પક્ષમાં પલટો કરીને જોડાઈ જવાના બનાવો હાલ એટલી હદે વધી ગયા છે કે એવું લાગે છે કે આપણે ત્યાં જાણે કે પક્ષીય લોકશાહીનો કોઈ અર્થ જ રહ્યો નથી.
કારણ કે ક્યારે કયા પક્ષનો ઉમેદવાર કયા પક્ષમાં જતો રહેશે એની કોઈ મર્યાદા જ નથી રહી. નેતાઓને તો જરા પણ શરમ નથી રહી પરંતુ મૂલ્યો અને સિદ્ધાંતોની વાતો કરનારા પક્ષોને પણ આ રીતે પક્ષ પલટુઓને આવકારવામાં કોઈ છોછ રહ્યો નથી. પરિણામે એવું લાગે છે કે લોકશાહીના મૂલ્યોનો જ નાશ થઈ રહ્યો છે. તમે એક મતદાર તરીકે ધારો કે કોઈ વિચારધારા કે સિદ્ધાંતને વરેલા પક્ષને મત આપ્યો હોય અને એ તમારા મતોથી ચૂંટાયેલા નેતા પરિણામ બાદ તરત જ તમે જેની વિરૂધ્ધમાં મત આપ્યો હોય એ પક્ષના ખોળામાં બેસી જાય તો તમને કેટલો આઘાત લાગે? આવા આઘાતો અત્યારે દેશમાં ઠેર ઠેર સતત પ્રજાને લાગી રહ્યા છે.
આ બાબત નિરાશાજનક છે કે કોઈ પક્ષ સત્તાના ગણિતમાં જ્યારે નબળો પડી જાય છે ત્યારે તેના નેતાઓ સગવડિયું રાજકારણ રમવા લાગે છે. અને જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તાની લાલસામાં સિદ્ધાંતોનો ત્યાગ કરી લે છે ત્યારે લોકશાહીમાં ખંજર ભોંકવા સિવાય અન્ય કશું જ નથી કરતા આ લેભાગું પક્ષપલટુઓ. બેશરમ ને શરમ ક્યાંથી હોય?





