ચોમાસું સત્રમાં મોદી સરકાર લાવશે નવો કાયદો વંદે માતરમ ગાતા અટકાવશો તો હવે થશે ત્રણ વર્ષની જેલ આ પહેલા મોદી સરકાર તમામ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ્ ગાવું ફરજિયાત કરી ચૂકી છે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમના સન્માનને લઈને મોટો ર્નિણય લેવાની તૈયારીમાં છે. સંસદના ચોમાસુ સત્રમાં સરકાર એક નવું બિલ રજૂ કરશે, જેમાં રાષ્ટ્રીય ગીત ગાતા અટકાવનાર વ્યક્તિને ૩ વર્ષ સુધીની જેલની સજાની જાેગવાઈ હશે. અત્યાર સુધી આ નિયમ માત્ર રાષ્ટ્રગાન જન-ગણ-મન માટે જ લાગુ હતો, જે હવે રાષ્ટ્રીય ગીત માટે પણ અમલી બનશે. તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ નવા ખરડા મુજબ, જાે કોઈ વ્યક્તિ જાણીજાેઈને રાષ્ટ્રગાન કે રાષ્ટ્રીય ગીત ગવાતું અટકાવશે, તેમાં અડચણ ઊભી કરશે અથવા આવી સભામાં હંગામો મચાવશે, તો તેને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કેન્દ્ર સરકાર આ બિલને રાજ્યસભામાં રજૂ કરશે. આ પહેલા મોદી સરકાર તમામ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ્ ગાવું ફરજિયાત કરી ચૂકી છે.
સરકારે ચોમાસુ સત્ર માટે જે કાયદાઓ તૈયાર કર્યા છે, તેમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ (Prevention of Insults to National Honour Act) માં સુધારો કરવાનું બિલ લોકસભામાં લિસ્ટ કરવામાં આવ્યું છે. આ સુધારા દ્વારા જ રાષ્ટ્રીય પ્રતીકો અને ગીતોના અપમાન સામે કડક કાનૂની જાેગવાઈઓ કરવામાં આવશે.
સરકાર લોકસભામાં એક એવું બિલ પણ લાવવાની છે, જેનો ઉદ્દેશ્ય ભારતના સોવરિન ડેટ માર્કેટને મજબૂત કરવાનો છે. આનાથી વિદેશી મૂડીરોકાણ સરળતાથી ભારતમાં આવી શકશે. આ સિવાય, વિદેશી ફંડિંગ પર નજર રાખવા માટે ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)માં સુધારો કરવાનું બિલ પણ લોકસભામાં ચર્ચા અને પસાર કરવા માટે લિસ્ટ થયું છે.
આ જ સત્રમાં સરકાર જન્મ અને મૃત્યુની નોંધણીને લઈને પણ કડક વલણ અપનાવવા જઈ રહી છે. જાે કોઈ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી કરાવવામાં વિલંબ કરશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી અને સજા કરવા માટેનું સુધારા બિલ લોકસભાની કાર્યસૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે.





