
મહિલા અનામત લાગૂ કરવાની તૈયારીઓ, લોકસભા સીટો ૮૫૦ કરવાનો પ્રસ્તાવ બિલમાં મતવિસ્તારોનું ફરીથી નિર્ધારણ કરવા માટે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડાને આધાર બનાવવામાં આવશે પહેલા દેશની સંસદનું બિલ્ડિંગ બદલાયું અને હવે સંસદના નીચલા ગૃહ લોકસભાના વિસ્તરણની તૈયારીઓ થઈ રહી છે. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત મુદ્દે સરકાર ૩ બિલ સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જાે તેના પર મહોર લાગી જશે તો લોકસભાની સીટોમાં વધારો થઈ જશે અને હાલ જે ૫૪૩ સીટો છે તે વધીને ૮૫૦ સુધી પહોંચી શકે છે. આ અંગેનું બિલ ૧૬ એપ્રિલના રોજ લોકસભામાં રજૂ થઈ શકે છે. હવે તમને સવાલ એ થશે કે તે લાગૂ થયા બાદ કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટો થશે કે ખાસ જાણો.
આ જાેગવાઈઓમાં કહેવાયું છે કે રાજ્યોને ૮૧૫ સીટો આપવામાં આવશે. જેની સંખ્યા પહેલા ૫૩૦ હતી. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો પાસે જે ૧૫ સીટો હતી તે વધીને ૩૫ સીટો થઈ જશે. બિલમાં મતવિસ્તારોનું ફરીથી નિર્ધારણ કરવા માટે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડાને આધાર બનાવવામાં આવશે. સરકારે જે ત્રણ બિલ લાવવા જઈ રહી છે તેમાં બંધારણ (૧૩૧મું સંશોધન) બિલ ૨૦૨૬, પરિસીમન બિલ ૨૦૨૬ તથા કેન્દ્રશાસિત કાનૂન (સંશોધન) બિલ ૨૦૨૬ સામેલ છે.
બિલમાં લોકસભા અને વિધાનસભાઓમાં એક તૃતિયાંશ સીટો મહિલાઓ માટે અનામત રાખવાની જાેગવાઈ છે. જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે પણ અનામત સામેલ હશે. આ અનામત રોટેશનના આધાર પર લાગૂ થશે, એટલે અલગ અલગ ચૂંટણીઓમાં અલગ અલગ સીટો મહિલાઓ માટે અનામત કરવામાં આવશે. મહિલાઓ માટે આ અનામત ૧૫ વર્ષ સુધી લાગૂ રહેશે. એટલે કે ૨૦૨૯, ૨૦૩૪ અને ૨૦૩૯ની ચૂંટણી સુધી.
અનામત સીટો દર ચૂંટણીમાં બદલાતી રહેશે. જેથી કરીને મહિલાઓને દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ મળી શકશે. વર્તમાન લોકસભા કે વિધાનસભાની સંરચના તેના કાર્યકાળ સમાપ્ત થવા સુધી યથાવત રહેશે અને આ દરમિયાન થનારી પેટાચૂંટણી જૂના પરીસિમનના આધારે જ કરાવવામાં આવશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તરના રાજ્યોમાં નવી સીટોની સંખ્યામાં ખાસ વધારો જાેવા મળશે. ૮૦ સીટો ધરાવતા ઉત્તર પ્રદેશમાં સંખ્યા વધીને ૧૨૫ થઈ શકે છે. જ્યારે બિહારમાં લોકસભાની સીટો ૪૦થી વધીને ૬૨ અને મહારાષ્ટ્રમાં ૪૮ સીટોથી વધીને ૭૫ થઈ શકે છે. એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે તમિલનાડુમાં સીટોની સંખ્યા વધીને ૨૯થી ૬૧ થઈ શકે છે. કેરળમાં પણ આંકડો ૨૦ થી વધીને ૩૧ થઈ શકે છે.
ગુજરાતની વાત કરીએ તો હાલ જે ચર્ચા છે તે મુજબ ગુજરાતની લોકસભા સીટો ૨૬ છે જે વધીને ૩૯ થઈ શકે છે. (પ્રસ્તાવિત) જ્યારે વિધાનસભા સીટો હાલ જે ૨૭૨ છે તેમાં ૮૦ સીટોનો વધારો થઈ શકે છે.





