
ફોર્મ-૬ના કારણે ઉભો થયો વિવાદ બંગાળ ચૂંટણી : ફોર્મ-૬ વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ સ્થિતિ તંગ થયા બાદ પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ વણસી ગઈ હતી પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફોર્મ-૬ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ, આજે (૩૧ માર્ચ) કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર ભાજપ-ટીએમસી વચ્ચે જાેરદાર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ જાેતજાેતામાં બંને પક્ષના કાર્યકર્તાઓ હિંસક મારમારી પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને કેન્દ્રીય સુરક્ષાદળની ટીમ તહેનાત કરી દેવાઈ છે. વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થિતિનો તાક મેળવવા સ્થળ પર પહોંચી ગયા છે.રિપોર્ટ મુજબ ફોર્મ-૬ના કારણે વિવાદ ઉભો થયો હોવાની માહિતી સામે આવી છે. આ ફોર્મનો ઉપયોગ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે થાય છે. ટીએમસી સમર્થકોએ આક્ષેપ કર્યો છે કે, એક વ્યક્તિ મોટાપાયે ફોર્મ-૬ લઈને ચૂંટણી પંચની ઓફિસમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વ્યક્તિ નિયમો વિરુદ્ધ પ્રક્રિયા કરી રહ્યો હોવાની આશંકા ગઈ હતી. ત્યારબાદ તેને પકડી લેવાયો હતો અને ટીએમસીના કાર્યકર્તાઓ તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી ધરણા પર બેસી ગયા હતા. સ્થિતિ તંગ થયા બાદ પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ વણસી ગઈ હતી.
બીજીતરફ ઘટનાની જાણ થતાં બહોળી સંખ્યામાં ભાજપના સમર્થકો સ્થળ પર પહોંચી ગયા હતા. આ દરમિયાન બંને પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસ બેરિકેડની સામ-સામે આવી ગયા હતા અને જાેરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપ કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે, ટીએમસી કાર્યકર્તાઓ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસ્યા હતા અને તેઓની સાથે ગેરવર્તણૂક કરી હતી. તો ટીએમસીએ દાવો કર્યો છે કે, ભાજપ સમર્થકોએ તેમના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી. પછી માહોલ એવો ગરમાયો કે, બંને તરફથી સામસામે ધક્કા-મુક્કી અને મારપીટ શરૂ થઈ ગઈ.
અગાઉ ટીએમસી નેતા અભિષેક બેનરજીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, બહારના રાજ્યના લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે ફોર્મ-૬નો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને સીસીટીવી ફુટેજ આપવાની ચૂંટણી પંચને માંગ કરી હતી.
ઘટના બાદ ચૂંટણી પંચની ઓફિસ બહાર પોલીસ કાફલો ખડકી દઈને સુરક્ષા વધારી દેવાઈ છે. પોલીસ પણ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો માટે ૨૩ અને ૨૯ એપ્રિલ-૨૦૨૬ના રોજ મતદાન યોજાેવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.





