પશ્ચિમ બંગાળને રિન્યુએબલ વીજળી પૂરી પડાશે અદાણી ગ્રુપની કંપનીને ૨૫ વર્ષનો મોટો વીજ કરાર પ.બંગાળને ૧,૭૫૦ મેગાવોટ રિન્યુએબલ વીજળી પૂરી પડાશે અદાણી ગ્રુપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની પાવરપલ્સ ટ્રેડિંગ સોલ્યુશન્સ લિમિટેડ (PTSL) ને પશ્ચિમ બંગાળમાં ૧,૭૫૦ મેગાવોટ રિન્યુએબલ વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે ૨૫ વર્ષનો મહત્ત્વપૂર્ણ કરાર (લેટર ઓફ અવોર્ડ – LoA) મળ્યો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા શનિવાર, ૨૧ નવેમ્બરના રોજ આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઓર્ડર પશ્ચિમ બંગાળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (WBSEDCL) દ્વારા આપવામાં આવ્યો છે, જે અંતર્ગત કંપનીએ શરૂઆતમાં ૧,૭૫૦ મેગાવોટ રિન્યુએબલ રાઉન્ડ-ધ-ક્લોક (RE-RTC) વીજળી સતત ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ વીજ પુરવઠાની શરૂઆત ૧ જુલાઈ ૨૦૨૮થી થશે અને આગામી ૨૫ વર્ષ સુધી ચાલુ રહેશે. આ કરારની વિશેષતા એ છે કે તેમાં ૭૫૦ મેગાવોટ વધારાની ક્ષમતા (ગ્રીનશૂ વિકલ્પ) પૂરી પાડવાનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. જાે પશ્ચિમ બંગાળની વીજ વિતરણ કંપની ભવિષ્યમાં આ વિકલ્પનો ઉપયોગ કરે, તો અદાણી એનર્જી સોલ્યુશન્સનો કુલ કરારબદ્ધ વીજળી પુરવઠો ૧,૭૫૦ મેગાવોટથી વધીને ૨,૫૦૦ મેગાવોટ થઈ જશે. આ વધારાની ૭૫૦ મેગાવોટ વીજળીનો પુરવઠો ૧ એપ્રિલ ૨૦૨૯થી શરૂ કરવાનું આયોજન છે. કંપનીને આ ઓર્ડર સ્પર્ધાત્મક ઇ-રિવર્સ ઓક્શન પ્રક્રિયામાં સૌથી સફળ બોલી લગાવીને મળ્યો છે, જેમાં કંપનીઓ ઓનલાઈન બોલી લગાવી કિંમતના આધારે સ્પર્ધા કરે છે.
વીજ પુરવઠાની વ્યવસ્થા અંગે અદાણી એનર્જી સોલ્યુશન્સે જણાવ્યું કે, પાવરપલ્સ ટ્રેડિંગ સોલ્યુશન્સે આશરે ૪.૬ ગીગાવોટ (GW) સોલર અને વિન્ડ ક્ષમતાની વ્યવસ્થા કરી છે, જ્યારે કંપની પાસે આશરે ૩.૫ ગીગાવોટ-અવર (GWh)બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) ની ક્ષમતા પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા જરૂરિયાતના સમયે વીજળીનો સંગ્રહ અને ઉપયોગ થઈ શકે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના CEO કંદર્પ પટેલે જણાવ્યું કે આ ઓર્ડર મોટા પાયે ઊર્જા ઉકેલો આપવાની કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે અને પશ્ચિમ બંગાળની લાંબા ગાળાની વીજ જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત કંપની ઇન્ડસ્ટ્રી, ડેટા સેન્ટર, કોમર્શિયલ એકમો અને વીજ વિતરણ કંપનીઓ સહિતના મોટા ગ્રાહકો સાથે લાંબા ગાળાના વીજ પુરવઠાના કરારો પણ વધારી રહી છે.




