
વોટર લિસ્ટમાંથી નામ નીકળી જવાના ડરથી બંગાળીઓમાં ગભરાટ મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે, આ અફવાના કારણે બંગાળના લાખો શ્રમિકોની ઘરવાપસી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ને લઈને પરપ્રાંતમાં રહેતા બંગાળી મતદારોમાં ભારે ઉત્સાહ અને સાથે જ એક પ્રકારનો ડર પણ જાેવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ચેન્નાઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને કારણે સ્થિતિ પરપ્રાંતિયોના પલાયન જેવી જાેવા મળી રહી છે. રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે હોવા છતાં સ્ટેશનો ખચાખચ ભરેલા જાેવા મળે છે.
આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો ડર હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા, વૉટ્સએપ અને વતનમાં રહેતા સગા-સંબંધીઓ દ્વારા ફેલાવવામાં આવેલા મેસેજમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે જાે આ વખતે મતદાન નહીં કરવામાં આવે તો મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવશે. લોકોમાં એવો ડર છે કે જાે નામ કમી જશે તો ભવિષ્યમાં રેશન કાર્ડ કે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં અને સરકારી દસ્તાવેજાે બનાવવામાં મોટી મુશ્કેલી પડશે. મુંબઈ જેવા શહેરોમાં તો લોકો જનરલ ડબ્બામાં જગ્યા મેળવવા માટે બપોરથી જ લાઈનો લગાવી રહ્યા છે.
બીજી તરફ, સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ૧૯ એપ્રિલે ભીડ એટલી વધી ગઈ હતી કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. રેલવેના જણાવ્યા અનુસાર, અફવાઓને કારણે અફરાતફરી ન સર્જાય તે માટે ૨૧,૦૦૦થી વધુ મુસાફરોને વિશેષ ટ્રેનો મારફતે રવાના કરવામાં આવ્યા છે. માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશોમાં વસેલા NRI પણ આ વખતે બંગાળના ભવિષ્ય માટે મતદાન કરવા પરત ફરી રહ્યા છે. બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને સિલિકોન વેલી જેવા વિસ્તારોમાંથી આવેલા મતદારોનું કહેવું છે કે તેઓ બંગાળના વિકાસ અને પરિવર્તન માટે પોતાનો મતાધિકાર વાપરવા આતુર છે.
ચૂંટણીના માહોલ વચ્ચે સર્જાયેલી આ ભીડમાં કેટલાક લોકો પરિવર્તનની આશા સાથે જઈ રહ્યા છે, તો કેટલાક લોકો પોતાના અને પોતાની આવનારી પેઢીના અસ્તિત્વ તેમજ સરકારી દસ્તાવેજાેને સુરક્ષિત રાખવા માટે વતન પહોંચી રહ્યા છે. પશ્ચિમ રેલવે અને વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે વધારાનો સ્ટાફ અને સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે.





