બિહારમાં પ્રદર્શનકારીઓ પર એકે-૪૭થી કથિત ફાયરિંગ મામલે રાજકારણ ગરમાયું વિરોધ પ્રદર્શનના સ્થળે એકે-૪૭ની શું જરૂર હતી? વિદ્યાર્થીઓ આતંકવાદી નથી: પ્રિયંકા ગાંધી દિલ્હીના જંતરમંતર ખાતે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ બળપ્રયોગ મામલે ઘેરાયેલી સરકાર પર હવે બિહાર બંધ દરમિયાન દેખાવકારો પર એકે-૪૭થી ફાયરિંગ કરવા મામલે પસ્તાળ પડી રહી છે. દરમિયાનમાં, ૨૫મી જુલાઈએ બિહાર બંધના એલાન દરમિયાન વિરોધ પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓ પર એકે-૪૭થી કથિત ફાયરિંગ કરતાં એક પોલીસકર્મીનો વિડીયો વાયરલ થતાં આ મામલે બિહારથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર અને પોલીસની કામગીરીની આકરી ટીકા કરતાં એક્સ પરની એક પોસ્ટમાં સરકારને વિદ્યાર્થીઓની હત્યારી સરકાર ગણાવતાં જણાવ્યું હતું કે, આ સરકારનું સમગ્ર તંત્ર વિદ્યાર્થીઓ માટે ઘાતકી બની ગયું છે. રાહુલે જણાવ્યું હતું કે, બિહારમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર એકે-૪૭થી ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અને સેંકડો લોકોની ધરપકડ કરીને એફઆઈઆર દાખલ કરાયાના અહેવાલો છે. આ સાથે જ વિદ્યાર્થીઓની અટકાયત સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં વિદ્યાર્થીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બિહારમાં એકે-૪૭નો. ઉત્તરપ્રદેશ હોય, પશ્ચિમ બંગાળ હોય, બિહાર હોય કે દિલ્હી બધી જગ્યાએ આ જ પેટર્ન જોવા મળી રહી છે.આ મામલે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શનના સ્થળે એકે-૪૭ અને આવા હથિયારોની શું જરૂર હતી? વિદ્યાર્થીઓ કોઈ આતંકવાદી નથી. ઉલ્લેખનીય છે કે, બિહાર બંધના એલાન દરમિયાન વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. આ દરમિયાન સ્થિતિને નિયંત્રણમાં લેવા એક પોલીસકર્મીનો એકે-૪૭ રાઈફલથી કથિત ફાયરિંગ કરતો વિડીયો સામે આવ્યો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બિહાર પોલીસે અભિષેક પટેલ નામના આ પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો. જોકે સિવાન પોલીસના જણાવ્યાં અનુસાર, અભિષેક પટેલનો ઈરાદો ગોળી મારવાનો નહોતો પરંતુ પ્રદર્શનકારીઓને ત્યાંથી ભગાડવાનો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જંતરમંતર ખાતે નીટ પેપર લીક મુદ્દે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને યોજાયેલાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કરેલાં બળપ્રયોગ કરતાં અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયાં હતાં.





