ભગવાન શિવના મંદિરમાં કાચબો અને નંદી શા માટે હોય છે?
શિવાલય એ માત્ર ઈંટ-પથ્થરનું બનેલું સ્થાપત્ય નથી પરંતુ માનવ શરીર અને સુક્ષ્મ આધ્યાત્મિક ગતિવિધિઓનું પ્રતિકાત્મક મંડળ છે.સામાન્ય રીતે જ્યારે પણ આપણે શિવમંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને સૌથી પહેલાં નંદીના દર્શન થાય છે અને નંદી તથા શિવલિંગની મધ્યમાં કાચબો સ્થાપિત થયેલો જોવા મળે છે.આ સ્થાપના પાછળ ઊંડો આધ્યાત્મિક,દાર્શનિક અને જીવનઉપયોગી અર્થ છુપાયેલો છે.
કાચબો: ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતિક..
શિવાલયમાં ભગવાન શિવ અને નંદીની વચ્ચે કાચબો મૂકવા પાછળનું મુખ્ય કારણ માનવ મનને સંયમિત કરવાનો સંદેશ છે.કાચબો એ ઇન્દ્રિય નિગ્રહ અને આત્મ-સંયમનું ઉત્તમ પ્રતિક છે.શ્રીમદ ભગવદગીતા ૨/૫૮માં સ્થિતપ્ર જ્ઞ પુરૂષના લક્ષણો વર્ણવતાં કાચબાની આબેહૂબ ઉપમા આપવામાં આવી છે. જેવી રીતે કાચબો કોઈ ભય કે સંકટ આવતાં જ પોતાની ચારે બાજુથી બધાં અંગોને પોતાના
કવચની અંદર સમેટી લે છે એવી જ રીતે જ્યારે સાધક કે કર્મયોગી ઇન્દ્રિયોના વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે.
કાચબો જ્યારે સામાન્ય રીતે ચાલે છે ત્યારે તેના છ અંગો બહાર દેખાય છે:ચાર પગ,એક પુંછડી અને એક મસ્તક,પરંતુ સહેજપણ ભય કે વિક્ષેપ જણાતાં જ તે આ છએ અંગોને કઠોર પીઠની અંદર ખેંચી લે છે.આધ્યાત્મિક દ્રષ્ટિએ આ છ અંગો એ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો આંખ,કાન,નાક,જીભ,ત્વચા અને છઠ્ઠું મન છે.બહિર્મુખી બનેલી આ પાંચેય ઇન્દ્રિયો અને મન જ્યારે સંસારના ભૌતિક વિષયો તરફ ભટકે છે ત્યારે મનુષ્ય અશાંત બને છે.જે જ્ઞાની પુરૂષ કે ભક્ત આ ઇન્દ્રિયોને વશમાં કરીને અંતર્મુખ કરી લે છે, તે જ પરમ કલ્યાણકારી ભગવાન શિવની સમીપ પહોંચી શકે છે.ભગવાન શિવ સુધી પહોંચવું હોય તો જીવનમાં અસીમ સંયમ હોવો અનિવાર્ય છે.ઇન્દ્રિયોનો ગુલામ બનેલો મનુષ્ય ક્યારેય જ્ઞાન કે આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકતો નથી.કાચબો આપણને ધીમી પરંતુ સતત અને નિષ્ઠાપૂર્વકની સાધનાનો સંદેશ આપે છે.
મનનું આત્માભિમુખ થવું અને ઇન્દ્રિયોનો ઉત્પાત..
શિવાલયના નિર્માણમાં નંદી પછી શિવ તરફ આગળ વધતાં મધ્યમાં કાચબો આવે છે.નંદી જો આપણા સ્થૂળ શરીરનો પ્રેરક અને માર્ગદર્શક હોય તો કાચબો એ આપણા સુક્ષ્મ શરીર એટલે કે મનનું માર્ગદર્શન કરે છે.આપણું મન કાચબાના કવચ જેવું સુદ્રઢ અને શક્તિશાળી બનવું જોઈએ. મંદિરમાં કાચબો સદા શિવની તરફ જ ગતિશીલ દેખાડવામાં આવે છે, તે ક્યારેય નંદી તરફ કે પાછળ જોતો નથી.આ સંકેત દર્શાવે છે કે આપણું મન પણ શિવમય બને, સદા કલ્યાણનું ચિંતન કરે અને આત્માના શ્રેય અર્થે જ પ્રયત્નશીલ રહે, વિચારોનો પ્રવાહ અને મનની ગતિ સંસાર તરફ નહિ પરંતુ શિવત્વ-આત્મા તરફ હોવી જોઈએ.આપણું મન દેહાભિમુખ-શરીરપ્રધાન નહિ પણ આત્માભિમુખ-આધ્યાત્મિક રહેવું જોઈએ.
શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયના શ્લોક ૬૦ અને ૬૧માં શ્રીકૃષ્ણ કહે છે કે વિષયોમાં રસબુદ્ધિ રહેવાના કારણે યત્ન કરવા છતાં પણ બુદ્ધિમાન મનુષ્યની ઇન્દ્રિયો એટલી પ્રબળ હોય છે કે તે મનને બળપૂર્વક હરી લે છે.ચંચળ ઇન્દ્રિયો મૌન થયેલા સાધકને પણ વિચલિત કરી શકે છે.ઉદાહરણ તરીકે આપણી દૈનિક દિનચર્યામાં આપણે જ્યારે બજારમાંથી સહજ રીતે પસાર થતા હોઈએ અને અચાનક આપણી નજર સરસ શણગારેલી મીઠાઈની દુકાન પર પડે ત્યારે આંખ ત્યાં ચોંટી જાય છે.ઘેરથી નીકળતી વખતે મીઠાઈ ખાવાની કોઈ ઈચ્છા કે કલ્પના નહોતી છતાં માત્ર જોવામાત્રથી ચંચળ ઇન્દ્રિયોએ મનને વિષય તરફ ખેંચી લીધું પરિણામે મન અસ્થિર થાય છે અને મોઢામાં પાણી આવી જાય છે.આ ઇન્દ્રિયોનો ઉત્પાત છે,તેથી જ સંયમી પુરૂષે અકારણ આમતેમ ભટકતી દ્રષ્ટિ રાખવાને બદલે સંયમિત રહીને ચાલવું જોઈએ.જે સાધક કાચબાની માફક ઇન્દ્રિયોને અંતર્મુખ કરવાની ક્ષમતા કેળવે છે તે જ શિવતત્વને
પામવાની પાત્રતા મેળવે છે.
નંદી: ધર્મ-પુરૂષાર્થ અને સમર્પણનું પ્રતિક..
શિવાલયમાં પ્રવેશતાં જ પ્રથમ દર્શન નંદીના થાય છે.નંદી એ માત્ર સામાન્ય બળદ નથી પરંતુ મહાદેવનું પરમ વાહન, ધર્મ અને બ્રહ્મચર્યનું મૂર્ત સ્વરૂપ છે.જેમ નંદી એ ભગવાન શિવનું વાહન છે તેમ આ શરીર એ આપણા આત્માનું વાહન છે.અહીં શિવને આત્માના અને નંદીને સ્થૂળ શરીરના પ્રતિક તરીકે સમજવાના છે.નંદીની દ્રષ્ટિ સદા પોતાના આરાધ્ય ભગવાન શિવ તરફ જ ટકેલી હોય છે.આ દર્શાવે છે કે આપણા શરીરની તમામ પ્રવૃત્તિઓ અને લક્ષ્ય આત્માભિમુખ હોવાં જોઈએ. શિવનો અર્થ થાય છે. જગતનું કલ્યાણ થાય તેવી ભાવના હૃદયમાં ધારણ કરવી અને આત્મામાં શિવત્વ પ્રગટ કરવું એ જ સાચી
શિવપૂજા છે,તે માટે આપણું શરીર પણ તપ અને બ્રહ્મચર્યથી દ્રઢ બનવું જોઈએ.
નંદીના પૂજન વિના શિવપૂજા અપૂર્ણ માનવામાં આવે છે.નંદી શિવજીના પરમ ભક્ત અને ગણાધ્યક્ષ છે.શાસ્ત્રોમાં દરેક દેવ-દેવી સાથે કોઈને કોઈ પશુ-પક્ષી વાહન તરીકે જોડાયેલું છે.ભગવાને નંદીને વાહન તરીકે પસંદ કર્યો કારણ કે બળદ એ પરિશ્રમ અને પુરૂષાર્થનું પ્રતિક છે. પુરૂષાર્થ બે પ્રકારના હોય છે.સ્વાર્થ માટેનો પુરુષાર્થ..જેમાં વ્યક્તિ માત્ર પોતાના સુખની અપેક્ષા રાખે છે.પરમાર્થ માટેનો પુરુષાર્થ: જેમાં વસુધૈવ કુટુંબકમ્ની ભાવના હોય છે.બળદનો પુરૂષાર્થ પરમાર્થમય છે,તે ખેતરમાં અથાક પરિશ્રમ કરીને હજારો મણ અનાજ પકવે છે અને આ જગતનું પેટ ભરે છે,તે પોતાના પોષણ સિવાય કોઈ મોટા સ્વાર્થની અપેક્ષા રાખતો નથી.આવો પરમાર્થમય પુરૂષાર્થ એ જ સાચો ધર્મ છે. ધર્મના ચાર ચરણ બતાવ્યા છે:સત્ય,તપ,દયા અને દાન. નંદીના ચાર પગ આ ચાર ધર્મસ્તંભોનું
પ્રતિનિધિત્વ કરે છે.
નંદીના નેત્રો હંમેશાં પોતાના ઇષ્ટના સ્મરણમાં લીન રહે છે.મંદિરમાં નંદીના દર્શન કર્યા પછી તેમના બે શિંગડાંની મધ્યમાંથી શિવલિંગના દર્શન કરવાની અને શિંગડાને સ્પર્શ કરવાની પરંપરા છે.આ સ્પર્શ મનુષ્યમાં વિવેકબુદ્ધિ,જ્ઞાન અને સદબુદ્ધિનો સંચાર કરે છે.નંદીનું પ્રત્યેક સદકાર્ય અને પ્રત્યેક ક્ષણ શિવજીને અર્પિત હોય છે,જે મનુષ્યને પોતાના જીવનની દરેક પળ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવાની પ્રેરણા આપે છે.
પૌરાણિક કથાઃનંદીનો જન્મ અને શિવજીના વાહન બનવાનો ઇતિહાસ..
નંદી ભગવાન શિવના વાહન કેવી રીતે બન્યા અને શિવાલયમાં તેમની સ્થાપના શિવજીની સામે જ કેમ થાય છે? તેની પાછળ એક પવિત્ર પૌરાણિક કથા જોડાયેલી છે.
પ્રાચીન કાળમાં શિલાદ નામના એક મહાન ઋષિ હતા,તેમણે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાનો નિશ્ચય કર્યો હતો પરંતુ શિલાદ મુનિના આ નિર્ણયથી તેમના પિતૃઓ ચિંતાતુર થયા કારણ કે સંતાન વગર શ્રાધ્ધકર્મ ન થવાથી પિતૃઓની મુક્તિ અટકી જાય તેમ હતી.પિતૃઓએ સ્વપ્નમાં આવીને શિલાદ મુનિને મુક્તિ અર્થે સંતાનપ્રાપ્તિ કરવા વિનંતી કરી.શિલાદ મુનિએ ઇન્દ્રદેવની આરાધના કરી પરંતુ ઇન્દ્રદેવે અયોનિજ-ગર્ભ વગર પ્રગટ થનાર અને શિવતુલ્ય દિવ્ય પુત્ર આપવાની પોતાની અસમર્થતા દર્શાવી અને શિવજીની આરાધના કરવા જણાવ્યું.
શિલાદ મુનિએ ભગવાન શિવનું ઘોર તપ કર્યું.શિવજીએ પ્રસન્ન થઈને દર્શન આપ્યા અને કહ્યું કે "તમે યજ્ઞ અર્થે જે ભૂમિ ખેડશો ત્યાંથી જ તમને દિવ્ય પુત્રની પ્રાપ્તિ થશે શિલાદ મુનિએ યજ્ઞ માટે ભૂમિ ખેડી ત્યારે જમીનમાંથી તેજસ્વી બાળક પ્રગટ થયું.પુત્રના પ્રાગટ્યથી મુનિ અત્યંત આનંદિત થઈ ઊઠ્યા, તેથી તેમણે બાળકનું નામ રાખ્યું. શબ્દનો અર્થ થાય છે 'પ્રસન્નતા અને આહ્લાદ. દિવ્ય બાળક નંદીનો મુખાકૃતિ બળદ જેવો સૌમ્ય અને તેજસ્વી હતો.શિલાદ મુનિ તેને આશ્રમમાં લાવ્યા. એક દિવસ મિત્ર અને વરૂણ નામના દેવતાઓ આશ્રમમાં પધાર્યા.શિલાદ મુનિ અને નંદીએ તેમની ભાવપૂર્વક સેવા કરી.દેવતાઓએ શિલાદ મુનિને તો દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા પરંતુ નંદીને કોઈ આશીર્વાદ ન આપ્યા.મુનિએ આનું કારણ પૂછતાં દેવતાઓએ જણાવ્યું કે આ બાળક અલ્પાયુ છે અને માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેનું મૃત્યુ નિશ્ચિત છે.
આ સાંભળી શિલાદ મુનિ અત્યંત દુઃખી થયા પરંતુ પિતાને આશ્વાસન આપતાં બાળ વયના નંદીએ કહ્યું કે "મારો જન્મ ભગવાન શિવના આશીર્વાદથી થયો છે તો મારા મૃત્યુનો ભય પણ શિવજી જ દૂર કરશે. નંદી શિવજીની કઠોર આરાધના કરવા બેસી ગયા,તેમની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ પ્રગટ થયા અને નંદીને આલિંગન આપતાં કહ્યું કે તું મારો જ અંશ છે,તને મૃત્યુનો ભય કેવો?" ભગવાન શિવે નંદીને અમરત્વ પ્રદાન કર્યું,પોતાના તમામ ગણોના અધ્યક્ષ-ગણાધ્યક્ષ બનાવ્યા અને તેઓ તરીકે પૂજાયા,ત્યારબાદ મરૂતોની પુત્રી સુયશા સાથે નંદીના વિવાહ સંપન્ન થયા. મહાદેવે નંદીને વરદાન આપ્યું કે "જ્યાં પણ મારો નિવાસ હશે ત્યાં તારૂં સ્થાન મારી સમક્ષ જ રહેશે. જે ભક્ત તારી પૂજા કર્યા પછી મારી પૂજા કરશે તેના પર મારી વિશેષ કૃપા રહેશે." ત્યારથી જ પ્રત્યેક શિવાલયમાં ભગવાન શિવની બરાબર સામે નંદી સ્થાપિત થાય છે.
શિવાલયમાં નંદી-ધર્મ અને પુરૂષાર્થ અને કાચબો-ઇન્દ્રિય સંયમ અને મનનો નિગ્રહ આપણને એ જ શીખવે છે કે વિષયવાસનાઓથી મુક્ત થઈ,ધર્મના માર્ગે ચાલીને જ પરમતત્વ શિવની પ્રાપ્તિ શક્ય બને છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




