શ્રાદ્ધપક્ષમાં કાગડાને જ કેમ વાસ નાખવામાં આવે છે? ધર્મ-વિજ્ઞાન અને પર્યાવરણનો સમન્વય
હિંદુ સનાતન ધર્મમાં પિતૃપક્ષ અને શ્રાદ્ધ વિધિનું અનન્ય અને પવિત્ર મહત્વ છે.ભાદ્રપદ માસની પૂર્ણિમાથી શરૂ થઈને આસો મહિનાની અમાવસ્યા સુધીના સોળ દિવસો દરમિયાન પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.આ દિવસોમાં ગાય-કૂતરા અને કાગડાને ભોજન-વાસ અર્પણ કરવાની પરંપરા સદીઓથી અવિરતપણે ચાલી આવે છે.આ તમામમાં કાગડાને ભોજન ખવડાવવા પાછળ માત્ર એક સામાન્ય લોકવાયકા નથી પરંતુ એક અત્યંત રોચક પૌરાણિક કથા,આધ્યાત્મિક દર્શન,વૈજ્ઞાનિક તથ્યો અને
પર્યાવરણીય સંતુલનનો અદભૂત સમન્વય જોડાયેલો છે.
શ્રાદ્ધપક્ષમાં કાગડાને જ કેમ વાસ નાખવામાં આવે છે?
આ અંગે ધાર્મિક અને પૌરાણિક માન્યતા જોઇએ તો સનાતન સંસ્કૃતિમાં પક્ષીઓમાં કાગડાને ખૂબ જ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.શ્રાદ્ધમાં કાગડાને ભોજન નાખવા પાછળ મુખ્યત્વે બે ધાર્મિક કારણો પ્રચલિત છે.
યમરાજ અને પિતૃઓનું પ્રતીક: હિંદુ શાસ્ત્રો જેમ કે ગરૂડપુરાણ અને અગ્નિપુરાણ અનુસાર કાગડાને મૃત્યુના દેવતા યમરાજના દૂત માનવામાં આવે છે.એવી ગાઢ લોકમાન્યતા અને શાસ્ત્રીય ધારણા છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ પક્ષીઓનું ખાસ કરીને કાગડાનું સૂક્ષ્મ કે ભૌતિક રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવે છે અને પોતાના પરિવારજનો દ્વારા શ્રાદ્ધમાં અર્પણ કરવામાં આવતું ભોજન-કાગવાસનો સ્વીકારવા કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપસ્થિત રહે છે.
જયંતને ઐતિહાસિક વરદાન..આ પરંપરા સાથે જોડાયેલી સૌથી મુખ્ય પૌરાણિક કથા વાલ્મીકી રામાયણના અરણ્યકાંડમાં આવે છે.દેવરાજ ઇન્દ્રના પુત્ર જયંતને પોતાની શક્તિ અને દેવપુત્ર હોવાનો ભારે અહંકાર હતો.વનવાસ દરમિયાન દંડકારણ્યમાં તેણે માયાધારી કાગડાનું સ્વરૂપ ધારણ કરીને માતા સીતાના ચરણ પર નખથી પ્રહાર કરીને ઘાયલ કરી દીધા હતા.જ્યારે ભગવાન શ્રી રામને આ વાતની ખબર પડી ત્યારે અત્યંત ક્રોધિત થઈને તેમણે દર્ભ-પવિત્ર ઘાસના તણખલા ઉપર બ્રહ્માસ્ત્ર મંત્ર ફૂંકીને કાગડા-જયંત તરફ છોડ્યું હતું.બ્રહ્માસ્ત્રના ભયથી જયંત ત્રણેય લોકમાં ભટક્યો પરંતુ ક્યાંય આશરો ન મળ્યો, અંતે દેવર્ષિ નારદજીની સલાહથી તે શરણાગત થઈને ભગવાન શ્રી રામના ચરણોમાં ઢળી પડ્યો અને ક્ષમા માંગી.રામે દયા દાખવીને તેના પ્રાણ બચાવ્યા પરંતુ બ્રહ્માસ્ત્રની મર્યાદા જાળવવા તેની એક આંખ ફોડી નાખી, ત્યારબાદ પ્રભુએ તેને વરદાન આપ્યું કે "આજથી તને-કાગડાને અર્પિત કરવામાં આવેલું ભોજન સીધું પિતૃઓ સુધી પહોંચશે અને પિતૃઓને પરમ તૃપ્તિ મળશે." ત્યારથી જ શ્રાદ્ધમાં કાગવાસ આપવાની શાશ્વત શરૂઆત થઈ છે.
હિન્દુ સંસ્કૃતિના ગ્રંથોમાં કાગડા વિશેની અન્ય કથાઓ..
કાગભુશુંડીજી અને રામભક્તિની કથા:તુલસીદાસજીકૃત શ્રી રામચરિતમાનસ ઉત્તરકાંડમાં કાગભુશુંડીજી ની અત્યંત પ્રેરણાદાયી કથા આવે છે.પૂર્વ જન્મમાં તેઓ અયોધ્યાના એક પરમ શિવભક્ત હતા પરંતુ ગુરૂ પ્રત્યેના અહંકાર અને અવિવેકના કારણે તેમને અનેક યોનિઓમાં ભટકવું પડ્યું હતું, અંતે લોમશ મુનિના શ્રાપથી તેઓ કાગડાની યોનિમાં આવ્યા હતા પરંતુ પોતાની અડગ રામભક્તિ, સતત તપસ્યા અને જ્ઞાનના બળે તેઓ મહાન રામકથાના વક્તા બન્યા હતા.જેમને સ્વયં પક્ષીરાજ ગરૂડજીએ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રશ્નો પૂછ્યા હતા. હિંદુ ધર્મમાં કાગડાને તીક્ષ્ણ બુદ્ધિ,દીર્ઘદ્રષ્ટિ અને જ્ઞાની પક્ષી તરીકે માનવામાં આવે છે.
શનિ દેવ અને કાગડાનો સંબંધ:
જ્યોતિષશાસ્ત્ર અને પૌરાણિક કથાઓમાં કાગડાને ન્યાયના દેવતા શનિ મહારાજનું વાહન માનવામાં આવે છે.શનિની પનોતી,અશુભ પ્રભાવ કે પીડાથી મુક્તિ મેળવવા માટે પણ જ્યોતિષીઓ શનિવારે કાગડાને અન્ન-રોટલી કે તેલવાળી ચીજો ખવડાવવાની સલાહ આપે છે. વૈજ્ઞાનિક અને પર્યાવરણીય કારણો-ઋતુચક્ર,પ્રજનન અને વૃક્ષોનો ફેલાવો..
આપણી સનાતન સંસ્કૃતિ અને પરંપરાઓ માત્ર અંધશ્રદ્ધા પર આધારિત નથી પરંતુ તેની પાછળ ગહન વૈજ્ઞાનિક અને પર્યાવરણીય કારણો છુપાયેલા છે.શ્રાદ્ધપક્ષ સામાન્ય રીતે ભાદરવો અને આસો મહિનાની આસપાસ આવે છે,જે ચોમાસાની વિદાય અને શરદઋતુની શરૂઆતનો સંધિકાળ છે.
પ્રજનન કાળ અને પોષણ..
વિજ્ઞાનની દ્રષ્ટિએ જુલાઈથી સપ્ટેમ્બર-ઓક્ટોબરનો સમય કાગડાઓનો મુખ્ય પ્રજનન કાળ હોય છે. આ દિવસોમાં માદા કાગડી ઇંડા મૂકે છે અને નવા જન્મેલા બચ્ચાંઓને ઉછેરે છે.આ કુદરતી અને નાજુક ચક્ર દરમિયાન માદા કાગડીને અને બચ્ચાંઓને પુષ્કળ પોષણયુક્ત આહારની જરૂરિયાત રહે છે.આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ આ વૈજ્ઞાનિક સત્યને ધર્મ અને શ્રાદ્ધ સાથે બુદ્ધિપૂર્વક જોડી દીધું છે જેથી શ્રાદ્ધના બહાને કાગડાઓને પૂરતું અન્ન,પ્રોટીન અને પોષણ સરળતાથી મળી રહે અને ઇકોસિસ્ટમ જળવાઈ રહે.
પિપળો-વડ અને વનસ્પતિના બીજનો ફેલાવો..પર્યાવરણમાં પીપળો-વડ અને ઉંબેર જેવા વૃક્ષોનું અનોખું અને અનિવાર્ય મહત્વ છે કારણ કે આ વૃક્ષો ચોવીસ કલાક ઓક્સિજન પ્રદાન કરે છે અને સેંકડો વર્ષોનું લાંબું આયુષ્ય ધરાવે છે.આ વૃક્ષોના ફળો કાગડા અને અન્ય પક્ષીઓ ખૂબ ઉત્સાહથી ખાય છે.કાગડા જ્યારે આ ફળો ખાઈને આકાશમાં વિહરે છે અને પોતાની વિષ્ઠા-મળ દ્વારા તેના અપાચિત બીજનો જમીન પર ત્યાગ કરે છે ત્યારે કુદરતી રીતે જમીન પર પીપળા અને વડના નવા અંકુરો ફૂટે છે અને છોડ ઉગે છે.
જો કાગડા અને આ પક્ષીઓ ન હોય તો આ વિશાળ વૃક્ષોના બીજ કુદરતી રીતે દૂર-દૂર સુધી ફેલાઈ શકે નહીં. આમ કાગડાઓ પ્રકૃતિના અસલી 'બીજ ફેલાવનાર’ તરીકે બહુ મોટી ભૂમિકા ભજવે છે.વડ અને પીપળાની ઉત્પત્તિ અને વનસ્પતિના વ્યાપક વિસ્તારમાં કાગડાઓનું આ યોગદાન અત્યંત અમૂલ્ય છે.
સ્વચ્છતા અને ઇકોસિસ્ટમ..
કાગડો પ્રકૃતિનો એક ઉત્તમ સફાઈ કામદાર પક્ષી છે,તે આસપાસ ફેલાયેલો કચરો,એંઠું અન્ન,મૃત જીવો કે નકામી ખાદ્ય સામગ્રી ખાઈને વાતાવરણને રોગચાળાથી બચાવે છે અને આસપાસની ઇકોસિસ્ટમને સ્વચ્છ રાખે છે. આમ શ્રાદ્ધપક્ષમાં કાગડાને વાસ નાખવાની પરંપરા માત્ર એક રૂઢિચુસ્ત ધાર્મિક વિધિ નથી પરંતુ તે આપણી પ્રાચીન પરંપરાગત બુદ્ધિમત્તા,પર્યાવરણ પ્રત્યેની ગાઢ સંવેદનશીલતા, પિતૃઓ પ્રત્યેની કૃતજ્ઞતા અને અદભૂત જીવદયાનો એક સર્વોત્તમ સમન્વય છે.ધર્મ અને વિજ્ઞાનનો આ મેળ આપણને પ્રકૃતિના દરેક જીવ સાથે જોડવાનું શીખવે છે.
આલેખનઃ
કુ.લક્ષ્મી દુબે નિરંકારી




