નૂતન વર્ષ..જૂનું વેરઝેર ભૂલીને ક્ષમા-પ્રેમ અને સદસંકલ્પો સાથે જીવનને નવદિશા આપવાનો મંગલ અવસર..
નૂતન વર્ષ એટલે માત્ર નવા વર્ષનો પ્રારંભ નહીં પરંતુ જૂની કડવાશ ભૂલીને સંબંધોમાં મીઠાશ ઉમેરવાનો, મનમાંથી વેરઝેર દૂર કરીને પ્રેમ અને સદ્ભાવના કેળવવાનો તથા આત્મસુધારણાના નવા સંકલ્પો સાથે જીવનને નવી દિશા આપવાનો પવિત્ર અવસર છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારની પાછળ કોઈને કોઈ ધાર્મિક-આધ્યાત્મિક અને જીવનોપયોગી સંદેશ સમાયેલો હોય છે. દિવાળીના દીપોત્સવ પછી આવતું બેસતું વર્ષ એટલે ગુજરાતી નૂતન વર્ષ. આ દિવસ આનંદ, ઉત્સાહ, ઉમંગ, સ્નેહ અને શુભેચ્છાઓની આપ-લે કરવાનો પર્વ છે પરંતુ નૂતન વર્ષનો સાચો આનંદ ત્યારે જ સાર્થક બને છે જ્યારે આપણે માત્ર ઘરની સાફસફાઈ અને શણગાર પૂરતાં સીમિત ન રહીને આપણા અંતરમનની પણ સફાઈ કરીએ, જૂના મનદુઃખો ભૂલી જઈએ અને જીવનમાં સદવિચારો તથા સદગુણોનો નવો પ્રકાશ પ્રગટાવીએ.
જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું પણ સારૂં ઇચ્છીએ..
નૂતન વર્ષના દિવસે આપણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ, મીઠાઈઓ વહેંચીએ છીએ અને સુખ-સમૃદ્ધિની કામનાઓ કરીએ છીએ પરંતુ આ શુભેચ્છાઓનો સાચો અર્થ ત્યારે જ સિદ્ધ થાય, જ્યારે આપણા હૃદયમાં સૌના પ્રત્યે પ્રેમ, કરૂણા, ક્ષમા અને શુભભાવના હોય. જે વ્યક્તિ સાથે આપણું મનદુઃખ થયું હોય, જેણે આપણને દુઃખ પહોંચાડ્યું હોય કે જેની સાથે વર્ષોથી અણબનાવ ચાલતો હોય તેને પણ ક્ષમાભાવથી સ્વીકારીને તેના સુખની કામના કરવી એ જ નૂતન વર્ષની સાચી ઉજવણી છે. દુશ્મનનું પણ સારૂં ઇચ્છવું એ નબળાઈ નથી પરંતુ વિશાળ હૃદય અને ઉચ્ચ માનસિકતાની નિશાની છે. વેરનો જવાબ વેરથી આપવાથી વેર વધે છે જ્યારે પ્રેમ અને ક્ષમાથી અનેક સંબંધોમાં ફરી મીઠાશ આવી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ ગીતામાં દૈવી ગુણોનું વર્ણન કરતાં ક્ષમા, અહિંસા, અક્રોધ અને દયાને માનવીના જીવનના મહત્વપૂર્ણ ગુણો ગણાવ્યા છે. આપણે નવા વર્ષે એવો સંકલ્પ કરીએ કે કોઈના પ્રત્યે મનમાં દ્વેષ નહીં રાખીએ, કોઈનું અહિત નહીં ઇચ્છીએ અને શક્ય હોય ત્યાં સુધી તૂટેલા સંબંધોને ફરી જોડવાનો પ્રયત્ન કરીશું કારણ કે મનમાં વેર રાખીને આપણે બીજાને નહીં પરંતુ સૌથી પહેલાં પોતાની જાતને જ દુઃખી કરીએ છીએ.
નૂતન વર્ષ એટલે આત્મચિંતન અને આત્મસુધારણાનો અવસર..
વિતેલા વર્ષમાં આપણાથી ક્યાં ભૂલો થઈ, કયા નિર્ણયો ખોટા સાબિત થયા, કઈ જવાબદારીઓ અધૂરી રહી ગઈ અને કયા સંકલ્પો પૂરા ન થઈ શક્યા તેનું નિષ્પક્ષ આત્મચિંતન કરવાનો આ ઉત્તમ સમય છે. ગયા વર્ષની નિષ્ફળતાઓને યાદ કરીને નિરાશ થવાને બદલે તેમાંથી બોધપાઠ લઈને નવા ઉત્સાહ સાથે આગળ વધવું જોઈએ. ગયા વર્ષે અધૂરાં રહેલાં સપનાંઓને સાકાર કરવા માટે નવા વર્ષે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ પરંતુ માત્ર સંકલ્પ કરવાથી સપનાં સાકાર થતાં નથી, તેના માટે સતત પ્રયત્ન, ધીરજ, આત્મવિશ્વાસ, સમયનું યોગ્ય આયોજન અને કર્મનિષ્ઠા જરૂરી છે. નૂતન વર્ષના પ્રારંભે આપણે નક્કી કરીએ કે જૂની ખરાબ આદતો છોડીશું, ક્રોધ અને અહંકાર પર નિયંત્રણ રાખીશું, કડવાં વચનો બોલવાનું ટાળીશું, સમયનો સદુપયોગ કરીશું, વડીલોનું સન્માન કરીશું, માતા-પિતાની સેવા કરીશું અને જરૂરિયાતમંદોની યથાશક્તિ મદદ કરીશું. સાચો બદલાવ બીજાને બદલવાની અપેક્ષા રાખવાથી નહીં પરંતુ પોતાની જાતને બદલવાની તૈયારી રાખવાથી શરૂ થાય છે તેથી નવા વર્ષે બીજાની ખામીઓ શોધવાને બદલે પોતાની ખામીઓ દૂર કરવાનો સંકલ્પ કરીએ. આજે માનવીએ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ કરી છે. ચંદ્ર અને મંગળ સુધી પહોંચવાની સિદ્ધિ મેળવી છે, સમુદ્રની ઊંડાઈ માપી છે અને અંતરિક્ષનાં રહસ્યો ઉકેલ્યાં છે પરંતુ બીજી તરફ માનવ-માનવ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ઈર્ષ્યા, દ્વેષ, સ્વાર્થ, અસહિષ્ણુતા અને હિંસાની ભાવનાઓ માનવતાને નબળી બનાવી રહી છે. માણસે માણસને મારવાનાં સાધનો શોધ્યાં છે પરંતુ માણસને માણસ સાથે પ્રેમથી જીવતાં શીખવવાની જરૂરિયાત આજે પણ એટલી જ છે.
આથી નૂતન વર્ષનો સંકલ્પ માત્ર ભૌતિક પ્રગતિનો નહીં પરંતુ માનવીય મૂલ્યોની પુનઃસ્થાપનાનો પણ હોવો જોઈએ. વિજ્ઞાનની સાથે વિવેક, સંપત્તિની સાથે સંતોષ, જ્ઞાનની સાથે નમ્રતા અને સફળતાની સાથે સેવાભાવ પણ જીવનમાં હોવો જોઈએ.
બેસતા વર્ષની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તા..
ગુજરાતી પરંપરા અનુસાર દિવાળીના બીજા દિવસે કારતક સુદ એકમના પવિત્ર દિવસથી ગુજરાતી નૂતન વર્ષની શરૂઆત થાય છે.આ દિવસને બેસતું વર્ષ કે વર્ષ પ્રતિપદા તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે મહિનાના પ્રથમ દિવસને પડવો કે બેસતો મહિનો કહેવામાં આવે છે તે જ રીતે વર્ષના પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવામાં આવે છે. પરંપરાગત ગુજરાતી વેપારી સમાજમાં આ દિવસથી નવા
ચોપડાં અને હિસાબોની શરૂઆત કરવામાં આવે છે. વિક્રમ સંવતના નવા વર્ષના પ્રારંભ સાથે અનેક લોકો નવા કાર્યો-વ્યવસાયો અને શુભ પ્રવૃત્તિઓનો આરંભ કરે છે. આ દિવસ ભક્તિ-શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યેના સમર્પણનો પણ પાવન અવસર છે. વર્ષાઋતુ દરમિયાન
ધરતીમાતાએ આપેલા અન્નધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે અને ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ પરંપરા આપણને શીખવે છે કે જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તે પ્રભુની કૃપા-પ્રકૃતિની ઉદારતા અને અનેક લોકોના પરિશ્રમનું પરિણામ છે તેથી અન્નનો આદર કરવો, અન્નનો બગાડ ટાળવો અને ભૂખ્યાને ભોજન આપવું એ પણ આપણી ફરજ છે.
નવા વર્ષે સંબંધોમાં મીઠાશ અને જીવનમાં માનવતા ઉમેરવાનો સંકલ્પ..
નૂતન વર્ષના દિવસે આપણે પરિવારજનો, મિત્રો, સગાંસંબંધીઓ અને સ્વજનોને શુભેચ્છાઓ પાઠવીએ છીએ પરંતુ આ શુભેચ્છાઓ માત્ર ઔપચારિકતા બનીને ન રહી જાય, સંબંધોમાં વિશ્વાસ-પ્રેમ, લાગણી અને સમજણ જળવાઈ રહે તે માટે સમય આપવો જોઈએ. માતા-પિતાના આશીર્વાદ મેળવવા, વડીલોનું માર્ગદર્શન સ્વીકારવું અને બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ.આપણે એવું વાતાવરણ ઊભું કરીએ જ્યાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ દુઃખી વ્યક્તિ એકલી ન પડે, કોઈ વૃદ્ધ અવગણનાનો ભોગ ન બને અને કોઈ જરૂરિયાતમંદ સહાયથી વંચિત ન રહે. બીજાના જીવનમાં ખુશી લાવવાનો નાનો પ્રયાસ પણ આપણા જીવનને આનંદમય બનાવી શકે છે.
સંતો અને મહાપુરૂષોએ હંમેશાં પ્રેમ-નમ્રતા-પરોપકાર અને માનવસેવાને જીવનની સાચી સંપત્તિ ગણાવી છે. સત્સંગ-સુમિરણ અને સેવાના માધ્યમથી જીવનને પવિત્ર બનાવવાનો સંદેશ પણ આપણને એ જ શીખવે છે કે પરમાત્માની ભક્તિ માત્ર શબ્દો કે વિધિઓમાં નહીં પરંતુ દરેક માનવી પ્રત્યેના સદવ્યવહારમાં પ્રગટ થવી જોઈએ.
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વનું કલ્યાણ થાય..
ભારતીય સંસ્કૃતિની આ પવિત્ર પ્રાર્થના સમગ્ર માનવજાતના કલ્યાણની ભાવના વ્યક્ત કરે છે.
સર્વે ભવન્તુ સુખિનઃસર્વે સન્તુ નિરામયાઃ
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખભાગ્ ભવેત્
સૌ સુખી થાય,સૌ નિરોગી રહે,સૌનું કલ્યાણ થાય અને કોઈપણ વ્યક્તિ દુઃખી ન રહે. નૂતન વર્ષના આ મંગલ અવસરે આપણે માત્ર પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સુખ, શાંતિ અને કલ્યાણની પ્રાર્થના કરીએ.પ્રભુ સૌના જીવનમાં પ્રેમ,આનંદ,સંતોષ,સદ્બુદ્ધિ, આરોગ્ય અને સમૃદ્ધિ અર્પે તેવી ભાવના રાખીએ.
ચાલો..આ નવા વર્ષે જૂની કડવાશ ભૂલીને હૃદયમાં પ્રેમનો દીપ પ્રગટાવીએ,મનમાંથી અહંકાર અને દ્વેષ દૂર કરીએ, નિષ્ફળતામાંથી શીખીએ, સફળતામાં નમ્ર રહીએ અને દરેક દિવસને સત્કર્મો દ્વારા સાર્થક બનાવીએ.યાદ રાખીએ કે કેલેન્ડર બદલવાથી વર્ષ નવું બને છે પરંતુ વિચારો બદલવાથી જીવન નવું બને છે.વર્ષનો પ્રારંભ શુભેચ્છાઓથી થાય છે પરંતુ જીવનની સાચી શુભતા આપણા સારા કર્મો અને સદવ્યવહારથી જ પ્રગટે છે.
નૂતન વર્ષનો સાચો સંકલ્પ એ જ હોવો જોઈએ કે આપણું જીવન માત્ર પોતાના માટે નહીં પરંતુ પરિવાર-સમાજ અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સમર્પિત બને.નૂતન વર્ષના નવલા પ્રભાતે સહુના જીવનમાં આશા અને વિશ્વાસની નવી કિરણો પ્રગટે-ઉત્સાહ અને ઉમંગની લહેરો વ્યાપે, સંબંધોમાં સ્નેહની સુવાસ પ્રસરે અને દરેક હૃદયમાં માનવતાનો દીપ અખંડ પ્રજ્વલિત રહે તેવી પરમાત્માને પ્રાર્થના. સર્વનું શુભ થાઓ, સર્વનું મંગલ થાઓ અને સર્વનું કલ્યાણ થાઓ.
નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ…!
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




