ભારતીય બેટ્સમેન કરુણ નાયર વિજય હજારે ટ્રોફી 2024-25માં અજાયબીઓ કરતો જોવા મળી રહ્યો છે. તેણે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી છે અને 664 ની સરેરાશથી રન બનાવ્યા છે. નાયરનું પ્રદર્શન ફરી એકવાર તેના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા ખોલી શકે છે. વિજય હજારેની 6 ઇનિંગ્સમાં બેટિંગ કરનાર નાયરે 5 સદી ફટકારી છે.
વિદર્ભ માટે વિજય હજારે ટ્રોફી રમી રહેલા કરુણ નાયર અંગે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પસંદગીકારો તેના પર નજર રાખી રહ્યા છે. ઘરેલુ ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરનાર નાયર પસંદગીકારોના રડાર પર છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયા સંક્રમણના એક તબક્કામાંથી પસાર થઈ રહી છે જ્યાં સિનિયર રોહિત શર્મા અને વિરાટ કોહલી સંઘર્ષ કરી રહ્યા છે. કરુણ એક એવો ખેલાડી છે જેના પર પસંદગીકારો રસથી નજર રાખી રહ્યા છે.
2016 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો
તમને જણાવી દઈએ કે કરુણ નાયરે 2016 માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. નાયરે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી હતી, પરંતુ કેટલીક નબળી ઇનિંગ્સ બાદ, તેને 2017 માં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી તે પાછો ફરી શક્યો નહીં. હવે એવું લાગે છે કે નાયરની મહેનત રંગ લાવી શકે છે.
નોંધનીય છે કે લાંબા સમયથી બહાર રહેલા કરુણ નાયરે ડિસેમ્બર 2022 માં એક ટ્વિટમાં લખ્યું હતું કે, “પ્રિય ક્રિકેટ, મને બીજી તક આપો.” હવે એવું લાગે છે કે નાયરને તે તક મળી શકે છે.
કરુણ નાયરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
કરુણ નાયરે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 6 ટેસ્ટ અને 2 વનડે રમી છે. 7 ટેસ્ટ ઇનિંગ્સમાં, તેમણે 62.33 ની સરેરાશથી 374 રન બનાવ્યા છે, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 303* છે. આ ઉપરાંત, નાયરે ODIની 2 ઇનિંગ્સમાં 46 રન બનાવ્યા હતા.