
ભારત સામે હાર બાદ પાકિસ્તાની કોચનો ખુલાસો.પ્રતિષ્ઠાના જંગમાં પાકિસ્તાની ખેલાડીઓ માનસિક રીતે તૂટ્યા.હેડ કોચ માઈક હેસને જણાવ્યું હતું કે મોટા અંતરથી હાર મળ્યા બાદ ખેલાડીઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે.શ્રીલંકાના કોલંબો સ્થિત આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ના હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારત સામે ૬૧ રનથી શરમજનક હાર મળ્યા બાદ પાકિસ્તાન છાવણીમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.
પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને હારનું મુખ્ય કારણ આપતા મોટો ખુલાસો કર્યો છે કે આટલી મોટી મેચમાં તેમના ખેલાડીઓ દબાણનો સામનો કરી શક્યા ન હતા. ભારતે ૧૭૫ રનનો મજબૂત પડકાર આપ્યા બાદ પાકિસ્તાન માત્ર ૧૧૪ રનમાં સમેટાઈ ગયું હતું, જેના કારણે મેચ બાદ તેમના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું.
મેચ પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાનના હેડ કોચ માઈક હેસને જણાવ્યું હતું કે, ભારત સામેની મેચ માત્ર એક રમત નથી હોતી પરંતુ તે એક પ્રતિષ્ઠાનો જંગ હોય છે. આથી આટલા મોટા અંતરથી હાર મળ્યા બાદ ટીમના તમામ ખેલાડીઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે. કોચે સ્વીકાર્યું કે પાછલી કેટલીક મેચોમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું અને તેઓ ભારત સામે ઐતિહાસિક જીત મેળવવાનો આત્મવિશ્વાસ ધરાવતા હતા, પરંતુ મેદાન પર ભારતીય રમત સામે તેઓ સંપૂર્ણપણે દબાણ હેઠળ વિખેરાઈ ગયા.
આ રોમાંચક મુકાબલામાં ભારતીય ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ યુવા ડાબોડી સ્ટાર ઈશાન કિશને એકલા હાથે બાજી સંભાળી લીધી હતી. ઈશાને ૭૭ રનની તોફાની ઇનિંગ રમીને ટીમને અત્યંત મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ત્યારબાદ મધ્યમ ક્રમમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૩૨ અને ઓલરાઉન્ડર શિવમ દુબેએ ૨૭ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપતા ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૫ રનનો પડકારજનક સ્કોર ઊભો કર્યો હતો, જે પાકિસ્તાન માટે પહાડ સમાન સાબિત થયો.
૧૭૬ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. ભારતના ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બીજી જ ઓવરમાં બે મુખ્ય બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. આ શરૂઆતી ઝટકા બાદ પાકિસ્તાની ટીમ ક્યારેય દબાણમાંથી બહાર આવી શકી નહીં અને ૧૮ ઓવરમાં માત્ર ૧૧૪ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાન તરફથી માત્ર ઉસ્માન ખાને ૪૪ રન બનાવીને થોડો સંઘર્ષ કર્યો, પરંતુ તે ટીમને કારમી હારથી બચાવી શક્યો નહીં.




