ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નિવેદન ટીમ ઇન્ડિયામાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ વ્હાઇટ બોલ ક્રિકેટને પ્રાથમિકતા, બંગાળ અને IPL માં રમવાનું ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટીમ ઇન્ડિયામાં વાપસી અને આગામી મોટા ટુર્નામેન્ટમાં રમવાની સંભાવનાઓ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શમીએ જણાવ્યું છે કે હવે તેમણે ભારતીય ટીમમાં વાપસી અંગે વિચારવાનું છોડી દીધું છે અને તેઓ માત્ર પોતાની રમત તથા ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પસંદગીકારો જે ર્નિણય લેશે તેને સ્વીકારવા તેઓ તૈયાર છે. મુંબઈમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ૨૦૨૭ના વનડે વર્લ્ડ કપ અને ૨૦૨૮ના ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવા અંગે શમીને સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મેં આ બધી બાબતો પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. હું માત્ર મારી રમત પર ધ્યાન આપી રહ્યો છું. પસંદગીકારો જે પણ ર્નિણય લેશે તે સારા માટે જ હશે. મારા તરફથી એટલું જ છે કે હું રમવાનું ચાલુ રાખું, મારી લય જાળવી રાખું અને બંગાળની સ્ટેટ ટીમ તથા IPL માટે રમતો રહું.‘
ઉલ્લેખનીય છે કે શમી છેલ્લે ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ તરફથી રમ્યા હતા. ત્યારબાદ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક મળી નથી. જાેકે, તેમણે સ્થાનિક ક્રિકેટમાં પોતાની ક્ષમતા અને ફિટનેસ સાબિત કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો છે.
મોહમ્મદ શમીએ ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. પોતાના ર્નિણય અંગે તેમણે જણાવ્યું હતું કે શરીર પર વધુ પડતું દબાણ નાખવાને બદલે વ્હાઇટ બોલ ક્રિકેટ પર ધ્યાન આપવું તેમને યોગ્ય લાગ્યું હતું.
તેમના મતે, તેઓ હજુ પણ સારી રીતે રમી શકે છે અને મેદાન પર સક્રિય રહી શકે છે. તેથી કોઈ વધારાના દબાણ વિના વનડે અને ટી-૨૦ ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માગે છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેમણે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં રમવાની ઉપલબ્ધતા જાળવી રાખી છે. શમીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાલ તેમનું ધ્યાન આંતરરાષ્ટ્રીય ટીમમાં પસંદગી મેળવવા કરતાં પોતાની રમતનું સ્તર જાળવી રાખવા પર છે. બંગાળની ટીમ અને IPL માં સારા પ્રદર્શન દ્વારા તેઓ પોતાની ક્રિકેટ કારકિર્દીને આગળ વધારવા માગે છે.




