Malaysia Masters: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુએ મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં થાઇલેન્ડની બુસાનન ઓંગબામરાંગફાનના મુશ્કેલ પડકારને પાર કરી લીધો હતો.
પીવી સિંધુએ મલેશિયા માસ્ટર્સની વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં બુસાનન ઓંગબામરાંગફાનને 13-21, 21-16 અને 21-12થી પરાજય આપ્યો હતો. નોંધનીય છે કે સિંધુની બુસાનન સામે 19 મેચમાં આ 18મી જીત હતી. સિંધુએ પ્રથમ ગેમમાં બેક લાઇનમાં કેટલીક ભૂલો કરી હતી, જેના કારણે થાઈલેન્ડની શટલરે સારી લીડ મેળવી હતી. પ્રથમ ગેમમાં થાઈલેન્ડની શટલરે સિંધુને 21-13થી હરાવીને આશ્ચર્યચકિત કરી દીધી હતી.
સિંધુએ બદલો લીધો
સિંધુએ પ્રથમ ગેમમાં મળેલી હારમાંથી પાઠ શીખ્યો હતો અને બીજી ગેમમાં જોરદાર શરૂઆત કરી હતી. જો કે, ભારતીય શટલર પણ ખરાબ અમ્પાયરિંગનો શિકાર બન્યો હતો. તેનો એક ક્રોસ કોર્ટ સ્મેશ લાઇનની અંદર હોવા છતાં અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. બુસાનને તકનો ફાયદો ઉઠાવીને 4-2ની સરસાઈ મેળવી હતી. આ પછી સિંધુએ તેની પ્રતિસ્પર્ધીને કોઈ તક આપી ન હતી અને શાનદાર વાપસી કરીને ઈન્ટરવલ સુધી 11-9ની સરસાઈ મેળવી લીધી હતી.
રિયો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતાએ બીજી ગેમ 5 પોઈન્ટના માર્જીનથી જીતી હતી. સિંધુએ બીજી ગેમમાં બુસાનનને 21-16ના માર્જીનથી હરાવ્યું. આ પછી સિંધુએ ત્રીજી ગેમમાં પોતાનો જાદુ બતાવ્યો અને બુસાનન પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી દીધું. ત્રીજી ગેમમાં સિંધુએ થાઈલેન્ડની શટલરને વાપસી કરવાની કોઈ તક આપી ન હતી અને 21-12ના માર્જિનથી મેચ જીતી લીધી હતી.