
૭ ચોગ્ગા, ૫ છગ્ગા, ૧૫ બોલમાં ફિફ્ટી…લિસ્ટ છ ક્રિકેટમાં સરફરાઝ ખાનની ઐતિહાસિક બેટિંગ.મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચ રોમાંચક રહી, જ્યાં પંજાબે મુંબઈને સ્તબ્ધ કરીને ૧ રનથી જીત મેળવી.વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬માં ગુરુવારે મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચ અત્યંત રોમાંચક રહી, જ્યાં પંજાબે મુંબઈને સ્તબ્ધ કરીને માત્ર ૧ રનથી જીત મેળવી હતી.
એક સમયે એવું લાગી રહ્યું હતું કે મુંબઈ આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ પંજાબના બોલરોએ અંતિમ ક્ષણોમાં મેચનું પાસું પલટી નાખ્યું. આ હારને કારણે મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનનું ઐતિહાસિક અર્ધશતક પણ વ્યર્થ ગયું. તેણે પંજાબ સામે માત્ર ૧૫ બોલમાં ફિફ્ટી ફટકારી હતી, જે લિસ્ટ-એ ક્રિકેટમાં કોઈ પણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલું સૌથી ઝડપી અર્ધશતક છે.
૨૧૭ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમને સારી શરૂઆત મળી હતી. ઓપનરોએ ૫૭ રન જાેડ્યા બાદ, ત્રીજા નંબરે બેટિંગમાં આવેલા સરફરાઝ ખાને આવતાની સાથે જ મેદાનમાં તોફાન મચાવી દીધું હતું. તેણે ખાસ કરીને સ્પિનર અભિષેક શર્માની ૧૦મી ઓવરમાં ૩૦ રન ફટકારીને પોતાની ઇનિંગ્સને વિસ્ફોટક શરૂઆત આપી. સરફરાઝે માત્ર ૧૫ બોલમાં પોતાનું અર્ધશતક પૂર્ણ કરીને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધશતક ફટકારવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કર્યો. સરફરાઝ ૬૨ રનના અંગત સ્કોર પર આઉટ થયો. તેણે પોતાની ૨૦ બોલની ઇનિંગમાં ૭ ચોગ્ગા અને ૫ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા.
જ્યારે સરફરાઝ ખાન આઉટ થયો, ત્યારે મુંબઈનો સ્કોર ૧૪.૪ ઓવરમાં ૩ વિકેટે ૧૩૯ રન હતો અને જીત માટે માત્ર ૭૮ રનની જરૂર હતી. શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે જેવા સ્ટાર બેટ્સમેનો હજુ ક્રિઝ પર આવવાના બાકી હતા, ત્યારે એવું લાગી રહ્યું હતું કે મુંબઈ સરળતાથી મેચ જીતી જશે.
જાેકે, ૨૦૧ રનના સ્કોર પર શ્રેયસ ઐયરની છઠ્ઠી વિકેટ પડતાની સાથે જ મેચનું પાસું પલટાઈ ગયું. સ્પિનર મયંક માર્કન્ડેએ એક પછી એક વિકેટો ઝડપીને મુંબઈની આખી ટીમને ૨૧૫ રનમાં ઓલઆઉટ કરી દીધી અને પંજાબને ૧ રનથી અવિશ્વસનીય જીત અપાવી. આ રીતે, સરફરાઝ ખાનની રેકોર્ડબ્રેક અને ઐતિહાસિક ઇનિંગ્સ ટીમને જીત અપાવી શકી નહીં.




