
૩ ટુરિસ્ટ જીવતા બળી ગયા ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, ૧૦ કિ.મી. ઊંચે રાખ ઊડી ઈન્ડોનેશઇયામાં હલમહેરા ટાપુ પર સ્થિત માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં શુક્રવારે મોટો વિસ્ફોટ થયો હતો આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ખતરનાક સ્થળોએ ફોટો અને વીડિયો બનાવવાનો ક્રેઝ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. ઇન્ડોનેશિયાના માઉન્ટ ડુકોનો જ્વાળામુખી પર આવી જ એક ઘટના બની છે. વહીવટીતંત્રની કડક ચેતવણી અને પ્રતિબંધ હોવા છતાં, ૨૦ પ્રવાસીઓ જ્વાળામુખીના જાેખમી વિસ્તારમાં ચઢી ગયા હતા. આ દરમિયાન અચાનક જ્વાળામુખી ફાટતા આસમાનમાં રાખ અને ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે સિંગાપોરના પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે.
હલમહેરા ટાપુ પર સ્થિત માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં શુક્રવારે મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે રાખના ધુમાડાના ગોટા લગભગ ૧૦ કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે પહાડ પર ૨૦ લોકો હાજર હતા, જેમાંથી ૯ સિંગાપોરના અને બાકીના ઇન્ડોનેશિયાના હતા. હાલમાં ૧૫ પર્વતારોહકો સુરક્ષિત રીતે નીચે ઉતરી આવ્યા છે, પરંતુ મૃતકોના મૃતદેહ હજુ પહાડ પર જ છે. આ પ્રવાસીઓને પ્રતિબંધિત વિસ્તારમાં લઈ જનાર ગાઈડ અને પોર્ટર સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વૈજ્ઞાનિકો અને સંબંધિત વિભાગ (PVMBG) દ્વારા ડિસેમ્બર મહિનાથી જ અહીં પ્રવાસીઓને ન આવવા માટે ચેતવણી આપવામાં આવી રહી હતી. જ્વાળામુખીના મુખથી ૪ કિલોમીટરના વિસ્તારમાં જવાની સખત મનાઈ હતી. પહાડના રસ્તાઓ પર ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા, તેમ છતાં પ્રવાસીઓએ સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ બનાવવાના ચક્કરમાં આ જાેખમને નજરઅંદાજ કર્યું હતું. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, વિદેશી પ્રવાસીઓ અવારનવાર રોમાંચ અને લાઇક્સ મેળવવા માટે આવા ખતરનાક સ્થળોએ જવાની ભૂલ કરે છે.
ઇન્ડોનેશિયા ભૌગોલિક રીતે પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર ક્ષેત્રમાં આવેલું છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટો સતત અથડાતી રહે છે. આ કારણોસર અહીં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓ બનતી રહે છે. આ દેશમાં લગભગ ૧૩૦ જેટલા સક્રિય જ્વાળામુખી છે, જે પ્રવાસીઓ માટે જેટલા આકર્ષક છે એટલા જ જાેખમી પણ છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે કુદરતી આફતો સામે વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું કેટલું મહત્ત્વનું છે.





