
૬૦% વસતી ધરાવતા શિયા મુસ્લિમો નારાજ અરબ દેશ બહેરીનમાં સત્તા પરિવર્તનના ભણકારા! બહેરીનમાં અમેરિકાના ફિફ્થ ફ્લીટનું મુખ્ય મથક આવેલું છે. આ એ જ મથક છે જેને શરૂઆતમાં ઈરાને નિશાન બનાવ્યું હતું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની જ્વાળાઓ હવે ખાડી દેશોના આંતરિક માળખાને દઝાડી રહી છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષની સૌથી ગંભીર અસર અત્યારે બહેરીનમાં જાેવા મળી રહી છે. ભૌગોલિક રીતે નાના પણ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા આ દેશમાં આંતરિક વિખવાદ અને સત્તા સામેનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
બહેરીનની સામાજિક સંરચના લાંબા સમયથી સંવેદનશીલ રહી છે. અહીં અંદાજે ૬૦% વસ્તી શિયા સમુદાયની છે, પરંતુ શાસન લઘુમતી ગણાતા સુન્ની શાસકોના હાથમાં છે. વર્તમાન યુદ્ધે આ જૂના ઘાને ફરી તાજા કરી દીધા છે. ઈરાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો એક મોટો વર્ગ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે. જેના કારણે સ્થિતિ સ્ફોટક બની છે.
૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધ બાદ બહેરીન સરકારે કડક વલણ અપનાવ્યું છે.
૨૦૦ થી વધુની ધરપકડ કરવામાં આવી છે. દેશદ્રોહ, જાસૂસી અને રાજશાહી વિરુદ્ધ નફરત ફેલાવવાના આરોપસર અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ૩૨ વર્ષીય શિયા એક્ટિવિસ્ટ મહોમ્મદ અલમોસાવીનું પોલીસ કસ્ટડીમાં મોત થતા તણાવ બેવડાયો છે. માનવાધિકાર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે તેમને કસ્ટડીમાં યાતના આપવામાં આવી હતી. ઈરાનના સમર્થનમાં કે યુદ્ધ અંગેની પોસ્ટ કરનારાઓ સામે પણ સરકાર કડક કાર્યવાહી કરી રહી છે.
બહેરીનમાં અમેરિકાના ફિફ્થ ફ્લીટનું મુખ્ય મથક આવેલું છે. આ એ જ મથક છે જેને યુદ્ધની શરૂઆતમાં ઈરાને નિશાન બનાવ્યું હતું. બહેરીન સરકારે ઇઝરાયલ સાથેના સંબંધો સામાન્ય બનાવ્યા છે. જેની સામે સ્થાનિક શિયા સમુદાયમાં ભારે રોષ છે. લોકો ખુલ્લેઆમ અમેરિકી ઠેકાણાઓ પર થતા હુમલાનું સમર્થન કરી રહ્યા છે.
નિષ્ણાતો માની રહ્યા છે કે, જાે આ સ્થિતિ લાંબી ચાલશે, તો બહેરીનમાં ૨૦૧૧ જેવા આરબ સ્પ્રિંગ જેવી સ્થિતિ ફરી પેદા થઈ શકે છે. તે સમયે પણ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા જેને દબાવી દેવામાં આવ્યા હતા. જાે ઈરાન અને અમેરિકા વચ્ચેની જંગ લાંબી ખેંચાશે, તો બહેરીનનું આ આંતરિક અસંતુષ્ટિ ગમે ત્યારે મોટા રાજકીય સંકટમાં ફેરવાઈ શકે છે.





