
સાયબર ઠગો પર Apple ની સર્જિકલ સ્ટ્રાઈક ૨૦૨૫માં ૧૮ હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું, લાખો યુઝર્સ બચ્યા કંપનીએ દાવો કર્યો છે કે કાર્યવાહીના પરિણામે લાખો યુઝર્સ ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા
ટેક જગતની સૌથી મોટી કંપનીઓમાની એક Apple એ એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૫ દરમિયાન તેણે પોતાના App Store પર અંદાજે ૨.૨૨ બિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ.૧૮ હજાર કરોડ રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન અટકાવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે આ કડક કાર્યવાહીના પરિણામે લાખો યુઝર્સ ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા છે.
Apple ના સત્તાવાર અહેવાલ અનુસાર, છેલ્લા છ વર્ષમાં કંપનીએ App Store પર કુલ ૧૧.૨ બિલિયન ડોલરથી વધુના શંકાસ્પદ અને ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોકવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં App Store વિશ્વના ૧૭૫ દેશોમાં કાર્યરત છે અને દર અઠવાડિયે અંદાજે ૮૫ કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે, જેના કારણે યુઝર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવી કંપની માટે મોટો પડકાર છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ફેક એપ્સ, નકલી રિવ્યૂ, સ્પેમ મેસેજ અને પેમેન્ટ ફ્રોડ સામે લડવા માટે અદ્યતન છૈં આધારિત સિસ્ટમની સાથે હ્યુમન એક્સપર્ટ્સ પણ ચોવીસ કલાક કાર્યરત છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન Apple એ ૯૧ લાખથી વધુ એપ સબમિશનની ઝીણવટભરી ચકાસણી કરી હતી, જેમાંથી સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૨૦ લાખથી વધુ એપ્સના સબમિશન રદ કરવામાં આવ્યા હતા.
સાયબર ગુનેગારો દ્વારા બોટ નેટવર્ક અને નકલી એકાઉન્ટ્સના માધ્યમથી App Store ના રેન્કિંગમાં હેરફેર કરવાના અસંખ્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા. જાેકે, Apple ની સિક્યોરિટી સિસ્ટમે વર્ષ ૨૦૨૫ દરમિયાન આવા ૧.૧ બિલિયન એટલે કે ૧૧૦ કરોડ નકલી એકાઉન્ટ્સ બનાવવાની કોશિશને પણ બ્લોક કરીને નિષ્ફળ બનાવી દીધી હતી.
એપ ડેવલપર્સ દ્વારા યુઝર્સ સાથે થતી છેતરપિંડી અંગે ચોંકાવનારો ખુલાસો કરતા Appleએ જણાવ્યું કે, પ્લેટફોર્મ પરથી ૫૯ હજારથી વધુ એપ્સને દૂર કરવામાં આવી છે. આ એવી એપ્સ હતી જે શરૂઆતમાં સામાન્ય ગેમ અથવા યુટિલિટી એપ તરીકે મંજૂરી મેળવી લેતી હતી, પરંતુ એપ સ્ટોર પર લાઇવ થયા બાદ તે યુઝર્સ સાથે નાણાકીય છેતરપિંડી કરતા ફ્રોડ પ્લેટફોર્મમાં ફેરવાઈ જતી હતી.





