
નેપાળની સરકારે ભારતીયોને આપ્યો મોટો ઝટકો.ઓળખપત્ર વગર ભારત-નેપાળ સરહદે એન્ટ્રી ઉપર પ્રતિબંધ.આ નવી વ્યવસ્થા અમલમાં આવતા જ જાેગબની બોર્ડર પર વાહનો અને રાહદારીઓની લાંબી કતારો લાગી ગઈ.
નેપાળની બાલેન સરકારે ભારતથી આવતા નાગરિકો માટે નવા નિયમો લાગુ કર્યા છે, જેના કારણે ભારત-નેપાળ સરહદ પર ભારે અફરાતફરીનો માહોલ જાેવા મળી રહ્યો છે. નવા આદેશ મુજબ, હવે કોઈપણ ભારતીય નાગરિક ઓળખપત્ર (Identity Card) વિના નેપાળમાં પ્રવેશ કરી શકશે નહીં. આ નિયમ નેપાળથી ભારતમાં પ્રવેશતા લોકો માટે પણ સમાન રીતે લાગુ કરવામાં આવ્યો છે.
શનિવારે આ નવી વ્યવસ્થા અમલમાં આવતા જ જાેગબની બોર્ડર પર વાહનો અને રાહદારીઓની લાંબી કતારો લાગી ગઈ હતી. કોલકાતાથી ટ્રેન દ્વારા જાેગબની સ્ટેશન પહોંચેલા પ્રવાસીઓ જ્યારે નેપાળ જવા નીકળ્યા ત્યારે તેમને ઓળખપત્ર બતાવવા માટે રોકવામાં આવ્યા હતા. નેપાળ પોલીસના જવાનો સઘન તપાસ બાદ જ લોકોને પ્રવેશ આપી રહ્યા હતા. જે પ્રવાસીઓ પાસે માન્ય ઓળખપત્ર નહોતા, તેમને સરહદ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા.
નેપાળ પ્રશાસન અને જિલ્લા મેજિસ્ટ્રેટ યુવરાજ કટેલના જણાવ્યા મુજબ, સરહદ પાર કરવા માટે આધાર કાર્ડ અથવા ભારત સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ વૈધ ઓળખપત્ર બતાવવું અનિવાર્ય રહેશે. નેપાળ આર્મ્ડ પોલીસ ફોર્સ (APF) દ્વારા જમનહા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ કડકાઈ પાછળનું એક મુખ્ય કારણ ચીની નાગરિકોની વધતી ઘૂસણખોરી પણ માનવામાં આવે છે. તાજેતરમાં જ જાેગબની બોર્ડર પરથી એક ચીની નાગરિક ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા પકડાયો હતો. આ ઘટના બાદ SSB અને સ્થાનિક પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બિહારના બેતિયા, સીતામઢી અને મધુબની જેવા સરહદી જિલ્લાઓમાં હોટલ અને લોજમાં પણ તપાસ તેજ કરી દેવામાં આવી છે.
બોર્ડર પર રહેતા મધેશી સમુદાયના લોકોમાં આ ર્નિણયને લઈ નારાજગી જાેવા મળી રહી છે. રોજિંદા કામકાજ માટે સરહદ ઓળંગતા લોકો માટે આ કડક તપાસ માથાના દુખાવા સમાન બની છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં તણાવભરી સ્થિતિ પણ સર્જાઈ છે.





