
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે જહાજાે સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે કોઈ કાયમી સમજૂતી થઈ નથી
જયશંકરની મધ્યસ્થીથી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતીય જહાજાે સુરક્ષિત પસાર થયા છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો છે કે, ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે ભારતીય જહાજાે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશોને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવા માટે યુદ્ધ જહાજાે મોકલવાની અપીલ કરી છે.
એક ઈન્ટરવ્યુમાં એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. તેના પરિણામે શનિવારે ભારતીય ધ્વજ ધરાવતા બે ગેસ ટેન્કર પર્શિયન ગલ્ફમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સફળતાપૂર્વક પસાર થયા હતા. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે કોઈ કાયમી સમજૂતી થઈ નથી. આ કોઈ લેણ-દેણનો મામલો પણ નથી, ઈરાનને તેના બદલામાં કશું આપવામાં આવ્યું નથી. આ સફળતા બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સંબંધોને આભારી છે. દરેક જહાજની અવરજવર માટે અલગથી વાતચીત કરવામાં આવે છે.
જયશંકરે જણાવ્યું કે, “મારી ઈરાન સાથે સતત વાટાઘાટો ચાલી રહી છે. જાે તેનું કોઈ પરિણામ મળે છે, તો સ્વાભાવિક છે કે હું તેને આગળ પણ ચાલુ રાખવાનો પ્રયાસ કરીશ. ભારતની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એ જ છે કે અમે વાતચીત કરતા રહીએ અને તાલમેલ દ્વારા સમાધાન શોધીએ. જાે તેના કારણે અન્ય દેશો માટે પણ વાતચીતનો રસ્તો ખુલી જતો હોય, તો વિશ્વ માટે તે સવર્શ્રેષ્ઠ રહેશે.”
એક અહેવાલ મુજબ, ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડર અલીરેઝા તંગસીરીએ સોશિયલ મીડિયા પર ઈશારામાં જણાવ્યું હતું કે, સમુદ્રમાં ઈરાની નેવીની કાર્યવાહીના પરિણામો મળી રહ્યા છે. તેમણે ભારતનું નામ લીધા વિના કહ્યું કે, જાેખમ અને પ્રતિબંધો હટાવવાનું આ એક વાસ્તવિક મોડલ છે. શનિવારે જ્યારે ભારતીય ટેન્કરો પસાર થયા, તે જ સમયે ઈરાની તેલ ભરેલા જહાજાેને પણ રસ્તો આપવામાં આવ્યો હતો.




