
યુએસ સંસદમાં ટ્રમ્પનો ખોંખારો ઈરાન પાસે પરમાણુ હથિયાર રહેવા દઈશું નહીં ૧૦ મહિનામાં ૮ યુદ્ધ રોકાવ્યા હોવાનો દાવો ટ્રમ્પે કર્યાે હતો. તેમણે કંબોડિયા-થાઈલેન્ડ અને ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કર્યાે હતો.
અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કર્યુ હતું. ટ્રમ્પે આ વક્તવ્ય દરમિયાન ભાવિ નીતિઓ અને રાજનીતિ અંગે વાત કરી હતી. યુએસ સંસદમાં ટ્રમ્પે ખોંખારીને ઈરાનને પાઠ ભણાવવાનું એલાન કર્યું હતું. તેમણે ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં રહેવા દેવાનો હંકાર કર્યાે હતો. ૧૦૮ મિનિટના પ્રવચન દરમિયાન તેમણે ઈરાન સરકારને ૩૨ હજાર પ્રદર્શનકારીઓની હત્યા માટે જવાબદાર ઠેરવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન સાથેનો વિવાદ ઘર્ષણના બદલે વાતચીતથી ઉકેલવાની તેમની ઈચ્છા છે. જાે કે આતંકવાદને પોષનારા દેશ પાસે પરમાણુ હથિયાર હોવા જાેઈએ નહીં. શાંતિ સ્થાપવા માટે શક્તિ બતાવવી જરૂરી છે. અમેરિકાના સંરક્ષણ બજેટનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે મોટા પાયે સૈનિકોની ભરતી ચાલી રહી હોવાનું કહ્યું હતું. પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવતા ટ્રમ્પે કહ્યુ હતું કે, અમેરિકાની આઝાદીને ૨૫૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે અને દુનિયામાં કોઈ દેશ અમેરિકા જેવો નથી. અમેરિકા સતત પોતાને બહેતર બનાવી રહ્યું છે અને અમેરિકાનો સ્વર્ણિમ સમય ચાલી રહ્યો છે.
ગેરકાયદે ઘૂસણખોરી પર અંકુશ આવ્યો હોવાનો અને સરહદ પર સ્થિતિ સંપૂર્ણ બદલાઈ હોવાનું ટ્રમ્પે કહ્યુ હતું. ટ્રમ્પના ભાષણનો વિરોધ કરતા ડેમોક્રેટ સાંસદોએ વોકઆઉટ કર્યુ હતું અને તેના જવાબમાં રીપબ્લિકન સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેશમાં ગુનાખોરી ઘટી હોવાનો દાવો કરતા ટ્રમ્પે કહ્યુ હતું કે, આખો દેશ બદલાઈ ગયો છે અને અત્યાર સુધી કોઈએ આવું કર્યું નથી. આજે દેશની સરહદો સુરક્ષિત છે. મોંઘવારી ઘટી રહી છે અને આવક વધી રહી છે. દેશનું અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે અને શત્રુઓ ગભરાયેલા છે. ટ્રમ્પે ડેમોક્રેટિક પક્ષની આકરી ટીકા કરતા કહ્યુ હતું કે, ટેક્સમાં ઘટાડાથી લોકો પાસે નાણાં આવી રહ્યા છે, પરંતુ જે લોકોએ દેશને હાલત બગાડી છે તેઓ સોંઘવારીનો વિરોધ કરી રહ્યા છે. ૧૦ મહિનામાં ૮ યુદ્ધ રોકાવ્યા હોવાનો દાવો ટ્રમ્પે કર્યાે હતો. તેમણે કંબોડિયા-થાઈલેન્ડ અને ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કર્યાે હતો. ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાનું જાેખમ હતું. પોતે હસ્તક્ષેપ ના કરત તો પાકિસ્તાનના વડાપ્રધાનનું મોત થવાની શક્યતા હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે અગાઉ કહ્યુ હતું કે, ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ના અટકાવ્યુ હોત તો ૩.૫ કરોડ લોકોના મોત થયા હોત.




