
મધ્ય પૂર્વ યુદ્ધ અંગે પુતિનની ભવિષ્યવાણી.શું થશે તે કોઈને ખબર નથી, કોરોના જેવું ગંભીર પરિણામ આવશે.પુતિને કહ્યું કે આ યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન અને સપ્લાય ચેઈન પહેલેથી જ ખોરવાઈ ગઈ છે.રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને કહ્યું કે મધ્ય પૂર્વના યુદ્ધમાં આગળ શું થશે તે કોઈ કહી શકતું નથી. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાન યુદ્ધના પરિણામો કોવિડ-૧૯ મહામારી જેટલા જ ગંભીર હોઈ શકે છે. મોસ્કોમાં બિઝનેસ ફોરમને સંબોધતા પુતિને કહ્યું કે આ યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન અને સપ્લાય ચેઈન પહેલેથી જ ખોરવાઈ ગઈ છે. આ સાથે હાઈડ્રોકાર્બન, મેટલ અને ફર્ટિલાઈઝર સેક્ટર પર પણ દબાણ વધ્યું છે. પુતિને કહ્યું કે, યુદ્ધમાં સામેલ દેશો પણ કહી શકતા નથી કે આગળ શું થવાનું છે. આ સંકટ કોરોના વાઈરસના ઝટકાની જેમ જ અનેક દેશોમાં વિકાસની ગતિ ધીમી કરી શકે છે. વૈશ્વિક અર્થતંત્ર ડગમગી રહ્યું છે. મને લાગે છે કે જે લોકો આ સંઘર્ષમાં સામેલ છે, તેઓ પોતે પણ કોઈ અંદાજાે લગાવી શકતા નથી. અમારા માટે તો અનુમાન લગાવવું વધારે મુશ્કેલ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની આશાઓ હવે નબળી પડતી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે ૨૬ માર્ચ ૨૦૨૬ના રોજ તેલની કિંમતોમાં ૫ ટકાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ નોર્થ સી ક્રૂડ ૫.૨ ટકા વધીને ૧૦૭.૫૪ ડોલર પ્રતિ બેરલ થયું છે, જ્યારે યુએસ ઓઈલ કોન્ટ્રાક્ટ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI)૪.૯ ટકા વધીને ૯૪.૭૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૬ માર્ચે ઈરાનને ચેતવણી આપી હતી કે જાે તેઓ કરાર નહીં માને તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે ફરી દાવો કર્યો કે ઈરાનની સૈન્ય તાકાત સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અને તેઓ કોઈ કરાર માટે ભીખ માંગી રહ્યા છે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે તેહરાન અમેરિકન પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે, પરંતુ યુદ્ધ રોકવા માટે હજુ સુધી કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન સામે ૧૫ પોઈન્ટની યુદ્ધવિરામ યોજના રજૂ કરી છે, જેના જવાબમાં ઈરાને અમેરિકા સામે પોતાની ૫ શરતો મૂકી છે. આ દરમિયાન પાકિસ્તાને મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. જાે કે આ પ્રસ્તાવ વચ્ચે પણ અમેરિકા પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. અમેરિકન સેના ૮૨મી એરબોર્ન ડિવિઝનના વધુ ૧,૦૦૦ સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી રહી છે, જેથી વિસ્તારમાં પહેલાથી હાજર ૫૦,૦૦૦ સૈનિકોની શક્તિ વધી જશે.





