
૨૦ ડિસેમ્બર સુધી ફરજિયાત પૂર્ણ કરવાનો આદેશ.ગુજરાતના શિક્ષકો પર ફરી એક નવા કામની જવાબદારી!.૧૩થી ૧૪ લાખ વિદ્યાર્થીઓનું ડેટા-મેપિંગ ૨૦ ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા ખળભળાટ.રાજ્યના શિક્ષકો પર શિક્ષણ સિવાયના કાર્યોનો ભાર હવે વધુ એક નવા તબક્કામાં પ્રવેશી ગયો છે. કેન્દ્ર સરકારના મહત્ત્વપૂર્ણ ‘પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ’ (PM-FCT) પ્રોજેક્ટ માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોને નવી અને સમય માંગી લે તેવી જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ ૧૩થી ૧૪ લાખ વિદ્યાર્થીઓનું ડેટા-મેપિંગ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા શિક્ષક વર્ગમાં ખળભળાટ મચી ગયો છે.
સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડિરેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ભારત સરકાર PM-FCT પ્રોજેક્ટ અમલમાં મૂકવા જઈ રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીના આરોગ્ય, પોષણ અને સામાજિક સુરક્ષા સંબંધિત તમામ ડેટાનો એક જ પ્રવેશબિંદુ (Single Entry) તૈયાર કરવાનો છે. આ હેતુસર, બાળકના જન્મપ્રમાણપત્ર, આંગણવાડી નામાંકન અને શાળાના એડમિશન/સર્ટિફિકેટ– આ ત્રણેય સત્તાધિકારી સંસ્થાઓના ડેટાને એક જ ઉમદા રેકોર્ડમાં સાંકળવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ પાયલોટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં પહેલેથી જ ‘ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ’ (CTS) કાર્યરત છે. હવે આ સિસ્ટમને PM-FCT સાથે સમન્વયિત કરવા માટે શિક્ષકોને ક્લાસ-વાઇઝ દરેક વિદ્યાર્થીની વિગતો ચકાસવાની રહેશે. શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્રમાં દર્શાવેલી તમામ વિગતો (જેમ કે જિલ્લો, તાલુકો, ગામ, જન્મ સ્થળ, જન્મ તારીખ) શાળાના રેકોર્ડ સાથે એકસરખી ધરાવીને મેળ રાખીને મેપિંગ કરે.
શિક્ષકો પહેલેથી જ મતદાર યાદી સુધારણા, સર્વેક્ષણ, અને વિવિધ શૈક્ષણિક-પ્રશાસનિક કામગીરીઓના બોજ હેઠળ છે. તેમાં હવે PM-FCT પ્રોજેક્ટનું આટલું વિશાળ મેપિંગ કામ ઉમેરાતા શિક્ષકવર્ગમાં ભારે નારાજગી અને અસંતોષ જાેવા મળી રહ્યો છે. શિક્ષક સંઘોના પ્રતિનિધિઓનું માનવું છે કે આ પ્રકારના કાર્યો શિક્ષણના મુખ્ય હેતુને ગંભીર અસર પહોંચાડે છે. ૧૩-૧૪ લાખ બાળકોના જન્મપ્રમાણપત્ર આધારિત ડેટાનો મેળ રાખવા માટે સમય, ડેટાની ચોકસાઈ, વાલીઓનો સહકાર અને ડિજિટલ ટેકનિકલ પ્રક્રિયાઓનું ભારણ મળીને સમગ્ર પ્રક્રિયાનું વજન સીધું શિક્ષકવર્ગ પર પડે છે. આ આદેશ મુજબ, પ્રાથમિક, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાઓ સહિત તમામ સંસ્થાઓને ૨૦ ડિસેમ્બર સુધીમાં આ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ પ્રક્રિયા પછી ગુજરાત સરકાર PM-FCT પ્રોજેક્ટ માટે જરૂરી ડેટા કેન્દ્ર સરકારને સુપ્રત કરશે. ટૂંકા સમયગાળામાં આટલું મોટું ડેટા-મેપિંગ કાર્ય પૂર્ણ કરવું શિક્ષકો માટે એક મોટો પડકાર બની ગયો છે.




