આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’નો આજે નવમો દિવસ છે અને નવમા દિવસે સંતરામપુર ખાતે આજથી આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની એન્ટ્રી થઈ છે. આ યાત્રા સંદર્ભે આજરોજ સંતરામપુર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના શીર્ષસ્થ નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બ્રિજરાજ સોલંકીની સાથે સાથે ચૈતરભાઈના ધર્મપત્નીઓ શ્રીમતી શકુંતલાબેન વસાવા અને શ્રીમતી વર્ષાબેન વસાવા, પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તેમજ પ્રદેશ સંગઠન મંત્રીઓ બાબુભાઈ ડામોર અને કમલેશ પટેલે ઉપસ્થિત રહીને સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસી સમાજ પર થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને ધારાસભ્ય ચૈતર વસાવા સામેના ખોટા કેસો અંગે મીડિયા સમક્ષ આક્રમક રજૂઆતો કરવામાં આવી હતી.
મીડિયાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના મસીહા એવા અને યુવાનો, ખેડૂતો, મહિલાઓ, મજૂરો તેમજ ઓબીસી, એસસી, એસટી અને બક્ષીપંચ સહિતના અઢારે વર્ણના લોકોના હક, અધિકાર અને ન્યાય માટે અવાજ બુલંદ કરનાર ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસો કરીને સાત વર્ષની સજા ફટકારી છે અને અત્યારે જેલમાં સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપે આદિવાસીઓ પર અન્યાય અને અત્યાચાર ગુજાર્યો છે, નરેન્દ્ર મોદીની પણ ઊંઘ હરામ કરી નાખનાર ચૈતર વસાવાને જેલમાં ફીટ કરવાનું ષડયંત્ર ભાજપે રચ્યું છે. હર્ષ સંઘવી અને ભાજપને ચેતવણી આપતા તેમણે ઉમેર્યું હતું કે જેલની દિવાલો ચૈતરભાઈની ક્રાંતિને રોકી નહીં શકે અને એક ચૈતર વસાવાને અંદર નાખશો તો ઘરે-ઘરેથી નવા ચૈતર વસાવા પેદા થશે. કડાણા ડેમનું પાણી સ્થાનિકોને મળતું નથી અને દારૂ-ડ્રગ્સના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલે છે તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વર્ષાબેન અને શકુંતલાબેનના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રાને અઢારે વર્ણનું સમર્થન મળી રહ્યું છે અને ૨૦૨૭માં આદિવાસી પટ્ટામાં ભાજપના સૂપડા સાફ થઈ જશે.
ચૈતરભાઈના ધર્મપત્નીઓ શ્રીમતી શકુંતલાબેન વસાવા અને શ્રીમતી વર્ષાબેન વસાવાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સંતરામપુર ખાતે આવી પહોંચેલી આ ન્યાય યાત્રામાં ગામડે-ગામડેથી લોકો ખૂબ ધામધૂમથી સ્વાગત કરે છે અને વડીલો અમને આશીર્વાદ આપીને કહે છે કે, “દીકરીઓ-બહેનો તમે ચિંતા ન કરતા, અમે તમારી સાથે છીએ” તેમ કહીને હિંમત આપે છે. જે ધારાસભ્ય સરકારી નોકરી છોડીને સમાજસેવામાં આવ્યા અને હર હંમેશ લોકોના પ્રશ્નો માટે લડ્યા, તેમને ભાજપ સરકારે ખોટી રીતે સાત વર્ષની સજા આપી છે, જેના કારણે ઉમરગામથી અંબાજી સુધી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે વડીલો અમને મળે છે ત્યારે તેઓ કહે છે કે “અત્યાર સુધી અમારા ગામોમાં કોઈ નેતાઓ નથી આવ્યા પણ બહેનો દીકરીઓ તમે આવ્યા છો એટલે અમે તમારું સ્વાગત કરીએ છીએ” અને ૨૦૨૭ની ચૂંટણીમાં આ જેલનો જવાબ વોટથી આપીશું એવો સંકલ્પ લે છે. આ યાત્રાની ૩ તારીખે અંબાજી ખાતે પૂર્ણાહુતિ થવાની છે અને ૪ તારીખે ગાંધીનગરમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પણ મોટી સંખ્યામાં પધારવા અમે તમામ જનતાને અપીલ કરીએ છીએ.




