
સુપ્રિયા સુલેએ રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ રજૂ કર્યું.વર્તમાન સમયમાં, કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી થયા પછી પણ બોસના કૉલને ના પાડવાની સ્થિતિમાં હોતા નથી.જાે તમે નોકરી કરો છો અને ઓફિસનો સમય પૂરો થયા પછી પણ બોસના કૉલ કે ઈમેલથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સંસદના હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન, નેશનલ કોંગ્રેસ પાર્ટી(NCP)ના સાંસદ સુપ્રિયા સુલેએ રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ ૨૦૨૫ રજૂ કર્યું છે. જાે આ ખાનગી બિલ સંસદમાં પસાર થશે, તો તે ભારતના કોર્પોરેટ જગત માટે એક ઐતિહાસિક પરિવર્તન સાબિત થઈ શકે છે.
આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને તેમની શિફ્ટ પૂરી થયા પછી, એટલે કે કામના કલાકો બાદ, ઓફિસના ઈમેલ, કૉલ અને અન્ય સંદેશાવ્યવહારથી સંપૂર્ણપણે ડિસકનેક્ટ થવાનો કાયદાકીય અધિકાર આપવાનો છે. આનાથી કર્મચારીઓ તેમની પર્સનલ અને પ્રોફેશનલ જિંદગી વચ્ચે બેલેન્સ જાળવી શકશે અને ઑલ ટાઇમ ઓન રહેવાની ફરજમાંથી મુક્તિ મળશે. વર્તમાન સમયમાં, કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી થયા પછી પણ બોસના કૉલને ના પાડવાની સ્થિતિમાં હોતા નથી, જેના કારણે તેમના પર્સનલ ટાઇમમાં ખલેલ પડે છે. આ બિલ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે છે.
રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ ૨૦૨૫ એક પ્રાઇવેટ મેમ્બર બિલ છે. બંધારણ હેઠળ, સંસદના સભ્યોને એવા વિષયો પર બિલ રજૂ કરવાની છૂટ છે જેના પર તેમને લાગે છે કે સરકારે કાયદો લાવવો જાેઈએ. જાેકે, મોટાભાગના પ્રાઇવેટ બિલ સરકારી કાયદા પર જવાબ મળ્યા બાદ પાછા ખેંચી લેવામાં આવતા હોય છે. છતાં પણ, આ બિલ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો સંસદના ધ્યાન પર લાવે છે.
આની સાથે જ, અન્ય એક મહત્ત્વની માંગ પણ સંસદમાં ઉઠી છે. કોંગ્રેસના સાંસદ કાદિયમ કાવ્યાએ મહિલા કર્મચારીઓ માટે માસિક દરમિયાન રજાની માંગણી કરતું બિલ પણ રજૂ કર્યું છે. જાે આ બિલ પસાર થાય છે, તો મહિલા કર્મચારીઓને સ્વાસ્થ્ય સંબંધિત મોટો ફાયદો મળી શકે છે.




