
અટલજીના સાથીએ કર્યો મોટો દાવો.BJP ની ઈચ્છા હતી કે, કલામને બદલે વાજપેયી રાષ્ટ્રપતિ બનેવાજપેયીના પૂર્વ મીડિયા સલાહકાર અશોક ટંડન તેમના પુસ્તક “અટલ સંસ્મરણ” માં એક મોટો ખુલાસો.પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મીડિયા સલાહકાર અશોક ટંડને તેમના પુસ્તક “અટલ સંસ્મરણ” માં એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૦૨ માં, ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે અટલ બિહારી વાજપેયીનો પ્રસ્તાવ મૂક્યો હતો અને લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદ સોંપવાની ઓફર કરી હતી. જાેકે, તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રપતિ પદ માટે ઇનકાર કરી દીધો હતો, અને કહ્યું હતું કે, બહુમતીના આધારે તેમનું રાષ્ટ્રપતિ બનવું ખરાબ મિસાલ સ્થાપિત કરશે. જણાવી દઈએ કે, કલામ ૨૦૦૨ માં તત્કાલીન શાસક રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) અને વિપક્ષ બંનેના સમર્થનથી ૧૧મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમણે ૨૦૦૭ સુધી આ પદ સંભાળ્યું હતું. અશોક ટંડન ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી વાજપેયીના મીડિયા સલાહકાર હતા. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, વાજપેયીએ રાષ્ટ્રપતિ બનવાનું અને પાર્ટીના બીજા નંબરના નેતા લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદ સોંપવાના તેમની પાર્ટીના સૂચનને નકારી કાઢ્યું હતું.
ટંડનના મતે, વાજપેયી આ માટે તૈયાર નહોતા. તેમનું માનવું હતું કે, બહુમતીના બળ પર કોઈપણ લોકપ્રિય વડાપ્રધાન રાષ્ટ્રપતિ બને તે ભારતીય સંસદીય લોકશાહી માટે સારો સંકેત નહીં હોય. તે ખૂબ જ ખરાબ મિસાલ સ્થાપિત કરશે, અને આવા પગલાને સમર્થન આપનારા તેઓ છેલ્લા વ્યક્તિ હશે. ટંડને લખ્યું કે, વાજપેયીએ મુખ્ય વિપક્ષી પક્ષ, કોંગ્રેસના નેતાઓને રાષ્ટ્રપતિની ચૂંટણી પર સર્વસંમતિ બનાવવા માટે બોલાવ્યા હતા.
અશોક ટંડને લખ્યું કે, “મને યાદ છે કે સોનિયા ગાંધી, પ્રણવ મુખર્જી અને ડૉ. મનમોહન સિંહ તેમને મળવા આવ્યા હતા. વાજપેયીએ પહેલી વાર સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, NDA એ ડૉ. એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવાર તરીકે નોમિનેટ કરવાનો ર્નિણય લીધો છે… બેઠકમાં થોડીવાર માટે મૌન છવાઈ ગયું. ત્યારબાદ સોનિયા ગાંધીએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે, તેઓ તેમની પસંદગીથી આશ્ચર્યચકિત થયા છે અને તેમની પાસે તેમને સમર્થન આપવા સિવાય કોઈ વિકલ્પ નથી, પરંતુ તેઓ તેમના પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને પછી ર્નિણય લેશે.
ટંડને વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન અને વાજપેયીના વિવિધ નેતાઓ સાથેના સંબંધો દરમિયાનની ઘણી ઘટનાઓનું વર્ણન કર્યું છે. અટલ-અડવાણીની જાેડી વિશે, તેઓ લખે છે કે, કેટલાક નીતિગત બાબતો પર મતભેદો હોવા છતાં, બંને નેતાઓ વચ્ચેના સંબંધો ક્યારેય જાહેરમાં બગડ્યા નહીં.
અશોક ટંડનના મતે, અડવાણી હંમેશા અટલને પ્રેરણાસ્ત્રોત કહેતા હતા, અને વાજપેયી તેમને તેમના સાચા સાથી કહેતા હતા. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચેની ભાગીદારી ભારતીય રાજકારણમાં સહકાર અને સંતુલનનું પ્રતીક રહી છે. તેમણે માત્ર ભાજપનું નિર્માણ જ નહીં, પરંતુ પક્ષ અને સરકાર બંનેને નવી દિશા પણ આપી છે.
પુસ્તકમાં, અશોક ટંડને લખ્યું છે કે, ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ ના રોજ જ્યારે સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો, ત્યારે વાજપેયી અને સોનિયા ગાંધીએ ફોન પર વાત કરી હતી. તે સમયે સોનિયા ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા હતા. હુમલા સમયે, વાજપેયી ઘરે હતા, તેમના સાથીદારો સાથે ટેલિવિઝન પર સુરક્ષા દળોના ઓપરેશનને જાેઈ રહ્યા હતા.
ટંડન લખે છે કે, “અચાનક, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનો ફોન આવ્યો હતો. તેણીએ કહ્યું કે, ‘મને તમારી ચિંતા થઈ રહી છે. શું તમે સુરક્ષિત છો?‘” આના પર, અટલ બિહારી વાજપેયીએ જવાબ આપ્યો કે, “સોનિયાજી, હું સુરક્ષિત છું. મને ચિંતા હતી કે, તમે સંસદમાં હશો… તમારૂ ધ્યાન રાખજાે.”




