
રાજકોટમાં સાયબર ફ્રોડરોનો તરખાટ યથાવત ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.૫૧ લાખની ઠગાઈ ડોક્યુમેન્ટ, ઓફર લેટર, વિઝા વગેરેના બહાને સાયબર ફ્રોડરોને ડોક્ટર ઓનલાઈન પૈસા આપતા જ ગયા
રાજકોટમાં સાયબર ફ્રોડરોએ રીતસર તરખાટ મચાવી દીધો છે. સાયબર ફ્રોડના બનાવો અટકાવવામાં પોલીસ અને સરકારો ઊણી ઉતરી છે. આ જ કારણ છે કે લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે છાશવારે પોલીસ અપીલ કરે છે છતાં તેની કોઈ અસર થતી ન હોય તેમ વધુને વધુ લોકો ભોગ બની રહ્યા છે. અટલ સરોવરની સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો.ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.ર૬)ને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી, સાયબર ગઠિયાઓએ રૂા.પ૦.૭પ લાખ જેવી માતબર રકમ ખંખેરી લીધી હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ડો.ત્રિવેદીએ જણાવ્યું છે કે ગાંધીનગરની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યાે છે. હાલ ઓનલાઈન એએમસી પરીક્ષાના કલાસ ચલાવે છે. આગળ નોકરી માટે ઓસ્ટ્રેલીયાની રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ માટે જવાનું હોવાથી પરીક્ષા આપી હતી. જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું એએમસી ઓસ્ટ્રેલીયા-ર૦રપ ડ્રીમ કમ ટ્રુ નામનું વોટસએપ ગુ્રપ બનાવવામાં આવ્યું હતું.
જેમાં રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં જાેબ માટે એડ આવી હતી. જેમાં જણાવેલા ડો.જાેશુઆના મોબાઈલ નંબર ઉપર કોન્ટેકટ કરતાં તેને હોસ્પિટલ વિશે બધી માહિતી આપી ડોકયુમેન્ટસ મગાવ્યા હતા. જેની ફી પેટે ર૧૦૦ ઓસ્ટ્રેલીયન ડોલર (રૂા.૧.ર૦ લાખ) ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ઓફર લેટર મોકલ્યો હતો. તેમા જણાવેલી તમામ ફી ર૮૪૦૦ ઓસ્ટ્રેલીયન ડોલર (રૂા.૧૬.પ૦ લાખ) પણ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કર્યા હતા. ત્યાર પછી હોસ્પિટલના મેઈલ આઈડીમાંથી સીટ કન્ફર્મ થઈ ગયાનું જણાવાયું હતું. સાથો-સાથ પ્લાનિંગ બફર અને એપ્લીકેશન એન્ડ ફોરવર્ડીંગ માટે ૧ર૮૭૯ ઓસ્ટ્રેલીયન ડોલર (રૂા.૭.પ૦ લાખ)ની માગણી કરાતા તે રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. આ પછી ડો.જાેશુઆ દ્વારા ઓસ્ટ્રેલીયાના વીઝા એજન્ટ ડેનિયલનો મોબાઈલ નંબર અપાતા તેની ઉપર સંપર્ક કરતાં બધા ડોકયુમેન્ટસ માગ્યા હતા. જે આપી દેતાં ત્યાંની કોમોન વેલ્થ બેન્ક ઓફ ઓસ્ટ્રેલીયામાં તેનું બેન્ક ખાતું ખોલાવ્યું હતું. વીઝા અને બેન્ક વેરીફિકેશન માટે મિનિમમ બેલેન્સ રાખવાના બહાને ૪૧ હજાર ઓસ્ટ્રેલીયન ડોલર (રૂા.ર૪ લાખ)ની માગણી કરાતા તે રકમ પણ ભારતના જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. ત્યાર પછી બેન્કની એપમાંથી તેના એકાઉન્ટમાં રહેલી બેલેન્સનો સ્ક્રિન શોટ મોકલાવ્યો હતો. આ પછી બેન્ક એકાઉન્ટની માહિતી માટે બેન્કના મોબાઈલ નંબર અને ઈ-મેઈલથી સંપર્ક કરતાં તેના નામનું કોઈ એકાઉન્ટ ઓપન નહીં થયાની માહિતી મળી હતી. તે સાથે જ રોયલ એડિલેઈડ હોસ્પિટલનો સંપર્ક કરતાં એજન્ટ ફ્રોડ થયાનું જણાવાયું હતું. જેથી સીઆઈડી ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે આજે ગુનો નોંધાયો હતો.




