
અંદાજિત કિંમત ૨ કરોડ જેટલી આંકવામાં આવી છે ખનીજ વિભાગે આ તમામ વાહનો સીઝ કરી ધોલેરા પોલીસ મથકે સોંપ્યા છે.અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા ગેરકાયદે ખનન પર ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. ધોલેરાના પીપળી ગામે ગેરકાયદે માટી ખનન પર ત્રાટકેલા ખનીજ વિભાગે કરોડોની કિંમતના મશીનો જપ્ત કરી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.
મળતી માહિતી અનુસાર, ધોલેરાના પીપળી ગામે મોટા પાયે ગેરકાયદે માટી ખનન થતું હોવાની ચોક્કસ બાતમી ખાણ ખનીજ વિભાગને મળી હતી. જેના આધારે અધિકારીઓએ દરોડા પાડતા સ્થળ પરથી ખનન કાર્ય કરતા ૧ હિટાચી મશીન અને ૩ ડમ્પર ઝડપી પાડ્યા હતા. જપ્ત કરાયેલા આ વાહનોની અંદાજિત કિંમત ૨ કરોડ જેટલી આંકવામાં આવી છે. ખનીજ વિભાગે આ તમામ વાહનો સીઝ કરી ધોલેરા પોલીસ મથકે સોંપ્યા છે.
હવે ખનીજ વિભાગ દ્વારા જે સ્થળેથી ગેરકાયદે ખોદકામ કરવામાં આવ્યું છે તે સ્થળની ચોક્કસ માપણી કરવામાં આવશે. કેટલા ટન માટીની ચોરી થઈ છે તેની ગણતરી કર્યા બાદ જવાબદાર ભૂમાફિયાઓને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે,અમદાવાદ ગ્રામ્યના બાવળા, ધોળકા, સાણંદ, ધોલેરા અને દસકોઈ તાલુકામાં રેતી અને માટીનું ગેરકાયદે ખનન માઝા મૂકી રહ્યું છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ખાણ ખનીજ વિભાગને આ ખનન દેખાય છે, પરંતુ સ્થાનિક પોલીસ કેમ આંખ આડા કાન કરી રહી છે? શું સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ચાલી રહ્યો છે?




