
બંગાળના મુખ્યમંત્રી પર EDનો આરોપ.મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજાે અને પુરાવા લઈ ગયા.ED એ કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACના દફતર અને તેના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPAC ના દફતર અને તેના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સ્થળ પર પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો.
હવે આ મામલે ED એ સત્તાવાર નિવેદન જાહેર કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તપાસમાં અવરોધ ઊભો કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. તપાસ એજન્સીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘જ્યારે દરોડાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશાળ પોલીસ કાફલા સાથે અચાનક જ IPACના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ત્યાંથી તપાસ માટે અત્યંત જરૂરી એવા મહત્ત્વના દસ્તાવેજાે અને ઈલેક્ટ્રોનિક ડિવાઇસ પોતાની સાથે લઈ ગયા છે. એટલું જ નહીં, ત્યારબાદ મમતા બેનર્જીએ IPAC ના દફતરમાં પણ જબરદસ્તી પ્રવેશ કર્યો હતો, જ્યાં પણ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.‘
ED ની તપાસ મુજબ, આ દરોડા કોલસાની હેરાફેરી અને તેના દ્વારા થયેલા હવાલા ટ્રાન્ઝેક્શન સાથે જાેડાયેલા છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે કોલસા કૌભાંડનો મોટો હિસ્સો ‘શાકંભરી ગ્રૂપ ઑફ કંપનીઝ‘ને વેચવામાં આવ્યો હતો અને તેમાંથી મળેલી રકમ હવાલા માર્ગે ફેરવવામાં આવી હતી. એજન્સીના રિપોર્ટ મુજબ, આ કૌભાંડમાં સામેલ એક શંકાસ્પદ વ્યક્તિએ પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPAC ને કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવા મળ્યા છે. આ મની ટ્રેલ અને હવાલા કનેક્શનના કથિત જાેડાણની ઊંડી તપાસ કરવા માટે જ ED એ પશ્ચિમ બંગાળના ૬ મહત્ત્વના શહેરો અને દિલ્હીના ૪ સ્થળોએ એકસાથે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
દરોડા દરમિયાન કોલકાતા પોલીસ અને ED ના અધિકારીઓ વચ્ચે પણ તણાવ જાેવા મળ્યો હતો. સાઉથ કોલકાતાના ડેપ્યુટી કમિશ્નર અને ખુદ પોલીસ કમિશ્નર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ED ના અધિકારીઓ પાસે તેમની ઓળખ અને સર્ચ વોરન્ટની માંગણી કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી માટે IPACને હાયર કરી છે, ત્યારે ચૂંટણી પહેલા જ આ કાર્યવાહીને કારણે બંગાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ED એ આ મામલે કોર્ટ અથવા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવી છે.
પશ્ચિમ બંગાળમાં આ અગાઉ પણ ED અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામસામે આવી ચુકી છે. તૃણમૂલ કોંગ્રેસ(TMC) દ્વારા અવારનવાર એવો આક્ષેપ કરવામાં આવે છે કે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવી રહ્યો છે. પ્રતીક જૈન IPAC ના પ્રમુખ હોવાથી, જે સંસ્થા TMC ની ચૂંટણી રણનીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, આ દરોડાની અસર આગામી સમયમાં રાજ્યના રાજકારણ પર વધુ ઘેરી બને તેવી શક્યતા છે.




