
સામે આવ્યા ડરામણા આંકડા વાયુ પ્રદૂષણથી ભારતમાં દરરોજ ૪૬૫૭ લોકોના મોત સ્વાસ્થ્યની સાથે અર્થવ્યવસ્થા પર પણ મોટી અસર ભારતમાં વાયુ પ્રદૂષણ હવે માત્ર પર્વાયરણની ચિંતા નથી, પરંતુ તે દેશ માટે એક ગંભીર જાહેર સ્વાસ્થ્ય સંકટનું રૂપ લઈ ચૂક્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રદૂષિત હવા દર વર્ષે લાખો લોકોના જીવન છીનવી રહી છે અને તેની અસર ચુપચાપ અર્થવ્યવસ્થાને પણ નબળી પાડી રહી છે. તાજેતરમાં જિનેવામાં આયોજીત વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ દરમિયાન ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે આ મુદ્દા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં વાયુ પ્રદૂષણથી દર વર્ષે આશરે ૧૭ લાખ મોત થાય છે. તેનો મતલબ એ થયો કે દેશમાં થનાર દર પાંચમાંથી લગભગ એક મોત પ્રદૂષિત હવા સાથે જાેડાયેલું છે.
જાે આ આંકડાને દૈનિક હિસાબે જાેઈએ તો સ્થિતિ વધુ ડરામણી થઈ જાય છે. ભારતમાં દરરોજ સરેરાશ ૪૬૫૭ લોકો ઝેરી હવાને કારણે પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. નિષ્ણાંતો પ્રમાણે વાયુ પ્રદૂષણથી થનાર બીમારીઓ માત્ર હોસ્પિટલ સુધી સીમિત રહેતી નથી, પરંતુ તેની સીધી અસર દેશની ઉત્પાદકતા અને અર્થવ્યવસ્થા પર પણ પડે છે. એક રિપોર્ટ અનુસાર સમય પહેલા થનાર મોત અને પ્રદૂષણ સાથે જાેડાયેલી બીમારીઓને કારણે દર વર્ષે અબજાે ડોલરનું આર્થિક નુકસાન ઉઠાવવું પડે છે. વર્ષ ૨૦૧૯મા જ પ્રદૂષણ સાથે જાેડાયેલા સમય પહેલા મોતને કારણે દેશને આશરે ૨૮ અબજ ડોલરથી વધુનું નુકસાન થયું, જ્યારે બીમારીઓ સાથે જાેડાયેલા આર્થિક નુકસાનનો અંદાજ ૮ અબજ ડોલર આંકવામાં આવ્યો. કુલ મળી આ નુકસાન ૩૬.૯ અબજ ડોલર, એટલે કે ભારતની જીડીપીના આશરે ૧.૩૬ ટકા હતો. પાછલા સપ્તાહે જારી વર્લ્ડ બેંકના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ભારતની ૧૦૦ ટકા વસ્તી હાનિકારક PM2.5 કણોના સંપર્કમાં છે. PM2.5 ને સૌથી ખતરનાક વાયુ પ્રદૂષણ માનવામાં આવે છે, જે ઘણા સ્ત્રોતમાંથી નીકળે છે અને સીધુ ફેફસામાં જઈને નુકસાન પહોંચાડે છે. WHO અનુસાર વાયુ પ્રદૂષણથી સ્ટ્રોક, હાર્ટની બીમારી, ક્રોનિક લંગ ડિઝીસ, ફેફસાનું કેન્સર અને નિમોનિયા જેવી ગંભીર બીમારીનો ખતરો અનેક ગણો વધી જાય છે. માત્ર લાંબા સમ સુધી જ નહીં, પરંતુ થોડા સમય માટે પણ વધુ પ્રદૂષણમાં શ્વાસ લેવો અસ્થમા, શ્વાસની મુશ્કેલી અને ફેફસાની ક્ષમતા ઘટવા જેવી સમસ્યા પેદા કરી શકે છે. સ્ટડી અનુસાર ગર્ભવતી મહિલાઓ માટે પ્રદૂષિત હવા વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી ઓછા વજનવાળા બાળકોનો જન્મ, સમય પહેલા ડિલીવરી અને શિશુના વિકાસમાં વિઘ્નો જેવી સમસ્યા જાેઈ શકાય છે.
ધ લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત એક અધ્યયન પ્રમાણે જાે ભારતમાં વાયુ ગુણવત્તા WHO ના માપદંડો પર ખરી ઉતરે તો દર વર્ષે આશરે ૧૫ લાખ વધારાના મોત રોકી શકાય. રિપોર્ટ અનુસાર માત્ર ફોસિલ ફ્યુલ બળવાને કારણે દર વર્ષે ૭.૫ લાખ મોત થાય છે. તેમાં કોલસાથી આશરે ૪ લાખ અને બાયોમાસ બળવાથી લગભગ ૩.૫ લાખ મોત સામેલ છે. એક્સપર્ટનું કહેવું છે કે પ્રદૂષિત હવાના સંપર્કમાં થોડા સમય માટે આવવાથી શ્વાસ લેવામાં સમસ્યા, અસ્થમા અને ફેફસાની કામ કરવાની ક્ષમતા પર અસર પડે છે. જ્યારે લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી મગજ, હ્રદય અને ફેફસાની ગંભીર બીમારીનો ખતરો અનેક ગણો વધી જાય છે.




