
ડેમોક્રેટ સેનેટરે ત્રીજા દેશમાં દેશનિકાલની કાર્યવાહીને ખર્ચાળ, નકામી, અવિચારી ગણાવી.૩૦૦ ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ માટે અમેરિકાએ રૂ.૩૬૦ કરોડ ખર્ચ્યા.ગયા વર્ષે માર્ચમાં અલ સાલ્વાડોરમાં ૨૫૦ વેનેઝુએલાના ૨૫૦ નાગરિકોને મોકલવામાં આવ્યા હતાં, જ્યારે બીજા દેશોમાં આ સંખ્યા ઘણી ઓછી હતી.અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે આશરે ૩૦૦ ઇમિગ્રન્ટ્સને તેમના પોતાના દેશો સિવાયના કોઇ ત્રીજા દેશમાં દેશનિકાલ કરવા માટે આશરે રૂ.૩૬૦ કરોડ (૪ કરોડ ડોલર)નો જંગી ખર્ચ કર્યાે હતો. અમેરિકામાં ગેરકાયદે વિદેશીઓને ઝડપથી તગેડી મૂકવાના ટ્રમ્પના આદેશનું ગયા વર્ષથી ઇમિગ્રેશન અધિકારીઓ પાલન કરી રહ્યાં છે, પરંતુ તેનાથી સરકારને જંગી ખર્ચ પણ થઈ રહ્યો છે, એમ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના ડેમોક્રેટિક સ્ટાફે તૈયાર કરેલા એક અહેવાલમાં જણાવાયું હતું. સેનેટર જીની શાહીનના વડપણ હેઠળની ફોરેન રિલેશન્સ સમિતિના ડેમોક્રેટ્સે આ રિપોર્ટમાં ત્રીજા દેશમાં દેશનિકાલની પ્રથાને ખર્ચાળ, નકામી અને નબળી દેખરેખવાળી ગણાવીને આકરી ટીકા પણ કરી હતી. સમિતિએ મોટાભાગે અંધારામાં તીર ચલાવવા જેવી આ નીતિની ગંભીર સમીક્ષા કરવાની પણ હાકલ કરી હતી.
ત્રીજા દેશમાં દેશનિકાલના પ્રોગ્રામ હેઠળ વાટાઘાટો પર પર દેખરેખ રાખતા વિદેશ વિભાગે તેનો બચાવ કરી જણાવ્યું હતું કે તે ગેરકાયદેસર ઇમિગ્રેશનને બંધ કરવાના ટ્રમ્પના અભિયાનના એક મહત્ત્વનો હિસ્સો છે. ગયા મહિને સેનેટની સુનાવણીમાં ત્રીજા દેશમાં દેશનિકાલ અંગે સવાલ કરવામાં આવતાં વિદેશ પ્રધાન માર્કાે રુબિયોએ જણાવ્યું હતું કે અમે ગેંગના સભ્યોની ધરપકડ કરી છે અને તેમને દેશનિકાલ કર્યા છે. અમે અમારા દેશમાં ગેંગના સભ્યો રાખવા માગતા નથી. રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ઇક્વેટોરિયલ ગિની, રવાન્ડા, અલ સાલ્વાડોર, એસ્વાટિની અને પલાઉ સહિતના પાંચ દેશોમાં ગેરકાયદે માઇગ્રન્ટ્સ ડિપોર્ટ કરવા માટે આ દેશોને ૪૭ લાખ ડોલરથી ૭૫ લાખ ડોલરની મોટી રકમ ચુકવવામાં આવી હતી.ગયા વર્ષે માર્ચમાં અલ સાલ્વાડોરમાં ૨૫૦ વેનેઝુએલાના ૨૫૦ નાગરિકોને મોકલવામાં આવ્યા હતાં, જ્યારે બીજા દેશોમાં આ સંખ્યા ઘણી ઓછી હતી. ઇક્વેટોરિયલ ગિની ૨૯ ઇમિગ્રન્ટ્સે મોકલવામાં આવ્યા હતાં અને અત્યાર સુધી પલાઉ એક પણ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયો નથી. આ અહેવાલમાં માત્ર પાંચ દેશમાં ડિપોર્ટ કરાયેલા ઇમિગ્રન્ટ્સને આંકડા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ૪૭ દેશો સાથે ડિપોર્ટેશન અંગેની સમજૂતી અંગે વાટાઘાટો ચાલે છે. આમાંથી ૧૫ સાથે સમજૂતી થઈ ગઈ છે અને ૧૦ દેશો સાથે સમજૂતી થવાની તૈયારી છે. આંતરિક દસ્તાવેજાે અનુસાર વહીવટીતંત્ર એવા દેશો સાથે પણ કરારો પર વાટાઘાટો કરી રહ્યું છે જે યુએસમાં શરણાર્થી બનવા માગે છે. ઇમિગ્રેશન તરફેણ કરતાં સંગઠનો ત્રીજા દેશમાં દેશનિકાલની આ નીતિને એક અવિચારી પગલું માને છે. તેઓ જણાવ્યું છે કે આવી કાર્યવાહીમાં યોગ્ય નિયમોનું પાલન કરાતું અને માનવાધિકારોનું ઉલ્લંઘન થાય છે. ભ્રષ્ટાચારનો લાંબો ઇતિહાસ ધરાવતા દેશોમાં લોકો ફસાઈ જાય તેવું જાેખમ રહે છે.




