
ભાદર નદીમાં વધતા કેમિકલ પ્રદૂષણ સામે આમ આદમી પાર્ટી દ્વારા “ભાદર બચાવો” અભિયાનને આજે બીજા દિવસ વધુ તેજ કરવામાં આવ્યું છે. કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ કોટડીયા છેલ્લા 6 દિવસથી અડીખમ ઉપવાસ પર બેઠા છે. તેમના આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ભાદર નદીના કાંઠા વિસ્તારના પ્રદૂષણથી અસરગ્રસ્ત ગામોમાં પક્ષના યુવા નેતા અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાની આગેવાનીમાં આજે અભિયાનના બીજા દિવસે ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન અને જનસભાઓ યોજાઈ. આજે ઉમરકોટ અને વેગડી ગામમાં “ભાદર બચાવો” સભાઓ યોજાઈ હતી, જેમાં ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા, દિલીપ ભુવા, મનોજ પારઘી સહિતના અનેક આગેવાનોએ હાજરી આપી હતી અને સિવાય સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે જેતપુરના સાડી ઉદ્યોગોમાંથી છોડાતા કેમિકલયુક્ત પાણીના કારણે ભાદર નદી ગંભીર રીતે પ્રદૂષિત બની રહી છે. તંત્ર પણ આ મુદ્દે વારંવાર આંખ આડા કાન કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. તેના પરિણામે જેતપુર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને ભારે પાક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ઉપરાંત, પીવાના પાણીમાં કેમિકલ મિશ્રણ થવાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ મુદ્દે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે સામાન્ય લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. જેતપુર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભુવા દ્વારા મુદ્દાને ઉજાગર કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પણ જેતપુર પહોંચીને આંદોલનને સમર્થન આપ્યું હતું.
વધુમાં યુવા નેતા ધાર્મિક માથુકિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અહીંયાના સ્થાનિક લોકો, ખેડૂતો અને આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણીઓ છે કે ભાદર નદીમાં છોડાતા કેમિકલને તાત્કાલિક રોકવામાં આવે. બીજી માંગ છે કે પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર ઉદ્યોગો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી. આ સિવાય અમારી માંગ છે કે, પાક નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. અને છેલ્લી માંગ છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. પર્યાવરણ અને ખેડૂતોના જીવન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી. નદી, જમીન અને લોકોના આરોગ્યના પ્રશ્ને ન્યાય ન મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડત અવિરત ચાલુ રહેશે.




