
આશરે ૧૨,૨૩૬ કરોડના કુલ ૮ મોટા ર્નિણયો પર મહોર સેવા તીર્થ ખાતે આયોજિત પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયા ઐતિહાસિક ર્નિણયો કેરળનું નામ બદલીને ‘કેરલામ‘ કરવાના પ્રસ્તાવ સહિત અમદાવાદ મેટ્રો અને રેલવે પ્રોજેક્ટ્સ માટે કરોડોની ફાળવણી વડાપ્રધાનના નેતૃત્વમાં આજે સેવા તીર્થ ખાતે પ્રથમવાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના ‘સેવા સંકલ્પ‘ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ બેઠક માત્ર વહીવટી પ્રક્રિયા નથી પરંતુ નવા ભારતના ભવ્ય નિર્માણનો પાયો છે. દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ટોચની ૩ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે આશરે ૧૨,૨૩૬ કરોડના કુલ ૮ મોટા ર્નિણયો પર મહોર મારવામાં આવી છે. નાગરિકોને શક્તિ પ્રદાન કરવાને બદલે તેમને આર્ત્મનિભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આ તમામ ર્નિણયો લેવાયા છે.
આ બેઠકનો સૌથી મોટો નીતિગત ર્નિણય કેરળ રાજ્યનું નામ બદલીને કેરલામ કરવાનો છે. છેલ્લા લાંબા સમયથી કેરળના લોકો અને રાજ્ય સરકાર દ્વારા પોતાની પ્રાદેશિક અને ભાષાકીય ઓળખ જાળવી રાખવા માટે આ માંગણી કરવામાં આવી રહી હતી. રાજ્ય વિધાનસભાના પ્રસ્તાવને પગલે કેન્દ્રીય મંત્રીમંડળે તેને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હવે નિયમાનુસાર રાષ્ટ્રપતિ આ બિલને રાજ્ય વિધાનસભામાં મોકલશે અને ત્યારબાદ તેને સંસદમાં કાયદાકીય મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
અમદાવાદ મેટ્રો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરોડોની ગ્રાન્ટ: ગુજરાતના વિકાસને વધુ વેગ આપતા, મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો ફેઝ 2B ના વિસ્તરણ માટે ૧,૦૬૭ કરોડની ફાળવણી કરી છે. આ મંજૂરી સાથે હવે મેટ્રો ટ્રેન ગિફ્ટ સિટી થી શાહપુર સુધી લંબાવવામાં આવશે, જે લાખો મુસાફરો માટે પરિવહન સુવિધા આસાન બનાવશે. આ ઉપરાંત, જમ્મુ કાશ્મીરના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે શ્રીનગર એરપોર્ટ પર ૧,૬૬૭ કરોડના ખર્ચે ૭૧,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું નવું અત્યાધુનિક સંકલિત ટર્મિનલ બનાવવામાં આવશે, જેનું કાર્ય આગામી ૪ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.રેલવે કનેક્ટિવિટી અને કૃષિ ક્ષેત્રે મહત્વના પગલાં:
દેશના રેલવે નેટવર્કને મજબૂત બનાવવા માટે ત્રણ મોટા રેલવે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી છે:
ગોંદિયા જબલપુર રેલવે લાઇનના ડબલિંગ માટે ૫,૨૩૬ કરોડ.
પુનરખ કિયુલ ત્રીજી અને ચોથી લાઇનના નિર્માણ માટે ૨,૬૬૮ કરોડ.
ગમહરિયા ચાંદીલ લાઇન માટે ૧,૧૬૮ કરોડ મંજૂર કરાયા છે.
કૃષિ ક્ષેત્રે ખેડૂતોના હિતમાં ર્નિણય લેતા કાચા શણ માટે Minimum Support Price (MSP) માં વધારો કરી તેને ૪૩૦ કરોડના પેકેજ સાથે સુરક્ષિત કરવામાં આવી છે. મંત્રીમંડળે વીજ ક્ષેત્રમાં મોટા સુધારાઓ માટે પણ નીતિગત ર્નિણયો લીધા છે જે આગામી સમયમાં દેશમાં ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરશે.
‘નાગરિક દેવો ભવ‘ ના સિદ્ધાંત સાથે ૨૦૪૭ નું લક્ષ્ય:
અશ્વિની વૈષ્ણવે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા એક દાયકામાં સરકારે ૨૫૦ million (૨૫ કરોડ) લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. આયુષ્માન યોજના, સ્વચ્છ ભારત અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે. મંત્રીમંડળના આજના તમામ ર્નિણયો “નાગરિક દેવો ભવ” ની ભાવનાથી પ્રેરિત છે, જે ભારતને વિશ્વના નકશા પર એક મજબૂત આર્થિક અને સામાજિક શક્તિ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.




