
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, પરિવર્તન લાવો અને કિસાન બચાવોના બેનર હેઠળ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રવીણ રામ દ્વારા આજે 24 ફેબ્રુઆરીથી સોમનાથના ભગવાન મહાદેવના ધામથી “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા”ની શરૂઆત થઈ છે. ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય, ટ્રેડ ડીલ રદ્દ થાય, કડદા પ્રથા રદ્દ થાય તથા ખેડૂતોને વીમા યોજના હેઠળ પોતાની નુકસાનીને સહાય મળે તેને લઈને આ યાત્રાની શરૂઆત થઈ છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો શ્રમિકો, ભાગિયાઓ, ખેતમજૂરો જોડાય તેવી મારી અપીલ છે. ગાંધીનગર ખાતે 8મી માર્ચના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબની હાજરીમાં આ યાત્રાની પૂર્ણાહુતિ થશે. આમ આદમી પાર્ટી સડકથી લઈને સદન સુધી ખેડૂતોના મુદ્દે લડત લડી રહી છે, તો તમામ લોકોનો આ યાત્રામાં સહકાર મળે અને આશીર્વાદ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.




