
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬નો દિવસ ગુજરાતના અને ખાસ કરીને જુનાગઢ તથા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ રહ્યો. તેમણે ઉર્જા મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો. ઘણા વર્ષો પહેલાં સરકારે ખેડૂતોને સબસિડીવાળા ઓફ-ગ્રિડ સોલાર પમ્પ ઇન્સ્ટોલેશન આપ્યા હતા. તે વખતે ગુજરાત સરકારે મોટી જાહેરાતો કરી હતી કે સબસિડીવાળો સોલાર પમ્પ આપવાથી ખેડૂતોને ખેતીવાડીનું પરંપરાગત વીજ કનેક્શન લેવાની જરૂર નહીં રહે અને સૂર્ય ઊર્જાથી પમ્પ ચલાવી સિંચાઈ કરી શકાશે. તે સમયે એવો નિયમ પણ હતો કે સોલાર પમ્પ લીધા બાદ પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ ખેડૂતોને પરંપરાગત ખેતીવાડી વીજ કનેક્શન આપવામાં આવશે. પરંતુ હકીકતમાં જુનાગઢ અને અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં અનેક ખેડૂતોને પાંચ નહીં, દસ-દસ, બાર-બાર અને આઠ-આઠ વર્ષ વીતી ગયા હોવા છતાં પરંપરાગત વીજ કનેક્શન આપવામાં આવતું નથી. ખેડૂતો ખેતીવાડીની સર્વિસ લેવા માંગે છે, છતાં સરકાર કાગળિયાં પર કાગળિયાં, ધક્કા પર ધક્કા અને નોટિસ પર નોટિસ આપીને વીજ કનેક્શન આપ્યું નથી. અમરેલી જિલ્લામાં પણ સ્થિતિ ગંભીર છે. ખેડૂતો હેલિકોપ્ટર, ચાર્ટર પ્લેન કે રાજ્યસભાની ટિકિટ માંગતા નથી; તેઓ માત્ર પોતાના ખેતરમાં સબમર્સિબલ મોટર ચલાવવા માટે એક વીજ મીટર અને લાઇટનું કનેક્શન માંગે છે.
આ ઉપરાંત ગયા વર્ષે બજેટમાં મંજૂર કરેલી રકમ કરતાં વધુ ખર્ચ થવાથી વધારાની રકમ મંજૂર કરવાની માંગણી મૂકાઈ હતી. તેમણે જણાવ્યું કે વ્યાજ રિબેટ સમયસર ન મળવાને કારણે ખેડૂતોને વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે ધિરાણ લેવું પડે છે. બેન્કો સમયસર પ્રસ્તાવ મોકલતી નથી, જેના કારણે રિબેટમાં વિલંબ થાય છે. વિધાનસભામાં નાણામંત્રીએ જવાબ આપ્યો કે જુનાગઢ જિલ્લામાં ૨૦૨૩-૨૪નું રિબેટ હજુ પ્રક્રિયામાં છે અને ૨૦૨૪-૨૫ તથા ૨૦૨૫-૨૬નું પણ બાકી છે. સરકાર દ્વારા ખેડૂતોને રિબેટ ચુકવવા માટે વધારાના ₹૧૨૨ લાખ મંજૂર કરવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ ગોપાલ ઇટાલિયાએ તેનો વિરોધ કર્યો અને જણાવ્યું કે સમયસર ૩% અને ૪% રિબેટ ન મળવાથી ખેડૂતો વ્યાજના ચક્રમાં ફસાઈ જાય છે. બેન્કમાંથી લોન સમયસર ભરવી પડે છે, એક દિવસ મોડું થાય તો દંડ લાગે છે, તો પછી સમયસર લોન ભરનાર ખેડૂતને સમયસર રિબેટ કેમ મળતું નથી તે પ્રશ્ન તેમણે ઉઠાવ્યો.
તેમણે પંચાયત વિભાગને તલાટી-કમ-મંત્રીઓની ગેરહાજરી મુદ્દે પણ પ્રશ્ન કર્યો. નિયમ મુજબ તલાટી-કમ-મંત્રીએ ગામ પંચાયત કચેરીમાં જ રહેવું ફરજિયાત છે, કારણ કે તે નિવાસસ્થાન અને કચેરી બંને હોય છે. છતાં સમગ્ર ગુજરાતમાં મોટા ભાગે તલાટી-કમ-મંત્રીઓ ગામમાં રહેતા નથી. પરિણામે જન્મ દાખલો, મૃત્યુ દાખલો, લગ્ન દાખલો, ડોમિસાઇલ સર્ટિફિકેટ, પંચાયત વેરો અને વિવિધ સરકારી યોજનાઓ માટે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ પડે છે. તેમણે પૂછ્યું કે તલાટી-કમ-મંત્રીઓની ગેરહાજરી અંગે સરકારને કેટલી ફરિયાદો મળી છે, તો પંચાયત મંત્રીએ જવાબ આપ્યો કે એક પણ ફરિયાદ નોંધાઈ નથી. ગોપાલ ઇટાલિયાએ આ જવાબને વાસ્તવિકતાથી વિપરીત ગણાવ્યો અને જણાવ્યું કે ગામડાઓમાં લોકો વારંવાર ફરિયાદ કરે છે, પરંતુ સરકાર સાંભળવા તૈયાર નથી.
આજે વિધાનસભાની અંદર અમારી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તરફથી પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવાએ એસઆઈઆર સંબંધિત પ્રક્રિયા અને મતદાર યાદી અનુસૂચિત સંશોધન (SIR) અંગે એક મુદ્દો રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ગુજરાતના વતની, ગુજરાતના નાગરિક અને અહીં જન્મેલા અનેક લોકોના નામ ઈરાદાપૂર્વક, ગોઠવણબદ્ધ રીતે અને ષડયંત્રપૂર્વક કાઢી નાખવામાં આવ્યા છે. સરકાર આ નામો કાઢી નાખવાની પ્રક્રિયાને રોકવામાં નિષ્ફળ ગઈ છે. ચૈતરભાઈએ આ મુદ્દો રજૂ કરતાં સરકાર તરફથી પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો કે વિધાનસભામાં એસઆઈઆરનો મુદ્દો ચર્ચા માટે લઈ શકાય નહીં. આ મુદ્દે વિવિધ સભ્યોએ પોતાના અભિપ્રાયો અને સૂચનો રજૂ કર્યા. મેં આ ચર્ચામાં ભાગ લઈને દલીલ કરી કે ચૈતરભાઈ વિધાનસભાની અંદર એસઆઈઆરના મુદ્દા પર ચર્ચા કરવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે. મને આનંદ છે કે મારી દલીલ માન્ય રાખવામાં આવી અને અધ્યક્ષે ચૈતરભાઈને એસઆઈઆર સંબંધિત મુદ્દો રજૂ કરવાની પરવાનગી આપી. મારી દલીલ એવી હતી કે ગયા વર્ષે જ્યારે બજેટ પસાર થયું ત્યારે ચૂંટણી શાખા માટે ફાળવાયેલું બજેટ પૂરતું ન હોવાથી નાણામંત્રીએ આજે ગૃહમાં વધારાના 60 કરોડ રૂપિયાની માંગણી પૂરક વિનિયોગ વિધેયક તરીકે રજૂ કરી. નાણામંત્રીએ સ્વીકાર્યું કે SIR પ્રક્રિયા દરમિયાન વધારાનો વહીવટી ખર્ચ થયો હોવાથી આ વધારાની રકમ જરૂરી બની. મેં અધ્યક્ષને રજૂઆત કરી કે જ્યારે ગુજરાતની જનતાના 60 કરોડ રૂપિયા વધુ ખર્ચવામાં આવ્યા હોય, અને તે ખર્ચ છતાં પ્રક્રિયામાં ગેરરીતિઓ સામે આવી હોય, તો તેના પર ચર્ચા કરવાનો દરેક સભ્યને અધિકાર છે. SIR પ્રક્રિયા દરમિયાન નામો ગેરરીતે કાઢી નાખવાના, મૅપ ન કરવાના અને અન્ય અનિયમિતતાઓના આરોપો સામે આવ્યા છે, તેથી આ મુદ્દા પર ચર્ચા આવશ્યક છે. અમે બીજી દલીલ પણ રજૂ કરી કે વિધાનસભામાં કોઈ મુદ્દો સભ્ય દ્વારા રજૂ થાય તે પહેલાં સચિવાલય તેની કાયદેસરતા તપાસે છે. ત્યારબાદ તે કામકાજ સલાહકાર સમિતિ સમક્ષ જાય છે અને અંતે ગૃહમાં અધ્યક્ષની મંજૂરી મળે છે. SIR મુદ્દાને આ ત્રણેય સ્તરે મંજૂરી મળી ચૂકી હતી. આ બંને મુદ્દાઓ અધ્યક્ષના ધ્યાન પર મૂકતાં તેમણે સમગ્ર બાબતનો અભ્યાસ કરીને અમારી રજૂઆત સ્વીકારી. પરિણામે ચૈતરભાઈને SIR મુદ્દા પર વિધાનસભામાં બોલવાની મંજૂરી મળી.




