
ઈરાની મીડિયાએ કરી પુષ્ટિ, ઈરાનમાં ૪૦ દિવસના શોકની જાહેરાત અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈનું મોત ટ્રમ્પે દાવો કર્યો કે ઈઝરાયલ સાથેના અત્યંત સચોટ અને આધુનિક ગુપ્તચર ઓપરેશનને કારણે ખામેનેઈ અને તેમની સાથેના અન્ય નેતાઓ બચી શક્યા નથી
મધ્ય પૂર્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક વળાંક આવ્યો છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલા બાદ હવે ઈરાની મીડિયા પ્રેસ ટીવીએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ આ હુમલામાં માર્યા ગયા છે. ઈરાની સેના IRGC તરફથી પણ ખામેનેઈના નિધનની પુષ્ટિ કરી દેવામાં આવી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર આ ઓપરેશનની સફળતાની જાહેરાત કરતા જણાવ્યું કે, “ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંથી એક હવે નથી રહ્યો.” ટ્રમ્પે દાવો કર્યો કે ઈઝરાયલ સાથેના અત્યંત સચોટ અને આધુનિક ગુપ્તચર ઓપરેશનને કારણે ખામેનેઈ અને તેમની સાથેના અન્ય નેતાઓ બચી શક્યા નથી. ટ્રમ્પે આને ઈરાની જનતા માટે સ્વતંત્રતાની સૌથી મોટી તક ગણાવી છે.
ઈરાની ન્યૂઝ ચેનલ પ્રેસ ટીવી (Press TV) એ પુષ્ટિ કરી છે કે સંયુક્ત હવાઈ હુમલામાં સર્વોચ્ચ નેતા ખામેનેઈ અને તેમના પરિવારના કેટલાક સભ્યોના મોત થયા છે. આ જાહેરાત બાદ ઈરાનમાં ૪૦ દિવસના જાહેર શોકની જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યા હતા કે ખામેનેઈનું આખું ઠેકાણું જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે અને તેમનો મૃતદેહ નષ્ટ થયેલા મહેલમાંથી મળી આવ્યો છે.
ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની ક્રાંતિકારી ગાર્ડ્સ (IRGC), સેના અને પોલીસ હવે લડવા માંગતી નથી અને અમેરિકા પાસે માફી (Immunity) માંગી રહી છે. ટ્રમ્પે સૈનિકોને સંદેશ આપતા કહ્યું કે, “અત્યારે શરણાગતિ સ્વીકારશો તો માફી મળી શકે છે, પણ પછી માત્ર મોત જ મળશે.” તેમણે આશા વ્યક્ત કરી કે ઈરાની સૈનિકો દેશભક્તો સાથે મળીને દેશને ફરીથી બેઠો કરવામાં મદદ કરશે.
પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે વ્યુહાત્મક સ્થળો પર બોમ્બમારો આખું અઠવાડિયું અથવા જરૂર પડે ત્યાં સુધી ચાલુ રહેશે. માત્ર ખામેનેઈનું મોત પૂરતું નથી, પરંતુ ઈરાનની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર ઈસ્લામી ક્રાંતિના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈનું મોત શનિવારે સવારે થયેલા હુમલામાં થયું છે. આ સાથે જ ઈરાન દ્વારા એ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે કે હુમલામાં ખામેનેઈની દીકરી, જમાઈ અને પૌત્રીનું પણ મોત થયું છે. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ હુમલો નેતાના નિવાસસ્થાને આવેલા કાર્યસ્થળ પર થયો હતો જેમાં તેઓ શહીદ થયા છે.
ઈરાનમાં અલી ખામેનેઈના મૃત્યુ બાદ ૪૦ દિવસના સાર્વજનિક શોકની ઘોષણા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયલ એ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો હતો. જેમાં ઈરાનમાં ૩૦ જગ્યાઓએ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાન તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી અને કેટલાક દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલા થયા હતા.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી ફાર્સના જણાવ્યાનુસાર હુમલો થયો ત્યારે ખામેનેઈ તેના કાર્યસ્થળ પર હાજર હતા. જ્યાં તેઓ શહિદ થયા. ખામેનેઈના મોતની પુષ્ટિ કરતાં ઈરાન તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં રાષ્ટ્રના મહાન નેતાના નિધનનો બદલો લેવામાં આવશે. ખામેનેઈના નિધનથી તેમના માર્ગ પર ચાલવાનો સંકલ્પ વધારે મજબૂત થયો છે. ઈરાન તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તે આ ઘટના માટે જવાબદાર લોકોને કઠોર દંડ આપશે. ઈરાન હવે વધુ આક્રમકતાથી જવાબ આપશે. ઈરાનમાં મૃત્યુઆંક ૨૦૦ને વટાવી ગયો છે. ઈરાની મીડિયા અનુસાર, ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં ૨૦૧ લોકો માર્યા ગયા છે, જેમાં આશરે ૮૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેહરાન પરના હુમલા બાદ, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. મધ્ય તેહરાનના યુનિવર્સિટી સ્ટ્રીટ અને જાેમહુરી વિસ્તારોમાં અનેક મિસાઇલો પડી. રાજ્ય મીડિયાએ પુષ્ટિ આપી છે કે તેહરાનમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા. દરમિયાન, ઇરાને તેનું એરસ્પેસ ક્ષેત્ર બંધ કરી દીધું છે. દેશભરમાં મોબાઇલ ફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઇઝરાયલી હુમલા બાદ દક્ષિણ તેહરાનના એક વિસ્તારમાંથી ધુમાડો નીકળતો જાેવા મળ્યો હતો.
ઇઝરાયલ પરના હુમલા બાદ ઇઝરાયલમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) એ અહેવાલ આપ્યો છે કે, સમગ્ર દેશમાં સાયરન વગાડવામાં આવ્યા હતા.
વધુમાં, મોબાઇલ ફોન પર અગાઉથી ચેતવણીઓ મોકલવામાં આવી હતી, જેમાં લોકોને સલામત સ્થળોની નજીક રહેવાની વિનંતી કરવામાં આવી હતી. ઇઝરાયલ પણ તેના હવાઈ ક્ષેત્રને બંધ કરી રહ્યું હોવાના અહેવાલ છે.
ઇઝરાયલી સેનાએ જાહેરાત કરી કે દેશભરમાં શાળાઓ અને કોલેજાે બંધ રહેશે, જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
ઇઝરાયલે ૨૦૦ ફાઇટર જેટનો ઉપયોગ કરીને હવાઈ હુમલો કર્યો.ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે તેના ઇતિહાસમાં સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે.
આ કાર્યવાહીમાં આશરે ૨૦૦ ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ૫૦૦ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
જયશંકરે કતાર, બહેરીન, યુએઈ અને કુવૈતના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાન, યુએઈ, કુવૈત અને બહેરીનના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી.




