
બોર્ડની પરીક્ષામાં કેમેસ્ટ્રીનું પેપર ખરાબ ગયું હતું પેપર ખરાબ જતાં ધો. ૧૨ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જતાં આ વિદ્યાર્થીનીએ પોતાના ઘરે બેડરૂમમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
હાલમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષામાં પેપર સારું ન જતાં એક ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું હોવાની કરુણ ઘટના બારડોલી ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી રહી છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં ગઈકાલે સાયન્સ વિભાગમાં કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જતાં આ વિદ્યાર્થીનીએ પોતાના ઘરે બેડરૂમમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે, ત્યારે આ ઘટનાને કારણે મૃતક વિદ્યાર્થિનીનો પરિવાર શોકાતુર બન્યો છે.
ઘટનાની મળતી માહિતી મુજબ, ગુજરાત બોર્ડની પરીક્ષા દરમિયાન સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે આ કરુણ ઘટના બની છે. જ્યાં ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ગઈકાલે ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રી (રસાયણશાસ્ત્ર)નું પેપર હતું. જે પેપર સારું ન જતાં આ વિદ્યાર્થિનીએ આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી હાલ સામે આવી રહી છે.
પરિવારજનોના જણાવ્યાનુસાર, ગતરોજ તેનું કેમેસ્ટ્રીનું પેપર હતું, તેને બીજીવાર આ પરીક્ષા આપી હતી. ગઈકાલે તે વિદ્યાર્થિની બોર્ડની પરીક્ષા આપીને ઘરે પરત ફરી હતી અને ઉદાસ જણાતી હતી. બાદમાં તે પોતાના બેડરૂમમાં ગઈ હતી. જાેકે લાંબા સમય બાદ પણ તે બેડરૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોએ તેના બેડરૂમમાં તપાસ કરી, ત્યારે તે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકતી હાલતમાં મળી આવી છે, જેને નીચે ઉતારી જાેતા તેનું મોત થયાની પુષ્ટિ થઈ હતી.
નોંધનીય છે કે, ગઈકાલે આવી જ એક ઘટના જૂનાગઢના વધાવી ગામેથી સામે આવી હતી, જ્યાં ૨૧ વર્ષીય પૂનમ મારડિયા નામની યુવતીએ પોલીસની ભરતીમાં બે માર્ક્સથી નાપાસ થતા આવી જ રીતે ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, ત્યારે વારંવાર સામે આવતી આ કરુણ ઘટનાઓ હાલ સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. જાેકે હાલ તો બોર્ડની પરીક્ષામાં કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જતાં નાસીપાસ થઈ વિદ્યાર્થિનીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા તેનો પરિવાર શોકાતુર બન્યો છે. વિદ્યાર્થિનીએ આ અંતિમ પગલું ભરતા તેના મિત્રવર્તુળમાં પણ હાલ શોકનો માહોલ છવાયો છે.




