
છેલ્લી વનડેમાં સદી ફટકારનાર બીજી મહિલા ક્રિકેટર એલિસા હીલીએ ભારત સામે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે મેચ રમી ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીએ ભારત સામે પોતાની વિદાય મેચમાં હોબાર્ટ વનડેમાં ૧૫૮ રન બનાવ્યા હતા
ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવનાર એલિસા હીલીએ ભારત સામે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે રમી. તેની આ ઇનિંગ એક સપનું સાકાર કરનારી હતી, કારણ કે તેણે પોતાની વિદાય મેચમાં શાનદાર સદી ફટકારી હતી. એલિસા હીલીએ ભારત સામે હોબાર્ટ વનડેમાં ૧૫૮ રન બનાવ્યા હતા. ઓપનર તરીકે મેદાનમાં ઉતરતી વખતે હીલીએ માત્ર ૭૯ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
એલિસા હીલીની વિસ્ફોટક ઇનિંગ્સ વર્ષો સુધી યાદ રહેશે. તેના પતિ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક આ ખાસ ક્ષણના સાક્ષી બન્યા. હીલીએ સદી ફટકારી ત્યારે સ્ટાર્ક કોમેન્ટ્રી બોક્સમાં હાજર હતો. જેમ જેમ હીલી ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચી રહી હતી, સ્ટાર્કના અવાજમાં લાગણી સ્પષ્ટપણે અનુભવાઈ રહી હતી, ચાહકોએ તેને ક્રિકેટની સૌથી સુંદર ક્ષણ ગણાવી.
એલિસા હીલીએ ભારત સામે શાનદાર સદી ફટકારીને મેચને યાદગાર બનાવી દીધી. આ ઇનિંગ દરમિયાન હીલીએ અનેક રેકોર્ડ બનાવ્યા. જેના પર એક નજર કરીએ…
એલિસા હીલી પોતાની કારકિર્દીની છેલ્લી વનડેમાં સદી ફટકારનાર બીજી મહિલા ક્રિકેટર છે. દક્ષિણ આફ્રિકાની જાેહરી લોગટેનબર્ગે ૨૦૦૭માં પોતાની છેલ્લી વનડેમાં સદી ફટકારી હતી. ત્યારે હવે એલિસા હીલીએ આ સિદ્ધિ મેળવી છે અને પોતાની અંતિમ વનડેમાં સદી ફટકારનાર બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે.
એલિસા હીલી ODI ક્રિકેટ ઇતિહાસમાં ૧૫૦ રન બનાવનારી બીજી સૌથી ઝડપી બેટ્સમેન બની છે. તેણીએ ૯૫ બોલમાં ૧૫૦ રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈને ૯૩ બોલમાં ૧૫૦ રન બનાવ્યા હતા.
એલિસા હીલી મહિલા ODI ક્રિકેટમાં તેની છેલ્લી ODI માં સૌથી મોટી ઇનિંગ્સ રમનારી ક્રિકેટર બની ગઈ છે. તેણીએ ૯૮ બોલમાં ૧૫૮ રન બનાવ્યા હતા. અત્યાર સુધી આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાની જાેહરી લોગટેનબર્ગના નામે હતો. તેણીએ તેની છેલ્લી ODI માં ૧૫૩ રન બનાવ્યા હતા.
એલિસા હીલી ભારત સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની છે. ૨૦૦૬માં ઇંગ્લેન્ડની ક્લેર ટેલરે ભારત સામે ૧૫૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ત્યારે હવે હીલીએ ટેલરને પછાડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
એલિસા હીલીએ પોતાની ઇનિંગ્સમાં ૨૭ ચોગ્ગા ફટકાર્યા. તે એક વનડે મેચમાં સૌથી વધુ ફોર ફટકારવાની યાદીમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે. અમેલિયા કેર આયર્લેન્ડ સામે ૩૧ ચોગ્ગા સાથે આ યાદીમાં ટોપ છે. તો ભારતની દીપ્તિ શર્માએ પણ એક ઇનિંગ્સમાં ૨૭ ચોગ્ગા ફટકાર્યા છે.
એલિસા હીલીની વનડે કારકિર્દી પ્રભાવશાળી રહી. તેણે ૧૨૫ વનડેમાં ૩૬૧૯ રન બનાવ્યા, જેમાં ૭ સદી અને ૧૯ અડધી સદીનો સમાવેશ થાય છે. હીલીએ ૧૬૨ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૩૦૬૨ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ૧૭ અડધી સદીનો સમાવેશ થાય છે.
૩૫ વર્ષીય એલિસા હીલીએ આ વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારત સામેની વનડે શ્રેણી ૫૦ ઓવરના ક્રિકેટમાં તેની છેલ્લી મેચ હતી, જ્યારે પર્થમાં ભારત સામેની ટેસ્ટ મેચ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે. સોફી મોલિનેક્સ ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની કેપ્ટનશીપ તરીકે હીલીનું સ્થાન લેશે.




