
હુમલાખોરે અંધાધૂધ ગોળીબાર કરી અમેરિકાના ટેક્સાસમાં એક ભયાનક ગોળીબારની ઘટના બની ૨૧ વર્ષીય ભારતીય મૂળની વિદ્યાર્થિની સવિતા શાન અને અન્ય એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે
અમેરિકાના ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં રવિવારે વહેલી સવારે એક ભયાનક ગોળીબારની ઘટના બની, જેમાં ૨૧ વર્ષીય ભારતીય મૂળની વિદ્યાર્થિની સવિતા શાન અને અન્ય એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હુમલામાં ૧૪ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાએ સમગ્ર અમેરિકામાં વસતા ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓમાં ફાળ પાડી દીધી છે.
પોલીસ અહેવાલ અનુસાર, હુમલાખોરની ઓળખ ૫૩ વર્ષીય સેનેગાલીઝ ઇમિગ્રન્ટ ન્ડિયાગા ડાયગ્ને તરીકે થઈ છે. તેણે શહેરના એક વ્યસ્ત બીયર ગાર્ડન પાસે પોતાની કાર પાર્ક કરી અને આંગણામાં બેઠેલા નિર્દોષ લોકો પર પિસ્તોલથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. એટલું જ નહીં, તેણે કારમાંથી બહાર નીકળીને રાઈફલ વડે પસાર થતા લોકો પર પણ હુમલો કર્યો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હુમલાખોરે ઈરાની ધ્વજવાળી ટી-શર્ટ અને “અલ્લાહની સંપત્તિ” લખેલું શર્ટ પહેર્યું હતું. શનિવારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાના બીજા જ દિવસે આ ઘટના બની હોવાથી FBI આને આતંકવાદી કાવતરું માની રહી છે. FBI ના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું છે કે દેશભરમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
સવિતા શાન ટેક્સાસ યુનિવર્સિટીની એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થિની હતી. તે અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં ડ્યુઅલ બેચલર ડિગ્રી મેળવી રહી હતી અને આ વર્ષે જ સ્નાતક થવાની હતી. યુનિવર્સિટીના પ્રમુખ જીમ ડેવિસે તેને અંજલિ આપતા કહ્યું કે સવિતા “દુનિયા બદલવાની ક્ષમતા” ધરાવતી યુવતી હતી. સવિતા સામાજિક રીતે પણ ખૂબ સક્રિય હતી; તેણે ઓસ્ટિન તમિલ સંગમમાં સ્વયંસેવક તરીકે સેવા આપી હતી અને પોતાનો ઈ-કોમર્સ વ્યવસાય પણ શરૂ કર્યો હતો. તેણે પ્રાઈસ વોટરહાઉસ કૂપર્સ (PwC) જેવી મોટી કંપનીઓમાં ઇન્ટર્નશિપ પણ કરી હતી.ઓસ્ટિન પોલીસ વડા લિસા ડેવિસે ખાતરી આપી છે કે હુમલાખોરની પૃષ્ઠભૂમિ અને તેના સંભવિત આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનો સાથેના સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર ઓસ્ટિન શહેરમાં અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ લોકોને સાવધ રહેવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલની જાણ તુરંત પોલીસને કરવા અપીલ કરી છે.




