
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતના વિવિધ વિસ્તારો જેવા કે ઉધના, ભેસ્તાન,ઉન,પાંડેસરા, લિંબાયત, ડિંડોલી,ગોડાદરા, કવાસ,હજીરા,મોરા વિગેરે વિસ્તારોમાં મોટાભાગે ઔધોગિક કારખાના, ડાઈનીંગ હાઉસમાં કામ કરતાં મજુર અને કારીગર વર્ગ મોટી સંખ્યામાં રહે છે. અને આવા મજુર કારીગરો બીમાર પડે ત્યારે મોટા ભાગે સિવિલ હોસ્પિટલ કે સ્મીમેર હોસ્પિટલ જતાં હોય છે. પરંતુ ત્યાં તેઓને હડધૂત કરવામાં આવતા હોય અને પૂરતી અને સસ્તી સારવાર ના મળતી હોવાના કારણે તેઓએ જે તે વિસ્તારમાં આવેલા ડિગ્રી વગરના ઝોલાંછાપ ડોકટરો પાસે જવાની ફરજ પડે છે. આવા લેભાગુ ડિગ્રી વગરના ડોકટરો દર્દીઓને એકસ્પાયરી ડેટની દવા પણ આપતા હોય છે. તેની દર્દીઓને કોઈ ખબર હોતી નથી અને ડોકટરોને પણ ખબર હોતી નથી. આમ આ વિસ્તારોમાં ડિગ્રી વગરના ઝોલાંછાપ એવા બોગસ ડોકટરોનો રાફડો ફાટેલ છે.
સુરત શહેરના સણીયા વિસ્તારમાં બે વિધાર્થીનીઓએ ઈન્જેકશન લઈ સુસાઈડ કરેલ છે. અને આ વિધાર્થીનીઓના આપઘાતથી સુરત શહેરમાં હડકંપ મચી ગયેલ છે. આ ઈન્જેકશન આ વિધાર્થીનીઓ પાસે આવ્યા ક્યાંથી? કયા મેડિકલ સ્ટોરવાળાએ આ ઈન્જેકશન આ માસુમ બાળાઓને આપ્યા તેની તપાસ થવી જોઈએ. ઉન,ભેસ્તાન,પાંડેસરા, સચીન, લિંબાયત, ઉધના, પિયુષ પોઈન્ટ વિગેરે વિસ્તારોમાં મેડિકલ સ્ટોર આડેધડ ખોલવામાં આવ્યા છે. આવા મેડિકલ સ્ટોર ખોલવા માટે કેટલાક પૈસાવાળા રોકાણ કરતાં હોય છે. અને મેડિકલ સ્ટોર ચલાવવામાં માટે લાયકાત ધરાવતા ફાર્માસીસ્ટની જરૂરિયાત રહેતી હોવા છતાં મેડિકલ સ્ટોરમાં ૦૮ થી ૧૦ ચોપડી ભણેલા કર્મચારીઓ કામગીરી કરતાં હોય છે. અને આવા કર્મચારીઓ ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ આપી દેતા હોય છે. આમ મેડિકલ સ્ટોર ચલાવનારા પણ ડિગ્રી અને લાયકાત વગરના હોય છે. બોગસ ડોકટરો આવા મેડિકલ સ્ટોરવાળાને પ્રોત્સાહિત કરતાં હોય છે.
સણીયામાં વિધાર્થીનીઓએ ઈન્જેકશન લઈ આપઘાત કર્યોએ સરકારી તંત્ર માટે એક ગંભીર બનાવ છે. આડેધડ ખુલતાં મેડિકલ સ્ટોરની મંજૂરી આપનાર અધિકારીઓએ ક્યારેય મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી છે ખરી? માત્ર દિવાળી અને હોળી જેવા વાર-તહેવારોએ આ અધિકારીઓ કવર લેવા જતાં હોય છે.આવા મેડિકલ સ્ટોરમાં સીરપનું વધુ વેચાણ થતું હોય છે. અને મજૂરીયાત લોકો આ સીરપ અને નશાની ગોળીઓ આવા સ્ટોરમાંથીજ ખરીદતા હોય છે. સરકારી હોસ્પિટલ અને સરકારી અધિકારીઓ પૂરતી તકેદારી રાખે તો મેડિકલ સ્ટોરમાં કામ કરતાં લાયકાત વગરના અનેક કર્મચારીઓને પકડી પાડી મેડિકલ સ્ટોર બંધ કરાવી શકે. દૈનિક ન્યૂઝલાઇન સીધા સમાચાર ગુજરાતી ના ફોટોગ્રાફર અને દૈનિક ગરવી ગુજરાત હિન્દી ની ટીમ ઝોન વિસ્તાર માં ફરી આવા લાયકાત વગરના ડોકટરો અને લાયકાત વગરના ફાર્માસીસ્ટ વગર ચાલતા મેડિકલ સ્ટોર્સ બંધ કરાવવા માહિતી એકત્ર કરીને તમામ ફોટોગ્રાફ અને વિડીયો પુરાવાઓ સાથે આરોગ્ય મંત્રીની રૂબરૂ મુલાકાત લઈ માહેતગાર કરી આ બાબતે ઘટતું કરવા અપીલ કરવામાં આવશે.
સરકારી હોસ્પિટલોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં દવાના ફાંફા હોય ગરીબ દર્દીઓએ દવા બહારથી ખરીદવી પડતી હોય આવા સંજોગોમાં સરકારી હોસ્પિટલોમાં જામી પડેલા અધિકારીઓને છૂટા કરવા જોઈએ.




