(નીડર ,નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ગુજરાત રાજ્યમાં કોઈપણ સમસ્યાનું સમાધાન માટે આંદોલન ફરજીયાત થઈ ગયું છે. આંદોલન વગર કોઈપણ સમસ્યાનું સમાધાન થતું નથી અને આંદોલન કર્યા બાદ આંદોલનકારીઓ એ આંદોલન થી માત્ર ને માત્ર સંતોષ અનુભવવાનો છે. જે સમસ્યા છે એનું જડમૂળથી નિરાકરણ થતું જ નથી એ પછી ગુજરાત ના ખેડૂતોનું આંદોલન હોય,યુવા વિદ્યાર્થીઓનું આંદોલન હોય, નીટ માટે વિદ્યાર્થીઓનું આંદોલન હોય, મેડીકલ કોલેજના સ્ટુડન્ટોનું આંદોલન હોય, આશા વર્કર બહેનોનું આંદોલન હોય, વેપારીઓનું આંદોલન હોય ઉપરોક્ત તમામે તમામ લોકોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે રોડ ઉપર ઉતરી સરકારના, જિલ્લાના પ્રતિનિધિ કલેકટર ને આવેદન પત્ર આપી સંતોષ માનવાનો હોય છે. અને આંદોલનો બાદ પણ તેઓના પ્રશ્નોના નિકાલ કે નિરાકરણ થતું નથી.ગરીબ
વર્કરો મજદૂરોએ પણ તેઓની રોજીરોટી માટે રોડ પર ઉતરવું પડે છે અને રોડ પર ઉતરી આંદોલન બાદ પણ તેઓનું શારીરિક શોષણ ચાલુ રહે છે.
સુરત શહેર માં RTO બદલાય એટલે તરત જ નવા નીતિ નિયમો અમલમાં આવી જાય છે. સમગ્ર ગુજરાતમાં જે નીતિ નિયમો નથી તેનું પાલન સુરતમાં ફરજીયાત કેમ? સુરતના વેપારીઓ, ડીલરો અને સબડીલરો નવી ગાડીઓનો જથ્થો પોતાના શો રૂમમાં કેમ ના રાખી શકે? જે વેપારીઓ શાંતિપ્રિય હોય અને વેપાર ધંધા કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય એ વેપારીઓ પર સુરતના R.T.O. નો બિનજરૂરી અંકુશ શા માટે? સમગ્ર ગુજરાત માં ડ્રગ અને દારૂ, ગાંજો, અફીણ જેવા ઝેરી પદાર્થો વિના રોક ટોક વેચાતા હોય ત્યારે સુરતના આ RTO ડીલરો અને સબ ડીલરોને તેઓના શો રૂમ માં ટુ વ્હીલર ગાડીઓ રાખતા કેમ રોકે છે?
જો સરકાર નો આવો કાયદો કે કાનૂન હોય તો સુરત બહારના અન્ય શહેરોમાં ડીલરો અને સબડીલરો પોતાના શો રૂમોમાં ગાડીઓનો સ્ટોક રાખી ધંધો કરતા હોય ત્યારે માત્ર ને માત્ર સુરત શહેરમાં તે વિરુદ્ધનો કાયદો કેવી રીતે હોઈ શકે? રાજ્ય સરકારે સુરત શહેરના ડીલરો અને સબડીલરો ની આ હકીકત તરફ લક્ષ આપવું જોઈએ. સુરત શહેરમાં આશરે નાના મોટા મળીને ૨૫૦ થી ૩૦૦ સબડીલરો છે. અને તેઓ તેમના ત્યાં કામગીરી કરતા શો રૂમ દીઠ બે કે તેથી વધારે કર્મચારીઓ રોકી ને શો રૂમનું સંચાલન કરતા હોય છે અને રોજીરોટી કમાતા હોય ત્યારે સુરતના RTO ના પેટમાં કેમ તકલીફ થઈ રહી છે?
ડીલરો અને સબડીલરો ને એક જ કંપની ની ગાડીઓ રાખી આ મોંઘવારી ના સમય માં ધંધો કરવો પોષાય નહીં જેના કારણે ડીલરો અને સબડીલરો અને ખાસ કરીને સબડીલરો મલ્ટીપર્પસ વાહનો શોરૂમ માં રાખી ધંધો કરતા હોય છે. તેઓને ધંધો કરતાં અટકાવવા પાછળ સુરતના RTO ને ક્યાં વેદના થાય છે? સરકારે આ બાબતે સુરત RTO નો ખુલાસો માંગવો જોઈએ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ પાસે RTO ના આવા બેહૂદા વર્તન અને વ્યવહારની તપાસ કરાવવી જોઈએ.





